Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૮
શું ચોથો કાળ વગેરે કાળની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?–ના.
શું રાગાદિ ભાવો સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?–ના.
કોઈપણ પરદ્રવ્ય–પરક્ષેત્ર–પરકાળ કે પરભાવની સાથે આ આત્માના ધર્મનો સંબંધ નથી, તે કોઈ આ આત્માનું
સ્વ નથી, ને આ આત્મા તેમનો સ્વામી નથી. આ આત્માને પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સાથે જ પોતાના ધર્મનો
સંબંધ છે. અનંતશક્તિના પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્ય સાથે જ ધર્મની એક્તા છે, અસંખ્ય પ્રદેશી ચૈતન્યક્ષેત્ર તે જ ધર્મનું ક્ષેત્ર
છે; સ્વભાવમાં અભેદ થયેલી સ્વ–પરિણતિ તે જ ધર્મનો કાળ છે; ને જ્ઞાન–દર્શન–આનંદ વગેરે અનંત ગુણો તે જ
આત્માના ધર્મના ભાવ છે. આવા સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સાથે જ આત્માના ધર્મનો સંબંધ છે, ને તેની સાથે જ
આત્માને સ્વ–સ્વામીપણું છે.
પ્રશ્નઃ– આત્માને બીજા પદાર્થો સાથે ભલે સંબંધ ન હોય, પણ કર્મ સાથે તો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે ને?
ઉત્તરઃ– ના; પોતાના સ્વભાવ સાથે જ સ્વ–સ્વામીત્વ સંબંધ જાણીને, તેમાં જ એક્તાપણે જે પરિણમ્યો તેને કર્મ
સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ તૂટી ગયો છે. જે જીવ અસંયોગી સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતો નથી ને કર્મ સાથેના
નિમિત્ત–નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ છોડતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્માને એકાંતે કર્મની સાથેના સંબંધવાળો જ
આત્માને ઓળખે–તો તે જીવ આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખતો નથી. જ્યાં માત્ર પોતાના સ્વભાવ સાથે જ એક્તા
કરીને, માત્ર પોતાના સ્વ–ભાવ સાથે જ સ્વ–સ્વામીત્વસંબંધપણે પરિણમે છે ત્યાં કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ
પણ ક્યાં રહ્યો? આ રીતે કર્મ સાથે આત્માનો સંબંધ નથી. સાધકને પોતાના સ્વભાવમાં જેમ જેમ એક્તા થતી જાય
તેમ તેમ કર્મનો સંબંધ તૂટતો જાય છે. આ રીતે સંબંધશક્તિ સ્વભાવ સાથે સંબંધ કરાવીને કર્મ સાથેનો સંબંધ
તોડાવનારી છે.
–૪૭ મી સંબંધશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
હે ભવ્ય! કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને સંબંધ એ સાતે વિભક્તિના
વર્ણનદ્વારા અમે તારા આત્માને પરથી અત્યંત વિભક્ત બતાવ્યો, માટે હવે તારા આત્માને બધાથી
વિભક્ત, અને પોતાની જ્ઞાનાદિ અનંતશક્તિઓ સાથે એકમેક જાણીને તું પ્રસન્ન થા..સ્વભાવનો જ
સ્વામી થઈને પર સાથે સંબંધના મોહને છોડ!
* સ્વભાવનો કર્તા થઈને પર સાથેની કર્તાબુદ્ધિ છોડ.
* સ્વભાવના જ કર્મરૂપ થઈને બીજા કર્મની બુદ્ધિ છોડ.
* સ્વભાવને જ સાધન બનાવીને અન્ય સાધનની આશા છોડ.
* સ્વભાવને જ સંપ્રદાન બનાવીને નિર્મળભાવને દે.
* સ્વભાવને જ અપાદાન બનાવીને તેમાંથી નિર્મળતા લે.
* સ્વભાવને જ અધિકરણ બનાવીને પરનો આશ્રય છોડ.
* સ્વભાવનો જ સ્વામી થઈને તેની સાથે એક્તાનો સંબંધ કર ને પરની સાથેનો સંબંધ છોડ.
‘આ મારું ને હું એનો’ એવી પર સાથે એક્તાની બુદ્ધિ છોડ.
–આમ સમસ્ત પરથી વિભક્ત ને નિજસ્વભાવથી સંયુક્ત એવા પોતાના આતમરામને
જાણીને તેના અનુભવથી તું આનંદિત થા..તું પ્રસન્ન થા.
ગણધરતૂલ્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી
‘અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની ૪૭ શક્તિઓ’ ઉપર, પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ
કહાનગુરુદેવના પ્રવચનો દ્વારા થયેલું અદ્ભુત વિવેચન અહીં પૂરું થયું.. તે ભવ્યજીવોને
ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરાવો.
આવતા અંકે આ લેખમાળાનો છેલ્લો લેખ પ્રગટ થશે; અને તેમાં,
‘જ્ઞાનલક્ષણવડે અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની પ્રસિદ્ધિ’ પૂર્વક આ લેખમાળા
સમાપ્ત થશે.