Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 27

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૯
‘જીવત્વ’ થી શરૂ કરીને સંબંધશક્તિ સુધી ૪૭ શક્તિઓ આચાર્યદેવે વર્ણવી;– ઇત્યાદિ અનંતશક્તિઓ
આત્મામાં છે; ને અનંતશક્તિઓ હોવા છતાં આત્મા જ્ઞાનમાત્ર જ છે, કેમકે ‘જ્ઞાનમાત્ર’ કહેતાં પણ, તેનાથી
કાંઈ એકલો જ્ઞાનગુણ જ લક્ષિત નથી થતો પણ અનંતશક્તિસ્વરૂપ આખો આત્મા લક્ષિત થાય છે, કોઈ શક્તિ
જુદી નથી રહેતી. માટે જ્ઞાનલક્ષણ પણ આવા અનંતશક્તિસંપન્ન અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માને જ પ્રસિદ્ધ
કરે છે.
અનંતશક્તિઓમાંથી ૪૭ શક્તિનું વર્ણન કરીને આચાર્યદેવ ૨૬૪મા કળશમાં કહે છે કે આવી
અનંતશક્તિઓથી યુક્ત આત્મા છે, છતાં તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી. અનેક નિજશક્તિઓથી સુનિર્ભર
હોવા છતાં આત્મા જ્ઞાનમય છે; આત્માનો ભાવ જ્ઞાનમયપણું છોડતો નથી. ‘જ્ઞાનમાત્ર’ કહેતાં આત્માના બધા
ધર્મો સહિત સંપૂર્ણ ચૈતન્યવસ્તુ પ્રતીતમાં આવી જાય છે. આ ચૈતન્યવસ્તુ દ્રવ્યપર્યાયમય છે, અને ક્રમરૂપ
પ્રવર્તતી પર્યાયો તથા અક્રમરૂપ વર્તતા ગુણોના પરિણમનથી તે અનેકધર્મસ્વરૂપ છે. આવી ચૈતન્યવસ્તુને
‘અનેકાન્ત’ પ્રસિદ્ધ કરે છે. અનેકાન્ત તે જિનેન્દ્ર ભગવાનનું કોઈથી ન તોડી શકાય એવું અલંઘ્ય શાસન છે
બધી એકાન્ત માન્યતાઓને ક્ષણમાત્રમાં તોડી પાડે ને અનેકાન્ત સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે એવું
અર્હંતદેવનું અનેકાન્ત શાસન જયવંત વર્તે છે.
અનંત શક્તિસંપન્ન અને અસંખ્યપ્રદેશી એવા આત્માને સર્વપ્રકારે પ્રત્યક્ષ જાણીને સર્વજ્ઞ ભગવાન કહે છે કે
અરે જીવ! તારો આત્મા અસંખ્યપ્રદેશી ને અનંતશક્તિનો પિંડ છે, તે સ્વભાવ સન્મુખ જો..પોતાથી જ તારી પરિપૂર્ણતા
છે. તારા સ્વરૂપમાં જરા પણ કમીના નથી કે તારે બીજા પાસેથી લેવા જવું પડે! તારામાં શી ખોટ છે કે તું બીજામાં
ગોતવા જાય છે? આત્માની સ્વભાવશક્તિમાં જે પૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતાનું સામર્થ્ય હતું તે જ અમે આત્મામાંથી
પ્રગટ કર્યું છે, બહારથી નથી આવ્યું...તારા આત્મામાં પણ તેવું સામર્થ્ય છે તેને તું જાણ..ને તેનો વિશ્વાસ કરીને તેની
સન્મુખ થા; એટલે તારી આત્મશક્તિમાંથી પરિપૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતા ખીલી જશે.
તારો આત્મા નિજશક્તિથી સારી રીતે ભરેલો છે, વિકાર કે કર્મોથી તારો આત્મા ભરેલો નથી, તેનાથી તો જુદો
છે; ને નિજ શક્તિઓથી એવો ભરેલો છે કે તેમાંથી કદી એક પણ શક્તિ ઓછી થતી નથી. આત્મા વિકારથી ને પરથી
છૂટો રહે છે પણ પોતાના જ્ઞાનમાત્ર ભાવને તે કદી છોડતો નથી. જેમ સાકર મેલને છોડે છે પણ મીઠાશને નથી છોડતી,
જેમ અગ્નિ ધૂમાડાને છોડે છે પણ ઉષ્ણતાને નથી છોડતો, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા રાગાદિ વિકારભાવોને છોડે છે પણ
પોતાના જ્ઞાનભાવને કદી છોડતો નથી, માટે જ્ઞાનભાવવડે તારા આત્માને લક્ષમાં લઈને આત્માની પ્રસિદ્ધિ કર..
આત્માનો અનુભવ કર.
જેણે જ્ઞાનલક્ષણને અંતર્મુખ કરીને લક્ષ્યરૂપ આત્માને અનુભવ્યો તે સાધક ધર્માત્મા જ્ઞાનભાવપણે જ સદાય વર્તે
છે. જ્ઞાનભાવને કદી છોડતા નથી ને વિકારમય કદી થતા નથી...અને જ્ઞાનમયભાવમાં ‘પરનું કરું’ એ બુદ્ધિને તો
અવકાશ જ કયાં છે? ‘સીતાને આમ શોધું તો મળશે..’ એવો વિકલ્પ જ્ઞાની ધર્માત્માને (રામચંદ્રજીને) આવ્યો, છતાં
તે વખતેય જ્ઞાની વિકલ્પમય થઈને નથી પરિણમ્યા, તે વખતેય જ્ઞાનમયભાવરૂપે જ પરિણમ્યા છે; વિકલ્પને તો
જ્ઞાનભાવથી બહાર જ રાખ્યો છે.
જ્ઞાની જાણે છે કે મારો આત્મા જ ક્રમપર્યાયરૂપ ને અક્રમગુણરૂપ સ્વભાવવાળો છે. અનંતગુણો એકસાથે
અક્રમપણે સહવર્તી છે...ને પર્યાયો નિયતક્રમરૂપ છે. મારા અક્રમવર્તી ગુણોમાં ને ક્રમવર્તી પર્યાયોમાં હું
જ્ઞાનમાત્રભાવપણે જ વર્તુ છું.–આવા નિર્ણયમાં જ્ઞાતાસ્વભાવનો અનંતપુરુષાર્થ છે...વિકાર તરફનો પુરુષાર્થનો વેગ તૂટી
ગયો છે...અલ્પ રાગ રહ્યો તેની નિરર્થકતા જાણી છે...જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો કંકુવરણે પગલે
કેવળજ્ઞાન લેવા માટે સાધક ચાલ્યો જાય છે.
જુઓ, આ આત્મશક્તિના સાધક સંતોની દશા!
જ્ઞાની તો પોતાની અનંતશક્તિનો બાદશાહ છે...જગતની તેને દરકાર નથી કેમકે જગત પાસેથી કાંઈ લેવું નથી..
ભગવાનના દાસ...ને જગતથી ઉદાસ...આવા સમકિતી જીવ સદાય સુખીયા છે...આત્મિક આનંદને અનુભવે છે..
ચૈતન્યના આનંદસમુદ્રમાં ડૂબકી મારીને અલ્પકાળમાં તે કેવળજ્ઞાનરત્ન પ્રાપ્ત કરે છે.