Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
હોવાથી તે ઋષિ છે. આમ આત્મા પોતે સ્વભાવથી સર્વસાધનસંપન્ન છે.
હે જીવ! તારામાં એવી કઈ અપૂર્ણતા છે કે તું બહારના સાધનને શોધે છે? સાધન થવાની પરિપૂર્ણ શક્તિ
તારામાં છે. તારો આત્મા જ સર્વસાધનસંપન્ન હોવા છતાં તું બહારમાં તારા સાધનો કેમ શોધે છે? જેમ પોતાના ઘરમાં
ઝારો વગેરે સાધન ન હોય તે પાડોશી પાસે માંગવા જાય, પણ જેના ઘરમાં બધાય સાધન હોય તે બીજા પાસે માંગવા
શા માટે જાય? તેમ ચૈતન્યસ્વભાવ પોતે સર્વસાધનસંપન્ન છે, તેનામાં એવી કોઈ અધૂરાશ નથી કે બીજા પાસેથી
સાધન માંગવું પડે.
પ્રશ્નઃ– વીતરાગતા પ્રગટ કરવા માટે વીતરાગતાના નિમિત્તો શોધવા પડેને? પૂર્વે બીજા જીવોને જે
વીતરાગતાના નિમિત્તો થયા તે નિમિત્તોને મેળવે તો પોતાને વીતરાગતા થાય!
ઉત્તરઃ– અરે ભાઈ! એમ નથી; એ તો નિમિત્તાધીનદ્રષ્ટિ છે. નિમિત્તાધીનદ્રષ્ટિ છોડીને તારા સ્વભાવસાધનને
શોધ. તું જ્યાં સ્વભાવસાધન કરીશ ત્યાં તારે નિમિત્તોને શોધવા નહિ પડે. સ્વભાવમાં સાધનશક્તિની એવી અધૂરાશ
નથી કે બીજા સાધનને મેળવવા પડે. ‘બીજા જીવોને જે વીતરાગતાના નિમિત્તો થયા તેવા પદાર્થોને હું મેળવું તો તેમના
નિમિત્તે મને વીતરાગતા થાય’–એ દ્રષ્ટિ જ ઊંધી છે; એને સ્વભાવ તરફ નથી વળવું, પણ હજી તો એણે નિમિત્તોને
મેળવવા છે! એટલે સાધન થવાની તાકાતવાળા પોતાના સ્વભાવને તે ખરેખર માનતો જ નથી. જ્ઞાની તો પોતાના
સ્વભાવસામર્થ્યને ઓળખીને, તેનું અવલંબન લઈને તેને જ સાધન બનાવે છે.
જેમ મોટું મંદિર કરવું હોય તો તેની સામગ્રી ક્યાં મળશે તે લક્ષમાં લ્યે છે, તેમ આ આત્માનું સિદ્ધમંદિર–
મોક્ષમંદિર બાંધવા માટે કયા સાધન છે? તેની આ વાત છે. ભાઈ! તારા સિદ્ધમંદિરનું સાધન થાય એવી સામગ્રી
(–સાધનશક્તિ, કરણશક્તિ) તારા સ્વભાવમાં જ ભરી છે. તે જ સાધનનો ઉપયોગ કરીને (એટલે કે સ્વભાવમાં
ઉપયોગને વાળીને તારા સિદ્ધમંદિરને તૈયાર કર. તારી સિદ્ધિને સાધવા માટે તારા સ્વભાવરૂપ એક જ સાધન બસ છે,
બીજા કોઈ સાધનને શોધ મા.
૪૩મી કરણશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
આસન્નભવ્ય જીવને ઉપાદેય શું છે?
બહુ જ અલ્પકાળમાં જેને સંસારપરિભ્રમણથી મુક્ત થવું છે
એવા અતિ આસન્નભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ
ઉપાદેય નથી. જેનામાં કર્મની કોઈ વિવક્ષા નથી–એવું જે પોતાનું
શુદ્ધપરમાત્મતત્ત્વ, તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેનો જ
આશ્રય કરવાથી સમ્યક્ ચારિત્ર થાય છે, ને તેનો જ આશ્રય કરવાથી
અલ્પકાળમાં મુક્તિ થાય છે, માટે મોક્ષના અભિલાષી એવા અતિ
નીકટ–ભવ્ય જીવે પોતાના શુદ્ધઆત્મતત્ત્વનો જ આશ્રય કરવા જેવો
છે, એનાથી ભિન્ન બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. શુદ્ધ–સહજ–
પરમપારિણામિકભાવરૂપ એવા પોતાના શુદ્ધ આત્મતત્ત્વને ઉપાદેય
કરવાથી જ મોક્ષ થાય છે–એ નિયમ છે, તેથી અંતર્મુખ થઈને જે જીવ
પોતાના આવા શુદ્ધ આત્માને ઉપાદેય તરીકે અંગીકાર કરે છે તે જ
અતિ નીકટભવ્ય છે, તે જ અલ્પકાળમાં મોક્ષ પામે છે. અને જે જીવ
આવા શુદ્ધાત્માને ઉપાદેય નથી કરતો, ને બહિર્મુખ રાગાદિભાવોને
ઉપાદેય કરે છે તે મૂઢ જીવ દૂર્ભવ્ય છે,–તેને મોક્ષ ઘણો દૂર છે. માટે હે
આસન્નભવ્ય જીવ! હે મોક્ષાર્થી જીવ! તારા શુદ્ધ આત્મતત્ત્વને જ તું
ઉપાદેય કર, તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે
જાણ, ને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર.–આમ કરવાથી અલ્પકાળમાં
તારી મુક્તિ થશે.
(– ઋષભનિર્વાણદિને નિયમસાર ગા. ૩૮ના પ્રવચનમાંથી)