અજ્ઞાનપણે બાહ્ય વિષયોને સુંદર માની રહ્યો છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ બાહ્ય વિષયો જ્ઞાનથી ભિન્ન જ્ઞેયો
છે, હું તો ઉપયોગસ્વરૂપ છું.–એવું ભાન થતાં બાહ્ય વિષયોની વૃત્તિ કાળા વિષધરની માફક દુઃખદાયક લાગે છે;
ચૈતન્યના રસ પાસે વિષયોનો રસ છૂટી ગયો છે. પહેલાં આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ. આત્માનો નિર્ણય
કરતાં અતીન્દ્રિય સ્વાદ આવે. પછી જે પુણ્ય–પાપની વૃત્તિ આવે ને બાહ્ય વિષયોમાં વલણ જાય, તેમાં સુખબુદ્ધિ ધર્મીને
થતી નથી; વિષયોનો રસ ઊડી જાય છે, તે તરફનું જોર તૂટી જાય છે. વિષયો તરફના રાગ–દ્વેષનો એકાંત સ્વાદ
અજ્ઞાનદશામાં લેતો, તેને બદલે હવે જ્ઞાનદશામાં રાગ વગરના આનંદનો સ્વાદ આવ્યો, ને વિષયોના સ્વાદ ઝેર જેવા
લાગ્યા એટલે તેનો રસ છૂટી ગયો. આત્માના અતીન્દ્રિય આનંદ પાસે ઇન્દ્રો અને ચક્રવર્તીઓના વૈભવને પણ જ્ઞાની
તૂચ્છ સમજે છે.
વૈભવો પણ તૂચ્છ ભાસે છે; ઇન્દ્રિયના વિષયો લૂખા લાગે છે. ઇન્દ્રિયવિષયો તરફ વલણ જાય તે દુઃખ છે.
ચૈતન્યની સુંદરતા જાણી ત્યાં બીજાની સુંદરતા લાગતી નથી; ચૈતન્યના આનંદમાં જે નમ્યો તે હવે બાહ્ય વિષયો
પ્રત્યે અણનમ રહેશે. જેમ લગ્ન વખતે વરરાજાના ગાણામાં ગાય છે કે “નહિ નમશે રે નહિ નમશે, મોટાના છોરૂ
નહિ નમશે”–તેમ આ આત્મા જાગ્યો ને ‘વર’ એટલે ઉત્કૃષ્ટ–પ્રધાન એવા આત્માના સ્વભાવમાં આરૂઢ થયો તે
વર–રાજા–ચૈતન્યરાજા–હવે “નહિ નમશે રે નહિ નમશે. બાહ્ય–વિષયોમાં નહિ નમશે.” અતીન્દ્રિય ચૈતન્યમાં જે
નમ્યો તે ઇન્દ્રિય વિષયોમાં અણનમ રહેશે.
શીત પાણીમાં રહેનારું માછલું ઊની રેતીમાં આવે ત્યાં દુઃખી થાય છે તો અગ્નિમાં તો તે કેમ રહી શકે? પાણીમાં જ જે
પોષાણું તેને પાણી વિના બહારમાં કેમ ગોઠે? તેમ આત્માના ચૈતન્ય સરોવરના શાંત જળમાં કેલિ કરનાર સમકિતી
હંસને ચૈતન્યના શાંતરસ સિવાય બહારમાં પુણ્ય–પાપની વૃત્તિની કે ઇન્દ્રિય વિષયોની રુચિ ઊડી ગઈ છે. ચૈતન્યના
આનંદનો એવો નિર્ણય (વેદન સહિત) થઈ ગયો છે કે બીજા કોઈ વેદનમાં સ્વપ્નેય સુખ લાગતું નથી–આવી
સમકિતીની દશા છે.