Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૮
પણ તે પૂજાય છે. પૂર્વે બ્રાહ્મી-સુંદરી, ચંદના, સીતાજી વગેરે અનેક બડીબડી ધર્માત્મા સ્ત્રીઓ થઈ ગઈ છે.
બહેનો! સૌથી પહેલાં બ્રહ્મચર્યની રક્ષા કરવી જોઈએ, કેમકે શીયળ એ સ્ત્રીઓનું આભૂષણ છે. બ્રહ્મચર્યનો
રંગ અને તેની સાથે સ્વભાવની દ્રષ્ટિનું લક્ષ રાખવું જોઈએ. શરીર ગમે તે હો-સ્ત્રીનું હો કે પુરુષનું હો, પણ
ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી ભિન્ન છે-એનું ભાન કરવું જોઈએ. જેમ સોનાની અનેક લગડી હોય, તેમાં કોઈ ઉપર
હાથીના ચિત્રવાળું કપડું વીંટયું હોય, કોઈ ઉપર મનુષ્યના ચિત્રવાળું કપડું વીંટયું હોય,-પણ તેથી કાંઈ અંદરની
લગડી જુદી જુદી થઈ જતી નથી, લગડી તો બધી એક સરખી જ છે. તેમ દરેક આત્મા ચૈતન્યમૂર્તિ સોનાની
લગડી જેવો છે; તેના ઉપર કોઈને સ્ત્રીનું શરીર છે, કોઈને પુરુષનું શરીર છે, કોઈને હાથી વગેરેનું શરીર છે; એમ
ભિન્ન ભિન્ન શરીરો હોવા છતાં, આત્મા તો તેનાથી જુદો ચૈતન્યમૂર્તિ છે, માટે “હું સ્ત્રી હું પુરુષ” એવી બુદ્ધિ
છોડીને, “હું તો જ્ઞાનમૂર્તિ આત્મા છું” એવી સમજણ કરવી જોઈએ.
સ્ત્રીના ગર્ભમાં તો ત્રિલોકનાથ તીર્થંકર તેમજ ચક્રવર્તી વગેરે સલાકા પુરુષો આવે છે. તીર્થંકર ભગવાન
જ્યારે માતાના ગર્ભમાં આવે ત્યારે ઇન્દ્રો આવીને માતાનું બહુમાન કરે છે કે અહો, રત્નકુંખધારિણી માતા! આપ
તો જગતની માતા છો...જગત્પૂજ્ય છો...ત્રિલોકપૂજ્ય તીર્થંકરને જન્મ દેનારાં આપ છો...આપની કુંખ ધન્ય
છે...તીર્થંકર ભગવાનને જન્મ દેનારી માતા પણ અલ્પકાળમાં જ (ત્રીજે ભવે) મોક્ષ પામનાર હોય છે.
મહિલાઓની સભામાં બોલવાનો આ પહેલો જ પ્રસંગ છે...આત્માનું ભાન કરવું તે જ ખરા આશીર્વાદ છે.
આત્માનું ભાન કરે તેને ફરીને આવો સ્ત્રી અવતાર મળે નહિ. આત્માનું સ્વસંવેદન કરો-એ જ અમારા આશીર્વાદ
છે, ને તેમાં જ આત્માનો ઉદ્ધાર છે...વ્યક્તિ પોતાનો સુધાર કરે તેમાં સમાજનો ઉદ્ધાર થઈ જાય છે. ‘સમાજ’ એ
પણ વ્યક્તિઓના સમૂહથી બનેલો છે એટલે વ્યક્તિ સુધરતાં સમાજ સુધરે છે. સમાજની દરેક વ્યક્તિએ
પોતપોતાનો સુધાર કરવાનો છે; બીજી વ્યક્તિનું સુધરવું-બગડવું તો તે વ્યક્તિના આધારે છે, પોતાનું સુધારી લેવું
તે પોતાના હાથમાં છે. માટે સત્સમાગમે સાચું જ્ઞાન કરીને, આત્માના સ્વસંવેદનવડે પોતે પોતાના આત્માનું સુધારી
લેવું-એ જ અમારો ઉપદેશ છે ને એ જ અમારા આશીર્વાદ છે.
આઠ વર્ષની બાળકી પણ સ્વસંવેદન કરી શકે છે. સ્ત્રી અવતાર નિંદ્ય કહ્યો છે, પરંતુ સ્ત્રીઅવતારમાં પણ
જો આત્માનું ભાન કરે તો તે આત્મા જગતમાં પ્રશંસનીય છે. કોઈને પુરુષદેહ હોવા છતાં તીવ્ર પાપ કરીને નરકમાં
પણ જાય છે, અને કોઈને સ્ત્રીદેહ હોવા છતાં અંતરમાં આત્માનું ભાન પ્રગટ કરીને એકાદ બે ભવમાં મોક્ષ પામી
જાય છે, માટે દેહ ઉપર ન જોતાં દેહથી ભિન્ન આત્માનો બોધ કરવો. લોકો તો મોટા મોટા ભાષણો કરીને
બહારની ધમાધમ કરવાનું કહેશે, પરંતુ અમારો એ વિષય નથી, આત્માનો બોધ કેમ થાય-તે જ અમારો વિષય છે;
માટે આત્માનું ભાન કરવું અને સત્સમાગમે તેની ઓળખાણનો પ્રયત્ન કરવો કે જેથી ફરીને સ્ત્રી અવતાર ન મળે
ને અલ્પકાળમાં મુક્તિ થઈ જાય;-એ જ અમારા આશીર્વાદ છે.