Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
માહઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
ખુલાસો આવી ગયો છે. અહા તો આત્મા પોતાના સ્વભાવનું સ્વસંવેદન કરીને શુદ્ધતારૂપે પરિણમે–એવી જ વાત છે.
પ્રશ્નઃ– ઘણા કહે છે કે આત્મા અરૂપી છે માટે તે સ્વસંવેદન–પ્રત્યક્ષ ન થઈ શકે?
ઉત્તરઃ– એ વાત ખોટી છે. આત્મા અરૂપી હોવાથી તે ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ ન થઈ શકે એ ખરૂં, પરંતુ
અતીન્દ્રિયજ્ઞાનથી તો આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. મતિ–શ્રુતજ્ઞાન પણ જ્યારે અંતરમાં વળે છે ત્યારે તેને
અતીન્દ્રિયપણું છે, ને તે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, અને પોતાને તેની ખબર પડે છે. જો
પોતાને પોતાના સ્વસંવેદનની નિઃશંક ખબર ન પડે તો નિઃશંકતા વગર સાધક શેનો? અને તે આત્માને સાધશે કઈ
રીતે? સાધક જીવ (ચોથા ગુણસ્થાનવાળા અવિરત સમકિતી પણ) પોતાના જ્ઞાનને અંતરમાં વાળીને સ્વસંવેદન
પ્રત્યક્ષથી આત્માને જાણી શકે છે. આમ જે નથી માનતો તેણે આત્માને જાણ્યો જ નથી. આત્મામાં જ ‘સ્વયં’
પ્રકાશમાન વિશદ–સ્પષ્ટ સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ’ છે, એટલે આત્મા પોતે પોતાના જ્ઞાનથી જ પોતાનો સ્પષ્ટ–
પ્રત્યક્ષ સ્વાનુભવ કરે એવો તેનો સ્વભાવ છે. (–આ પ્રકાશશક્તિના વિશેષ વિવેચન માટે જુઓ “આત્મધર્મ” અંક
૧૦૯)
સ્વયં–પોતાના જ છ કારકો વડે, ઇન્દ્રિય વગેરે કારકોની સહાય વિના, જ્ઞાતાસન્મુખ થઈને પોતે પોતાનું પ્રત્યક્ષ
–સ્પષ્ટ સ્વસંવેદન કરે એવો આત્માનો સ્વભાવ છે, પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે તે
સ્વભાવના લક્ષે સ્વસંવેદન પ્રત્યક્ષતાનું પરિણમન થઈ જાય છે.
સ્વભાવનું સમ્યક્ પરિણમન ક્યારે થાય?–કે જ્યારે તેમાં પર્યાયની એકતા થાય ત્યારે.
તે એકતા ક્યારે થાય?–કે તે સ્વભાવ ઉપર જ્યારે નજર પડે ત્યારે.
શુદ્ધ સ્વભાવમાં નજર કરે તો તેમાં એકતા થાય અને સ્વભાવની શક્તિઓનું સમ્યક્ પરિણમન થાય. આનું
નામ ધર્મ છે, ને આ જ મોક્ષનો માર્ગ છે.
પોતાના સ્વભાવના કારકોને અનુસરીને શુદ્ધભાવરૂપ થવાની ક્રિયા કરે એવી આત્માની શક્તિ છે; તેથી
આત્માના બધાય ગુણો પણ એ જ રીતે પોતાના સ્વભાવના કારકો અનુસાર નિર્મળપણે પરિણમે એવા સ્વભાવવાળા
છે; કોઈ પણ ગુણનો એવો સ્વભાવ નથી કે પોતાના નિર્મળ પરિણમનને માટે પરના કારકોને અનુસરે; તેમ જ પરને
અનુસરીને વિકારપણે કે હીનપણે પરિણમે તે પણ ગુણનું ખરૂં સ્વરૂપ નથી, તે તો ઉપાધિભાવ છે, સ્વભાવને જ કારક
બનાવીને પરિણમતાં તે ઉપાધિભાવ છૂટી જાય છે ને શુદ્ધતારૂપ પરિણમન થઈ જાય છે; તે જ આત્માની શુદ્ધ ક્રિયા છે,
તે જ ધર્મક્રિયા છે, તે જ ક્રિયાથી મોક્ષ થાય છે.
જુઓ આ કર્તાની ક્રિયા! કર્તા એવો આત્મા પોતાના જ છ કારકો વડે (અર્થાત્ પોતે જ છ કારકોરૂપ થઈને)
પોતાની ક્રિયા કરે છે, કર્તા પોતાથી ભિન્ન બીજા કોઈ કારકોવડે પોતાની ક્રિયા કરતો નથી. જેમ કે–
મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શનરૂપે પરિણમવાની ક્રિયા અન્ય કારકોને અનુસર્યા વિના પોતે પોતાના
સ્વભાવને અનુસરીને કરે છે. સમ્યગ્દર્શનમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્તો હોવા છતાં, તે નિમિત્તોને
પોતાના કારક બનાવ્યા વિના, પોતાના જ છ કારકોને અનુસરીને આત્મા સમ્યગ્દર્શનરૂપે પરિણમે છે. એ રીતે
પોતાના કારકો વડે જ પોતાની ક્રિયા કરે છે. એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે બધા ગુણોમાં નિર્મળ
પરિણમનરૂપ ક્રિયા આત્મા પોતે સ્વતઃ છ કારકોરૂપે થઈને કરે છે, આવી ક્રિયાશક્તિ આત્મામાં ત્રિકાળ છે.
એક આ વાત ખાસ સમજવા જેવી છે કે શુદ્ધતાના જ છ કારકરૂપે થવાનો આત્માનો સ્વભાવ છે, પણ
અશુદ્ધતાના કારકરૂપે થવાનો આત્માનો સ્વભાવ નથી. જે જીવ એકલી અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેણે, સ્વયં છ
કારકરૂપ થવાના આત્માના શુદ્ધસ્વભાવને જાણ્યો નથી તેથી તે એકલા પરને જ કારક માનીને તેના આશ્રયે
અશુદ્ધતારૂપે પરિણમે છે. જો પરથી નિરપેક્ષ સ્વયં છ કારકરૂપ થવાના આત્માના સ્વભાવને જાણે તો તે
સ્વભાવના આશ્રયે શુદ્ધતારૂપ પરિણમન થયા વિના રહે જ નહિ; આ રીતે શુદ્ધદ્રવ્યસ્વભાવને સ્વીકારતાં પર્યાય
પણ તેની સાથે એકતા કરીને તેના જેવી–શુદ્ધ–થઈ જાય છે, એટલે ત્યાં દ્રવ્યપર્યાયનો ભેદ રહેતો નથી ને
અભેદમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે.–આવું આત્મસ્વભાવની સમજણનું ફળ છે.