Atmadharma magazine - Ank 169
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
કારતકઃ ૨૪૮૪ઃ૧૩ઃ
સ્વભાવમાંથી; તે સ્વભાવ કેવો છે? કે શુદ્ધ અનંતશક્તિ સંપન્ન છે, તે સ્વભાવમાં વિકાર નથી; માટે વિકાર પ્રગટવાની
વાત ન લેવી પણ નિર્મળપર્યાય પ્રગટવાની જ વાત લેવી. આત્મામાં સિદ્ધપર્યાયનો અત્યારે અભાવ છે માટે કદી
સિદ્ધપર્યાય પ્રગટશે જ નહિ–એમ નથી, કેમકે આત્માની અભાવ–ભાવશક્તિ એવી છે કે ભવિષ્યની જે નિર્મળપર્યાયનો
અત્યારે અભાવ છે તે પછી ભાવરૂપ થાય છે. આવી નિજ શુદ્ધશક્તિની પ્રતીત હોવાથી સાધકને એમ સંદેહ નથી ઊઠતો
કે ભવિષ્યમાં મારા સ્વભાવમાંથી અશુદ્ધતા પ્રગટ થશે;–પણ તેને તો સ્વભાવના ભરોસે નિઃસંદેહતા છે કે મારા
સ્વભાવમાંથી શુદ્ધપર્યાયનો જ પ્રવાહ સાદિ–અનંતકાળ સુધી વહેશે. ભવિષ્યમાં મારા આત્મામાંથી વિકારનો ‘ભાવ’
નહિ થાય, તેનો તો ‘અભાવ’ થશે, ને કેવળજ્ઞાન તથા સિદ્ધપદનો ‘ભાવ’ થશે.
હે જીવ! તારી પર્યાયમાં હિતનો અભાવ છે અને તારે હિત પ્રગટ કરવું છે તો તે હિત ક્યાં શોધવું? પરમાં કે
વિકારમાં એવી તાકાત નથી કે તને હિત આપે. તારા સ્વભાવમાં જ હિત શોધ, તેનામાં જ એવી તાકાત છે કે હિતરૂપ
દશાને પોતામાંથી પ્રગટ કરે.
પોતાના શુદ્ધ સ્વભાવને પ્રતીતમાં રાખીને, તેના આધારે, પહેલા સમયે અવિદ્યમાન એવી નિર્મળ–નિર્મળ
પર્યાયોને પ્રગટ કરીને તેનો કર્તા ધર્મી જીવ થાય છે; પરંતુ વિકારનો કર્તા થતો નથી, તેનો તો અભાવ કરતો જાય છે;
તથા શરીરાદિ જડનો તો આત્મામાં અભાવ જ છે, તેથી તેનો પણ કર્તા થતો નથી.
જડનો આત્મામાં ત્રિકાળ અભાવ છે તે કદી આત્મામાં ભાવરૂપ થતા નથી; શુદ્ધ સ્વભાવમાં વિકારનો અભાવ
છે તેથી તે શુદ્ધસ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને વિકારી ભાવો ભાવરૂપ થઈને પ્રગટતા નથી; તેને તો ‘અભાવ’ રૂપ એવી
નિર્મળ પર્યાયો જ ‘ભાવ’ રૂપ થઈને પ્રગટે છે. આવું ‘અભાવ–ભાવ’ શક્તિનું સમ્યક્ પરિણમન છે. આવું સમ્યક્
પરિણમન કોને થાય? કે જેને શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તેને જ શુદ્ધ પરિણમન થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જે નિર્મળપર્યાય પહેલા સમયે અભાવરૂપ હતી ને બીજા સમયે તે પર્યાય પ્રગટીને
ભાવરૂપ થઈ; તો તે ‘ભાવરૂપ’ કોણ પરિણમ્યું?
* શરીરાદિનો આત્મામાં અભાવ છે,
* પહેલા સમયના વિકારનો બીજા સમયે અભાવ છે,
* પહેલા સમયની નિર્મળ પર્યાયનો પણ બીજા સમયે અભાવ છે,
તે ત્રણે અભાવરૂપ છે, તે કોઈ બીજા સમયે ભાવરૂપ થતા નથી, તો બીજા સમયનો શુદ્ધભાવ ક્યાંથી આવ્યો?
કે શુદ્ધ દ્રવ્યમાં જ તેવા ભાવરૂપ થવાની તાકાત છે, તેથી તે પોતે જ બીજા સમયે તેવા ભાવરૂપ થયું છે–આ રીતે શુદ્ધ
દ્રવ્યને લક્ષમાં લઈને તેની સન્મુખ પરિણમે તેને જ અભાવ–ભાવશક્તિવાળા આત્માને જાણ્યો અને માન્યો છે. વર્તમાન
પર્યાયમાં એવી તાકાત નથી કે તે બીજી પર્યાયને પ્રગટાવે, એટલે પર્યાયદ્રષ્ટિથી ‘અભાવ–ભાવ’ શક્તિવાળા આત્માની
પ્રતીત થઈ શકતી નથી, જેને શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી તેને આત્માની શક્તિઓનું નિર્મળ પરિણમન થતું નથી.
વર્તમાનમાં જે નિર્મળ પર્યાયો અભાવરૂપ છે તે પ્રગટવાની શક્તિ મારા આત્મામાં છે, તેથી મારા આત્માની
શક્તિ સન્મુખ થઈને ‘અભાવનો ભાવ’ કરું–એમ ન માનતાં, પરમાંથી મારી નિર્મળ પર્યાય લાવું–એમ અજ્ઞાની માને છે,
તેને નિજશક્તિની પ્રતીત નથી. ધર્મીને નિજ શક્તિની પ્રતીત છે, તે પોતાની પર્યાય પરમાંથી આવવાનું માનતા નથી,
એટલે પોતાની નિર્મળ પર્યાય પ્રગટાવવા માટે તે પરની સામે કે વિકારની સામે જોતા નથી, પર્યાયબુદ્ધિ કરતા નથી, પણ
શુદ્ધ દ્રવ્યની સન્મુખ એકાગ્ર થઈને તેમાંથી નિર્મળ પર્યાય પ્રગટ કરે છે. નિર્મળ પર્યાયની તાકાત જ્યાં ભરી હોય તેમાંથી
આવે કે બહારમાંથી? જ્યાં શુદ્ધ જ્ઞાન–આનંદની તાકાત ભરી છે તેની સન્મુખ થતાં તેમાંથી જ્ઞાન–આનંદની શુદ્ધ પર્યાય
પ્રગટે છે. સ્વશક્તિની સન્મુખ થયા વિના બહારથી પ્રગટ કરવા માંગે તો અનંતકાળે પણ તે પ્રગટે નહિ.
અજ્ઞાની તો, પરનો પોતામાં ‘અભાવ’ છે તેને ‘ભાવ’ રૂપ કરવા માંગે છે; આત્માની અભાવ–ભાવશક્તિની
તેને ખબર નથી.
જ્ઞાની તો, ‘અભાવરૂપ’ એવી નિર્મળ પર્યાયને પોતાની સ્વશક્તિમાં અંતર્મુખ થઈને ‘ભાવ’ રૂપ કરે છે,
એટલે શુદ્ધતામાંથી શુદ્ધતાને જ પ્રગટ કરતો જાય છે. શુદ્ધસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી તે વિકારને લંબાવવા માંગે છે,
જે શુભાશુભ પરિણામ છે તે બીજી ક્ષણે પ્રગટ કરું–એમ તેને આસ્રવની જ ભાવના છે; આત્માની શુદ્ધશક્તિની ભાવના
તેને નથી.
આત્મા જડની ક્રિયા કરે અથવા જડની ક્રિયાથી આત્માને લાભ થાય એમ માનનાર પોતામાં જડનો ‘ભાવ’
કરવા ઇચ્છે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.