Atmadharma magazine - Ank 174
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
આ સંબંધમાં શ્લોક કહ્યો છે કે–
जायन्ते विरसा रसा विघटते गोष्ठी कथा कौतुकं
शीर्येन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च ।
जोषं वागपि धारयंत्यविरतानंदात्मनः स्वात्मन–
श्चिंतायामपि यातुमिच्छति मनो दोषैः समं पंचताम् ।।
અહો! આ ચૈતન્યસ્વરૂપ આત્માનું ચિંતન કરતાં પણ રસો વિરસ થઈ જાય છે, ગોષ્ટી કથાનું કૌતૂક ઊડી જાય
છે, વિષયોનું વિરેચન થઈ જાય છે, અને શરીર ઉપરથી પણ પ્રીતિ વિરમી જાય છે. વાણીનું જોસ વિરમી જાય છે, ને
મન પણ સમસ્ત દોષસહિત પંચત્વને પામે છે. એટલે કે ચૈતન્યના ચિંતનથી મન સંબંધી સમસ્ત દોષો નાશ પામી જાય
છે, ને આત્મા અવિરતપણે આનંદને ધારણ કરે છે.–આવો ચૈતન્યના ચિંતનનો મહિમા છે.
જ્ઞાનીનેય શુભાશુભરાગ તો આવે પણ અંતરમાં ચૈતન્યના રસ આડે તેનો રસ ઊડી ગયો છે. જ્ઞાનીને
રાગ થાય ત્યાં અજ્ઞાનીને એમ લાગે છે કે એને રાગની રુચિ હશે! પણ તે વખતે અંતર રાગથી અત્યંત પાર
એવા જ્ઞાનરસનો નિર્ણય જ્ઞાનીને વર્તે છે તે નિર્ણયની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાની રાગમાં એકતાપણે
પરિણમતા જ નથી. શુભરાગ વખતે સર્વજ્ઞદેવની ભક્તિ વગેરેનો ભાવ આવે ત્યાં વીતરાગતા પ્રત્યેના
બહુમાનનો ભાવ ઊછળ્‌યો છે ને રાગની રુચિ નથી,–પણ તે અંતરના નિર્ણયને અજ્ઞાની ઓળખતો નથી, ને “
આરંભ–પરિગ્રહ વધી ગયો છે” એમ અજ્ઞાની બાહ્ય દ્રષ્ટિથી દેખે છે. પણ ચૈતન્યના અકષાય સ્વભાવને ચૂકીને
રાગાદિમાં ધર્મ માનવો તે જ અનંત આરંભ–પરિગ્રહ છે; જ્ઞાનીની દ્રષ્ટિમાં કષાયના એક અંશની પણ પક્કડ રહી
નથી, ને પરિગ્રહમાં ક્યાંય એકતાબુદ્ધિ નથી, બહુ જ અલ્પ રાગ–દ્વેષ રહ્યા છે તેથી તેને આરંભ–પરિગ્રહ ઘણો
અલ્પ છે. ચક્રવર્તી–સમકિતીને છ ખંડનો રાજવૈભવ હોવા છતાં ઘણો અલ્પ આરંભ–પરિગ્રહ વર્તે છે; અને
મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી થઈને પંચમહાવ્રત પાળે, બાહ્યમાં હિંસાદિ કરતો ન હોય, છતાં અંતરમાં રાગથી ધર્મ
માનતો હોવાથી, તેને અનંત કષાયનો આરંભ–પરિગ્રહ છે; કષાયની રુચિ વડે તે અકષાયી ચિદાનંદ સ્વભાવને
હણી નાંખે છે, તે જ જીવહિંસા છે. રાગના રસની જેને મીઠાસ છે તે આરંભ–પરિગ્રહમાં જ ઊભો છે. જ્ઞાનીને
ચૈતન્યના આનંદરસ સિવાય બીજા કોઈ વિષયોમાં રસ નથી, તેથી તેને વિષયોનો પરિગ્રહ કે આરંભ છૂટી ગયો
છે; સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનમાં પોતાના અકષાયી ચિદાનંદસ્વભાવને તે જીવતો રાખે છે.
સમસ્ત ઇન્દ્રિયવિષયોથી પાર થઈને આત્માના અતીન્દ્રિય આનંદમાં લીન થયેલા એવા અશરીરી સિદ્ધભગવંતો
ઉપરથી પુકાર કરે છે કે અરે વિષયોના ભીખારી! એ વિષયોને છોડ, તારું સુખ આત્માના અતીન્દ્રિય સ્વભાવમાં છે,
તેની લગની લગાડ. અહો! સિદ્ધભગવંતોને પ્રતીતમાં લ્યે તોપણ જીવને ઇન્દ્રિય–વિષયોમાં સુખબુદ્ધિ ઊડી જાય, ને
આત્માના અતીન્દ્રિય સુખસ્વભાવની પ્રતીત થઈ જાય. રાગમાં સુખ, ઇન્દ્રિયવિષયોમાં સુખ, એમ અજ્ઞાની વિષયોનો
ભીખારી થઈ રહ્યો છે; સિદ્ધભગવાન રાગરહિત ને ઇન્દ્રિયવિષયો રહિત થઈ ગયા છે ને એકલા આત્મસ્વભાવથી જ
પરમસુખી છે. તે જગતના જીવોને ઉપરથી જાણે કે પુકાર કરે છે કે અરે જીવો! વિષયોમાં–રાગમાં તમારું સુખ નથી,
આત્મસ્વભાવમાં જ સુખ છે, તેને અંતરમાં દેખો, ને ઇન્દ્રિયવિષયોનું કુતૂહલ છોડો. ચૈતન્યના આનંદનો જ ઉલ્લાસ,
તેનો જ રસ, તેનું જ કુતૂહલ, તેમાં જ હોંસ, તેની જ ગોષ્ઠી કરો.
સમકિતીને જ્યાં આત્માના આનંદનું ભાન થાય છે ત્યાં બાહ્યવિષયો નિરસ લાગે છે ને પૂર્વની અજ્ઞાન
દશા ઉપર ખેદ થાય છે કે અરેરે! હું અત્યારસુધી બાહ્યવિષયોમાં જ સુખ માનીને મારા આ અતીન્દ્રિય આનંદને
ચૂકી ગયો. અત્યાર સુધી પૂર્વે કદી મેં મારો આવો આનંદ પ્રાપ્ત ન કર્યો. હવે આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત
થતાં તે અપૂર્વ લાભથી જ્ઞાની પરમ સંતુષ્ટ થઈને કૃતકૃત્યતા અનુભવે છે. તેને હવે ઇન્દ્રિયવિષયો વિરસ લાગે છે,
વિષયોની કથાનું કૌતુક તેને શમી જાય છે, વિષયોની ગોષ્ઠી–પ્રીતિ છૂટી જાય છે, શરીર પ્રત્યેની પ્રીતિ પણ છૂટી
જાય છે, વાણી જાણે મૌન થઈ જાય છે, આનંદસ્વરૂપ પોતાના આત્માના ચિંતનથી સમસ્ત દોષસહિત મન પણ
પંચત્વને પામે છે એટલે કે નાશ પામે છે, ને આત્મા આનંદમાં એકાગ્ર થતો જાય છે–અંતરાત્મની આવી દશા
હોય છે.
।। ૧૬।।
અહીં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો! આવા અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય શું છે? તેનો
ઉત્તર હવે કહેશે.
* * *