Atmadharma magazine - Ank 170
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
માગશરઃ ૨૪૮૪ઃપઃ
છે.
અહા! ગઈકાલનો પ્રસંગ ચિત્ત સામે ખડો થતાં દિલમાં ખેદ ઊપજે છે...શોક થાય છે, દુઃખ અને
વૈરાગ્યનો ખળભળાટ મચી જાય છે. હવે તો જીવનને કલ્યાણના પવિત્ર પંથ ઉપર વાળીને ઉજ્જવળ
કરવા માટે ભગવતી જિનદીક્ષા અંગીકાર કરવાનો અમારો અડગ નિશ્ચય છે. ત્યારે બીજી તરફ કૈકેયીએ
વિચિત્ર વરદાન માંગ્યું છે! અરે! કૈકેયીને આમ કેમ સૂઝયું?–પણ નહિ, નહિ; બધું બરાબર છે. પદાર્થોનો
પ્રવાહ ક્રમબદ્ધ પલટી રહ્યો છે, તેને જાણવાનો જ આત્માનો સ્વભાવ છે, ફેરફાર કરવાનો નહિ. ઠીક છે,
મેં કૈકેયીને વચન આપેલું છે, આર્ય પુરુષ બોલેલા વચનનું પાલન કરવામાં જ તેમની ફરજ સમજે છે.
મંત્રીઃ– પ્રભો! આપનું ચિત્ત વિહ્વળ અને ખેદખિન્ન કેમ જણાય છે? શું હુકમ છે, ફરમાવો!
દશરથઃ–
મંત્રીજી! શું હુકમ ફરમાવું? અમે ગૃહસ્થાશ્રમમાં રહી જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, ભવ્ય જિનાલયો
બંધાવી વીતરાગી જિનબિંબો સ્થાપ્યા; શાસ્ત્ર અભ્યાસ માટે સ્વાધ્યાય ભવનો, અને જિનશાસનની
પ્રભાવનાના અનેક મંગળ કાર્યો કર્યા. હવે આ સંસારના વિષયોથી અમારું મન વિરક્ત થાય છે. અમે
હવે ભગવતી જિનદીક્ષા અંગીકાર કરી જીવનને અડગ પુરુષાર્થની કસોટીએ ચડાવી આત્મકલ્યાણ કરી
લેવા માગીએ છીએ. આ સંસારથી હવે બસ થાવ.
મંત્રીઃ– પ્રભો! આવા મંગળ કાર્ય માટે આપનો મંગળભાવ સફળ થાઓ, પરંતુ આપ ચિંતામાં કેમ છો?
દશરથઃ– મંત્રીજી! તમે જાણો છો કે ઘોર યુદ્ધના મેદાનમાં કટોકટીની પળે કૈકેયીએ રથનું સારથીપણું કરી આપણને
જીત અપાવી હતી, અને એ વખતે પ્રસન્ન થઈને મેં તેને વરદાન આપ્યું હતું.
મંત્રીઃ– હા, પ્રભો! એ વાત મને બરાબર સાંભરે છે.
દશરથઃ– મંત્રીજી, ત્યારે તેણે તે વરદાન બાકી રાખ્યું હતું, અને આજે તે પોતાના વરદાનની માંગણી કરે છે.
મંત્રીઃ– શા વરદાનની માંગણી કરે છે? પ્રભો!
દશરથઃ– શું કહું? બોલતાં જીભ ઉપડતી નથી, હૃદય દુઃખના ભારથી હચમચી જાય છે, અંતર અકળામણ અનુભવે
છે. જ્યારે કુંવર રામના અભિષેકની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે કૈકેયી વરદાન માંગે છે કે
ભરતને રાજગાદી ઉપર બેસાડો.
(આ વરદાન માંગવા પાછળ કૈકેયીનો કોઈ દુષ્ટ હેતુ ન હતો; પરંતુ દશરથ રાજાની સાથેસાથે જ્યારે
તેનો પુત્ર ભરત પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયો, ત્યારે પતિ તેમજ પુત્ર બંનેનો એકસાથે વિયોગ
થતાં તેને ઘણો આઘાત થયો, તેથી રાજ્યાભિષેકને બહાને કદાચ ભરતને દીક્ષા લેતો રોકી શકાય, એ
હેતુથી તેણે ઉપરોક્ત વરદાન માંગ્યું હતું.)
મંત્રી (એક સાથે)ઃ– હેં! અરે, અમે આ શું સાંભળીએ છીએ?
મંત્રીઃ–
અહા, આર્યપુરુષ રામચંદ્રજીના રાજ્યાભિષેકની જ્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આખી
અયોધ્યાનગરી ઈંદ્રપુરી સમાન શણગારાઈ રહી છે, ધજા–પતાકાઓથી નગરીની સજાવટ થઈ ગઈ છે;
ઠેરઠેર તોરણો અને મંડપો, દરવાજાઓ અને રંગબેરંગી કમાનોથી નગરી ઝળહળી રહી છે, ચોમેર
ગોઠવાયેલી દીપમાળાઓની રોશની પાસે સ્વર્ગના તેજ પણ ઝાંખા લાગે છે; અયોધ્યાનગરીનો એકે એક
નગરજન અનેરા ઉત્સાહથી રામચંદ્રજીનો રાજ્યાભિષેક મહોત્સવ ઊજવવાના કાર્યમાં મશગુલ થઈ રહ્યો
છે...ત્યારે રામને બદલે ભરતને રાજગાદી આપવાની વાત આપ કરો છો!–શું આ સત્ય છે!!