Atmadharma magazine - Ank 174
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૪
વિધવિધ સમાચાર
શિખરજી યાત્રાના મીઠાં સંભારણા
સૌરાષ્ટ્રમાં મંગલવિહાર કરતાં પૂ. ગુરુદેવ ફાગણ સુદ સાતમે મોટા આંકડિઆ પધાર્યા હતા, ને
સમ્મેદશીખરજીની મંગલયાત્રાનો વાર્ષિક દિવસ ત્યાં ઊજવાયો હતો. આંકડિઆમાં માણેકચંદભાઈ રવાણી તથા
જમુભાઈ રવાણી વગેરેએ ઉમંગપૂર્વક ગુરુદેવનું સન્માન કર્યું હતું. અહીં ભગવાન શાંતિનાથ પ્રભુની અદ્ભુત ભાવવાહી
પ્રતિમા બિરાજે છે. અને આપણા આ “આત્મધર્મ–માસિક” નું આ જન્મસ્થાન છે, અનેક વર્ષો સુધી ‘આત્મધર્મ’
અહીં છપાયું છે. અહીં ફાગણ સુદ સાતમના રોજ સવારમાં શીખરજી પૂજન વિધાન પૂ. બેનશ્રીબેને ઘણી ભક્તિથી
કરાવ્યું હતું, તથા શાંતિનાથ ભગવાનનું પૂજન કરાવ્યું હતું. બપોરે ગુરુદેવના પ્રવચન બાદ સમ્મેદશીખરજીની
મંગલયાત્રાના વાર્ષિકોત્સવ નિમિત્તે બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી. આરતી બાદ રાત્રે તત્ત્વચર્ચામાં હજાર જેટલા
માણસોએ ભાગ લીધો હતો,–જેમાં મોટા ભાગના ખેડુત ભાઈઓ હતા. એક ખેડુતભાઈએ પ્રેમથી પ્રશ્ન પૂછયો હતો કે
“બાપજી! આત્માનું સ્વરૂપ શું છે!! કોઈ કાંઈ કહે છે, ને કોઈ કાંઈ કહે છે, તો આત્માનું ખરૂં સ્વરૂપ શું હશે?” વળી,
પહેલાં જ્ઞાન હોય કે પહેલાં ચારિત્ર હોય?–મોક્ષ જ્ઞાનથી થાય કે ચારિત્રથી?–એવા એવા પ્રશ્નો પણ જિજ્ઞાસાથી પૂછેલ.
આ રીતે, ગુરુદેવ પધારતાં ખેડુતોમાં આત્માની અને જ્ઞાન–ચારિત્ર મોક્ષની ચર્ચા ચાલતી હતી. ચર્ચા બાદ
ખેડુતભાઈઓ ઠેરઠેર અંદરો–અંદર વાતચીત કરતા કહેતા હતા કે “આ મહારાજ એમ કહે છે કે આત્માને ઓળખ્યા
વગર મોક્ષ ન થાય.”
ચર્ચાની શરૂઆતમાં જ ગુરુદેવે સમ્મેદશીખરજી વગેરેની મંગલયાત્રાના મીઠા મધુર સંભારણાં યાદ કરતાં
કહ્યું હતું કેઃ જુઓ, આ ફાગણસુદ સાતમે શીખરજીની યાત્રા કરી હતી. છઠ્ઠની રાત્રે દોઢ વાગે ઉઠીને ઉપર ચડવા
માંડયું હતું ને સાતમની બપોરે દોઢ વાગે યાત્રા કરીને નીચે ઉતરવા માંડયું હતું. અહા, એ સમ્મેદશીખરજીનો
દેખાવ સરસ છે, એ તો નજરે જુએ એને ખબર પડે!
અનાદિકાળનું એ શાશ્વત તીર્થ છે. અનંતા તીર્થંકરો
ત્યાંથી મોક્ષ પામ્યા છે, ને અનંતા તીર્થંકરો મોક્ષ પામશે. સામાન્યપણે તો આ ભરતક્ષેત્રના બધા તીર્થંકરો
અયોધ્યાનગરીમાં જન્મે ને શિખરજીથી મોક્ષ પામે.–એમ એ બંને શાશ્વત તીર્થ છે, ને એ બંનેની નીચે શાશ્વત
સાથીયા છે.–જરાક ઊંડો ઊતરીને વિચાર કરે તેને આ બધી ખબર પડે તેવું છે. અહા, એ વખતે જાત્રામાં
લોકોનો ઉલ્લાસ પણ ઘણો હતો. આ ઉપરાંત ખંડગીરી–ઉદયગીરીની અતિપ્રાચીન જૈનગુફાઓનું પણ ગુરુદેવે
ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું.
વિશેષમાં ગુરુદેવે કહ્યું હતું કેઃ જુઓ, શીખરજીની જાત્રાનો દિવસ ફાગણ સુદ સાતમ. શીખરજી ઉપરથી
ચંદ્રપ્રભુ તથા સુપાર્શ્વપ્રભુના મોક્ષનો દિવસ પણ ફાગણ સુદ સાતમ. વીંછીયામાં પંચ કલ્યાણક પ્રતિષ્ઠાનો દિવસ પણ
ફાગણ સુદ સાતમ. રાણપુર, વઢવાણ, સુરેન્દ્રનગર વગેરે ગામોના ભગવંતોની પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ સુદ
સાતમ અને અહીં આંકડિયાના આ શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ સુદ સાતમ છે,–એ દિવસ
આપણે બરાબર કુદરતે અહીં આંકડિયામાં જ આવ્યો છે. આમ સ્મરણ કરીને ગુરુદેવ શિખરજી, અયોધ્યા વગેરે
તીર્થધામોની મંગલયાત્રાનું વારંવાર ભાવપૂર્વક સ્મરણ કરતા હતા...ને ગુરુદેવના શ્રીમુખેથી યાત્રાના મીઠાં સંભારણાં
સાંભળતાં ભક્તોને બહુ પ્રમોદ થતો હતો...ને, ગુરુદેવ સાથેની મંગલયાત્રાના આવા સોનેરી પ્રસંગો ફરી ફરીને પ્રાપ્ત
થાવ–એમ સૌ ભક્તો ભાવના કરતા હતા. આ રીતે, શીખરજીની તીર્થધામની મંગલયાત્રાનો વાર્ષિકોત્સવ આંકડિયામાં
ફાગણ સુદ સાતમે ઉજવાયો હતો.
* * *