Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૨૧ઃ
મંદિરની આવી શોભા અને ભગવંતોની ભવ્ય મુદ્રાના દર્શનથી, હજારો લોકો હર્ષઘેલા બની જતા હતા. મુંબઈના
જિનમંદિરનું ઉદ્ઘાટન ત્યાંના પ્રમુખશ્રી મણિલાલ જેઠાલાલ શેઠના હસ્તે થયું હતું, અને આવું મહામંગલકાર્ય
પોતાના હસ્તે થતાં તેમણે ઘણો જ ઉત્સાહ બતાવ્યો હતો અને પોતાના કુટુંબ તરફથી રૂા. ૨પ૦૧) જિનમંદિરને
અર્પણ કર્યા હતા, તે ઉપરાંત બીજા અનેક ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક આ પ્રસંગે રકમો જાહેર કરી હતી, જેમાં
એકંદર રૂા. છ હજાર લગભગ થયા હતા. આ ઉપરાંત ભગવંતોને વધાવવામાં તથા અભિષેક અને આરતિમાં
લગભગ રૂા. એક હજાર થયા હતા. આમ મુંબઈના ભક્તજનોએ ઘણા જ ઉલ્લાસપૂર્વક આ પ્રસંગને શોભાવ્યો
હતો, અને આવતી સાલે ગુરુદેવના સાન્નિધ્યમાં ભગવાનની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવવાની મુંબઈના
ભક્તો ભાવના ભાવી રહ્યા છે.
મુંબઈ નગરીમાં ભગવાન પધાર્યા તે બદલ ત્યાંના ભક્તજનોને અભિનંદન! અને મુંબઈના ઉત્સાહી મંડળને
હાર્દિક ધન્યવાદ!
* * * *
મુંબઈ નગરીમાં ચૈત્ર સુદ તેરસે મહાવીર પ્રભુના જન્મકલ્યાણકનો ઉત્સવ પણ ખૂબ ઉલ્લાસ અને ધામધૂમથી
ઊજવાયો હતો. ભગવંતો પધાર્યા હોવાથી અને શ્રી જિનમંદિરમાં આ પહેલો જ ઉત્સવ હોવાથી ઘણી હોંસપૂર્વક સૌએ
ભાગ લીધો હતો. આ પ્રસંગે ભગવાનની આરતિ–અભિષેક વગેરેમાં ત્રણેક હજાર રૂા. થયા હતા.
* * * *
ગુરુદેવના વિહાર વર્તમાન
લીંબડી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂ. શ્રી કહાનગુરુદેવ સૌરાષ્ટ્રમાં મંગલવિહાર કરી
રહ્યા છે. રાજકોટમાં પંદર દિવસ રહ્યા બાદ તેઓશ્રી વાંકાનેર પધાર્યા હતા; ચૈત્ર સુદ તેરસે વાંકાનેર જિનમંદિરમાં
શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ તથા શ્રી મહાવીર પ્રભુનો જન્મકલ્યાણક ઉત્સવ ત્યાં આનંદથી
ઉજવાયો હતો અને તે નિમિત્તે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. વાંકાનેર બાદ ગુરુદેવ મોરબી પધાર્યા
હતા, અને ચૈત્ર વદ પાંચમે શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિદિન હોવાથી શ્રીમદ્ના અંતરંગ જીવન ઉપર ખાસ પ્રવચન
કર્યું હતું. મોરબી બાદ પૂ. ગુરુદેવ ધ્રાંગધ્રા પધાર્યા હતા. ત્યાંથી જોરાવરનગર થઈને સુરેન્દ્રનગર પધાર્યા હતા.
ગુરુદેવનો ૬૯મો જન્મોત્સવ ત્યાં ઊજવાયો હતો. તેમજ વૈશાખ સુદ ત્રીજે સુરેન્દ્રનગરના જિનમંદિરમાં શાંતિનાથ
પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો અને તે નિમિત્તે ભગવાનની રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ
ગુરુદેવ વઢવાણ શહેર પધાર્યા હતા. અને વૈશાખ સુદ નોમે લીંબડી શહેર પધાર્યા છે. ગુરુદેવની છાયામાં જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે. મહોત્સવના વિગતવાર સમાચાર આવતા અંકે
પ્રસિદ્ધ થશે.
લીંબડી શહેરના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પૂ. ગુરુદેવ ચૂડા, રાણપુર, બોટાદ, વીંછીયા, ગઢડા અને ઉમરાળા થઈને
સોનગઢ જેઠ સુદ છઠ્ઠ લગભગમાં પધારશે.
સંયોગ તે સંયોગ જ છે
એક માણસ એક વાર એકલો મુંબઈ ગયો..ત્યાં જઈને વેપાર કર્યો, લાખો રૂપિયા કમાયો, સ્ત્રી પરણ્યો
છોકરાં થયા, છોકરાંને પણ પરણાવ્યા..કુલ બાર માણસો થયા, મકાન પણ થયા..અમુક વર્ષો બાદ એક પછી એક
બધાય મરી ગયા, મકાન ચાલ્યા ગયા, લક્ષ્મી પણ બધી ખલાસ થઈ ગઈ, ને ભાઈસાહેબ જેવા ગયા હતા તેવા
ને તેવા એકલા પાછા આવ્યા..જુઓ, આ સંયોગ! ઇન્દ્રપદ કે ચક્રવર્તીપદના સંયોગની પણ આ જ સ્થિતિ છે,
માટે હે જીવ! સંયોગમાંથી સુખ મળવાની આશા છોડીને, પોતાના નિજસ્વભાવની ભાવના કર. આત્માના
સ્વભાવમાં સુખ છે, ને તે સ્વભાવની ભાવનાથી પ્રગટેલું સુખ સદાય આત્માની સાથે જ રહે છે, કોઈ સંયોગમાં
તે સુખનો વિયોગ થતો નથી. સંયોગમાં માનેલું સુખ તે સંયોગના વિયોગમાં નહીં ટકી શકે. સ્વભાવમાંથી
આવેલું સુખ સંયોગ વિના પણ સદા ટકી રહેશે.
(–પૂ. ગુરુદેવ.)