Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
માહઃ ૨૪૮૪ઃ ૭ઃ
હાથીના પૂર્વભવો સાંભળીને, શ્રી રામ–લક્ષ્મણ વગેરે સર્વે ભવ્ય જીવો આશ્ચર્ય પામ્યા..આખી સભા સ્તબ્ધ થઈ ગઈ.
જેને અવિનાશી મોક્ષપદને સાધવા માટે સાધુ થવાની અભિલાષા છે, અને જેનું ચિત્ત ગુરુઓના
ચરણોમાં વિનયથી નમ્રીભૂત છે, એવો ભરત અત્યંત વૈરાગ્યથી ઊભો થઈને, કેવળી પ્રભુને પ્રણામ કરીને
કહેવા લાગ્યોઃ
“હે નાથ! હું સંસારવનને વિષે ભ્રમણ કરતો થકો બહુ દુઃખી થયો; હવે આ સંસાર ભ્રમણથી હું
થાકયો..હે પ્રભો! મુક્તિના કારણરૂપ આપની દિગંબર જિનદીક્ષા મને આપો. આશાના તરંગોથી ઉછળતી
ચાર ગતિરૂપ નદીમાં હું ડૂબું છું તેમાંથી, હે સ્વામી! હસ્તાવલંબન દઈને મને ઉગારો..” આમ કહીને,
કેવળી
ભગવાનની આજ્ઞા અનુસાર જેણે સમસ્ત પરિગ્રહ છોડી દીધો છે એવા તે પરમ સમ્યક્ત્વી ભરતરાજે, પોતાના
કોમળ હાથ વડે શિરના કેશનો લોચ કર્યો, ને મહાવ્રત અંગીકાર કરીને જિનદીક્ષા ધારણ કરી. અહા! ભરતની
દીક્ષાના આ પ્રસંગે આકાશમાં દેવો “ધન્ય..ધન્ય” કહેતા થકા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હજારથી પણ વધારે
રાજાઓ ભરતના અનુરાગને લીધે વિરક્ત થઈને, રાજઋદ્ધિ છોડી ભરતની સાથે જ જિનદીક્ષા ધારણ કરીને મુનિ
થયા, અને કેટલાક અણુવ્રતધારી શ્રાવક થયા.
માતા કૈકેયી, પોતાના પુત્રનો વૈરાગ્ય અને દીક્ષા દેખીને, અશ્રુપાત કરતી તીવ્ર મોહને લીધે મૂર્ચ્છિત
થઈને જમીન પર પડી. થોડીવારે ભાનમાં આવતાં, જેમ વાછડાના વિયોગમાં ગાય પુકાર કરે તેમ વિલાપ
કરવા લાગીઃ ‘હાય પુત્ર! તારા વિના હવે હું કેમ જીવીશ!!’–આ પ્રમાણે વિલાપ કરતી માતાને ધૈર્ય બંધાવતાં
રામ–લક્ષ્મણે કહ્યુંઃ હે માતા! ભરત તો પહેલેથી જ મહાવિવેકી, જ્ઞાનવાન અને સંસારથી અત્યંત વિરક્ત હતો;
તેનો શોક તજો. શું અમે પણ તમારા પુત્રો નથી? અમે તમારા આજ્ઞાકારી કિંકર છીએ. કૌશલ્યા–સુમિત્રા
તેમજ સુપ્રભાએ પણ કૈકેયીને ઘણું સંબોધન કર્યું. તેથી શોકરહિત થઈને તે પ્રતિબોધ પામી. શુદ્ધ મન વડે
પોતાના મોહની તે નિંદા કરવા લાગી, અરે! ધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને; હવે જિનદીક્ષા ધારણ કરીને
એવો ઉપાય કરું કે જેથી ફરીને સ્ત્રીપર્યાય ન ધરું ને ભવસાગરને તરું. આમ આમ વિચારી મહાજ્ઞાનવાન
અને સદા જિનશાસનની ભક્ત એવી તે કૈકેયી, મહાવૈરાગ્યથી પૃથ્વીમતી આર્યિકાની પાસે આર્યિકા થઈ.
નિર્મળ સમ્યક્ત્વની ધારક કૈકેયીએ સમસ્ત પરિગ્રહ ત્યાગીને માત્ર એક શ્વેતવસ્ત્ર ધારણ કર્યું. તેની સાથે બીજી
ત્રણસો સ્ત્રીઓ આર્યિકા થઈ. અને બીજા અનેક જીવોએ શ્રી દેશભૂષણ–કૂલભૂષણ કેળવી ભગવાનની સમીપે
શ્રાવક–શ્રાવિકાના વ્રત ધારણ કર્યાં.
– આ બાજું ત્રિલોકમંડન હાથીએ પણ અતિ પ્રશાંતચિત્ત થઈને કેવળી પ્રભુની નીકટમાં શ્રાવકના
વ્રત ધારણ કર્યા. સમ્યગ્દર્શન સંયુક્ત અને મહાજ્ઞાની એવો તે હાથી ધર્મને વિષે તત્પર થયો; વૈરાગ્યપૂર્વક
પંદર–પંદર દિવસના, કે મહિના–મહિનાના ઉપવાસ કરવા લાગ્યો, ને સુકાં પાન વડે પારણું કરતો હતો.
સંસારથી ભયભીત અને ઉત્તમ ચેષ્ટામાં પરાયણ એવો તે ત્રિલોકમંડન હાથી લોકો વડે પૂજ્ય એવી
મહાવિશુદ્ધિને ધારણ કરતો પૃથ્વીને વિષે વનજંગલમાં વિચરવા લાગ્યો. ક્યારેક પંદર દિવસના, તો ક્યારેક
મહિનાના ઉપવાસ કરીને તેના પારણે જ્યારે ગામમાં આવે છે ત્યારે શ્રાવકો અતિભક્તિપૂર્વક શુદ્ધ અન્ન
જળવડે તેને પારણું કરાવે છે. (સોનગઢ–સ્વાધ્યાય મંદિરમાં આ પ્રસંગનું ચિત્ર છે.) જેનું શરીર ક્ષીણ થઈ ગયું
છે અને વૈરાગ્યરૂપી ખીલે જે બંધાયેલો છે એવો તે હાથી ઉગ્ર તપ કરતો હતો, ને ધીમે ધીમે આહાર ત્યાગીને
અંતસલ્લેખનાપૂર્વક શરીર તજીને છઠ્ઠા સ્વર્ગમાં દેવ થયો. પહેલાં છઠ્ઠા સ્વર્ગેથી આવ્યો હતો ને છઠ્ઠા સ્વર્ગે જ
ગયો; ત્યાંથી પરંપરા મોક્ષ પામશે.
આ તરફ, પરમ વૈરાગી મહામુનિ ભરત જગતના ગુરુ, નિર્ગંથ, મહાવીર, પવન જેવા અસંગ, પૃથ્વી જેવા
ક્ષમાવંત, જલ સમાન નિર્મલ, કર્મોને અગ્નિ સમાન ભસ્મ કરનાર, આકાશ જેવા અલેપ, ચાર આરાધનામાં