Atmadharma magazine - Ank 174
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક ચૈત્ર
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
न हि कृतमुपकारं साधवो विस्मरंति
બુદ્ધિમાન જનોએ ભગવાન સર્વજ્ઞદેવને પૂજવા યોગ્ય છે, કેમકે ભગવાન સર્વજ્ઞદેવે મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે;
આ રીતે ભવ્ય જીવો ઉપર સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર છે...ને સત્પુરુષો કરેલા ઉપકારને ભૂલતા નથી. ભગવાન
સર્વજ્ઞદેવનો ઉપદેશ ઝીલીને, અંતર્મુખ થઈને જે જીવ મોક્ષમાર્ગ પામ્યો તે જીવ વિનય અને બહુમાનપૂર્વક ભગવાનના
ઉપકારને પ્રસિદ્ધ કરે છે કે અહો! ભગવાનના પ્રસાદથી અમને મોક્ષમાર્ગ મળ્‌યો. ભગવાનની કૃપાથી–ભગવાનની
મહેરબાનીથી અમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ...ભગવાને જ પ્રસન્ન થઈને અમને મોક્ષમાર્ગ આપ્યો. આ રીતે પોતાની
ઉપર કરાયેલ ઉપકારને સત્પુરુષો ભૂલતા નથી. આમાં પણ ખરેખર તો પોતે જ્યારે અંતર્મુખ થઈને માર્ગની પ્રાપ્તિ કરી
ત્યારે જ ખરા ઉપકારનો ભાવ આવે છે.
અંર્ત સ્વભાવની સન્મુખતા કરાવે ને પરથી વિમુખતા કરાવે–ઉપેક્ષા કરાવે, એવો ઉપદેશ તે જ ખરો હિતોપદેશ
છે; આવો હિતોપદેશ જે સંતોએ આપ્યો તે સંતોના ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો ભૂલતા નથી. ભગવાને અને સંતોએ શું
ઉપદેશ આપ્યો?–શાંતિનો ઉપદેશ આપ્યો. હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ તને શાંતિ થશે, બહારના લક્ષે શાંતિ નહિ
થાય; શુભરાગરૂપ વ્યવહાર તે પણ પરના આશ્રયે થતો બહિર્લક્ષીભાવ છે, તે કાંઈ શાંતિનો દાતાર નથી, અંતર્મુખ
વલણવાળો સ્વાશ્રિત ભાવ જ શાંતિનો દાતાર છે, અહા! આવો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ થયો તે મુમુક્ષુ, તે
ઉપદેશના દેનારા સંતોના ઉપકારને ભૂલતો નથી.
જીવને હિતનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે; ને તે સમ્યગ્જ્ઞાનનો ઉપદેશ ભગવાનની વાણીમાં આવ્યો છે, તેથી
ભગવાનનો ઉપકાર ગણીને, સત્પુરુષોને ભગવાન પૂજ્ય છે. અહા! જગતના મુમુક્ષુ જીવો ઉપર સર્વજ્ઞ ભગવાનનો
મહાઉપકાર છે, ભગવાનની કૃપા છે, ભગવાનના પ્રસાદથી જ જીવોને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થાય છે, ભગવાનની
પ્રસન્નતાથી જ સમ્યક્ ચારિત્ર થાય છે. આ રીતે સમ્યગ્જ્ઞાનાદિ હિતનો ઉપાય પામવામાં ભગવાનનો ઉપકાર છે,
જ્ઞાનીઓ તે ઉપકારને ભૂલતા નથી. જ્ઞાનમાં નિમિત્ત કેવું છે તેને બરાબર જાણીને વિનય કરે છે.
ભગવાનને કાંઈ પ્રસન્નતાનો વિકલ્પ નથી, પરંતુ સાધક જીવ પોતાની પ્રસન્નતાનો આરોપ કરીને કહે છે કે
‘અહા, ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા, ભગવાનના પ્રસાદથી મને મોક્ષમાર્ગ મળ્‌યો.’–આવા વિનયનો માર્ગ છે. જો
કે ભગવાન તરફનો વિકલ્પ પણ બંધનું કારણ છે, એમ સાધક ધર્માત્મા જાણે છે, તો પણ ધર્મીને એવા બહુમાનનો ભાવ
આવે છે, કેમકે સત્પુરુષો કરેલા ઉપકારને ભૂલતા નથી.
જે અજ્ઞાની રાગને ધર્મ માને છે તેણે વીતરાગનો વીતરાગી ઉપદેશ ઝીલ્યો નથી, ને તેથી તેના ઉપર ખરેખર
વીતરાગની કૃપા કે–વીતરાગનો ઉપકાર નથી; અને તેને પણ વીતરાગ પ્રત્યે ખરી (ઓળખાણપૂર્વકની) ભક્તિ આવતી નથી.
ભગવાન અંતર્મુખ થઈને વીતરાગ થયા; ભગવાનના શ્રીમુખથી વીતરાગવાણી નીકળી, તે વીતરાગતાનો જ
ઉપદેશ આપે છે. તે ઉપદેશ ઝીલીને જે જીવ વીતરાગમાર્ગે વળ્‌યો તે વીતરાગના ઉપકારને ભૂલતો નથી.
ભગવાનને પૂર્વે સાધકપણામાં વીતરાગતાના વિકલ્પો ઘોળાતા, તેના નિમિત્તે બંધાયેલી વાણીમાં પણ વીતરાગી
બોધનો ધોધ વહે છે. જે ભવ્ય અંતર્મુખ થઈને વીતરાગતા તરફ આવ્યો તેણે જ વીતરાગની વાણી ઝીલી છે ને તેના
ઉપર જ વીતરાગનો ઉપકાર છે; તે સત્પુરુષને વીતરાગ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાનનો ભાવ આવ્યા વિના રહેતો
નથી..કેમ કે–
न हि कृतमुपकारं साधवो विस्मरंति
(નિયમસાર ગા. ૬ના કલશ ઉપરના પ્રવચનમાંથી)