સ્વવશ થવું, ને અન્યને વશ ન થવું–એવું આવશ્યક કર્તવ્ય મોક્ષાર્થી યોગીઓને જરૂર
હોય છે ને તે જ અશરીરી–સિદ્ધ થવાનો ઉપાય છે.
તેનું નામ ‘અંતર્મુખ’ છે, તેમાં સ્વવશપણું હોવાથી સ્વતંત્રતા છે, તેમાં પરવશપણાનો
અભાવ છે. તેથી સ્વતંત્ર થવાના કામીએ એટલે કે મોક્ષાર્થીએ આવું સ્વવશપણું જ
જરૂરી કર્તવ્ય છે, તેના વડે મોક્ષ પમાય છે. વચ્ચે રાગ આવી જાય તો તે જરૂરી કર્તવ્ય
નથી, તે મોક્ષનો ઉપાય નથી.
આત્માના આશ્રયે જ થાય છે, રાગના આશ્રયે થતું નથી. રાગ તો બંધનું કારણ છે, તે
મોક્ષનું કારણ નથી. તો તે મોક્ષાર્થીનું કર્તવ્ય કેમ હોય? અજ્ઞાનીઓ તેને કર્તવ્ય માને
છે તે તેઓની ભ્રમણા છે.
નિશ્ચયધર્મધ્યાન કહો કે પરમ આવશ્યકકર્મ કહો, તે જ મોક્ષમાર્ગ છે, તે જ અશરીરી
થવાની યુક્તિ છે, તે જ મોક્ષનો ઉપાય છે. ધર્મી જીવ આવા કાર્યવડે મુક્તિ પામે છે. આ
જ મુક્તિની યુક્તિ છે.
જે શુદ્ધરત્નત્રયભાવ તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેણે
મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય એવા મુમુક્ષુજીવોએ તો આ જ જરૂર કરવા જેવું કાર્ય
છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવા
જેવું છે, તેના વડે નિયમથી મુક્તિ થાય છે. જેના વડે નિયમથી મુક્તિ થાય તે જ
નિયમથી કર્તવ્ય છે; નિશ્ચયરત્નત્રયવડે જ નિયમથી મુક્તિ પમાય છે,–તેથી મોક્ષને
માટે તે જ નિયમથી કર્તવ્ય છે, ને તે જ મોક્ષાર્થી જીવોનું જરૂરી કામ છે.