આત્મામાંથી કેવી નિઃશંકતા આવી જાય છે, તેનું
આત્મસ્પર્શી અદ્ભુત વર્ણન પૂ. ગુરુદેવ અનેકવાર કરે છેઃ
અહીં પણ તે બાબતમાં ગુરુદેવ કહે છે કે–“પહેલાં નક્કી
કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે
નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ
ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી
કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી
ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞનો સ્વીકાર કરતાં
અપૂર્વ પુરુષાર્થ તેમાં આવે છે. ‘સર્વજ્ઞનો સ્વીકાર કરતાં
પુરુષાર્થ ઊડી જાય છે’ એમ માને તેને તો ઘણી મોટી
સ્થૂળ ભૂલ છે. કેવળજ્ઞાન અને તેના કારણની પ્રતીત
કરતાં સ્વસન્મુખ અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે, તે જીવ
નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની
પ્રતીત કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને
સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે..હું
અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં
પણ એમ જ આવ્યું છે.
કેવળજ્ઞાની અર્હંત પરમાત્માની પ્રતીત કરનારને આત્માની આવી તાકાત પ્રતીતમાં આવી જ જાય છે. કેમ કે કાર્યની
પ્રતીત કરવા જતાં તેના કારણની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે. “કાર્યમાં આટલી તાકાત પ્રગટ થઈ તો તેના
કારણમાં પણ તેટલી તાકાત પડી જ છે” એમ કાર્ય–કારણની પ્રતીત એક સાથે જ થાય છે. કારણના સ્વીકાર વગર
કાર્યની પ્રતીત થતી નથી. કારણ અને કાર્ય એ બેમાંથી એકમાં પણ જેની ભૂલ છે તેને બંનેમાં ભૂલ છે.
એને જો ઓળખે તો અપૂર્વ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થાય.