ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૯
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ ૧૪ (૨) સમાધિશતક ગા. ૨૬)
૨પમી ગાથામાં એમ કહ્યું કે બોધસ્વરૂપ આત્માની ભાવનાથી રાગાદિનો ક્ષય થઈ જતાં મને કોઈ શત્રુ કે મિત્ર
તરીકે ભાસતા નથી; હું તો મારા જ્ઞાનાનંદસ્વરૂપના શાંતરસમાં જ રહું છું.
ત્યારે હવે પૂછે છે કે તમે ભલે બીજાને શત્રુ કે મિત્ર ન માનો, પણ બીજા જીવો તો તમને શત્રુ કે મિત્ર માનતા
હશેને? તો તેના ઉત્તરરૂપ ગાથા કહે છે–
मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः।
मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः।।२६।।
હું તો બોધસ્વરૂપ અતીન્દ્રિય આત્મા છું; જેઓ અતીન્દ્રિય આત્માને નથી જાણવા એવા અજ્ઞ જીવો તો મને
દેખતા જ નથી, તેઓ માત્ર આ શરીરને દેખે છે પણ મને નથી દેખતા, તેથી તે મારા શત્રુ કે મિત્ર નથી આ શરીરને
શત્રુ કે મિત્ર માને છે પણ મને તો દેખતો જ નથી તો દેખ્યા વગર શત્રુ કે મિત્ર ક્યાંથી માને? જેને જેનો પરિચય જ
નથી તે તેને શત્રુ કે મિત્ર ક્યાંથી માને? અજ્ઞ જનોને બોધસ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી. તેમના
ચર્મચક્ષુથી તો હું અગોચર છું, તેઓ બિચારા પોતાના આત્માને પણ નથી જાણતા તો મારા આત્માને તો ક્યાંથી જાણે?
અને મને જાણ્યા વગર મારા સંબંધમાં શત્રુ–મિત્રપણાની કલ્પના ક્યાંથી કરી શકે?
અને આત્માના સ્વરૂપને જાણનારા વિજ્ઞ જનો તો કોઈને શત્રુ–મિત્ર માનતા નથી, માટે મારા સંબંધમાં તેમને
પણ શત્રુ–મિત્રપણાની કલ્પના થતી નથી.
પરમાં શત્રુ–મિત્રપણાની કલ્પના અજ્ઞાનીને થાય છે, પણ તે તો મારા આત્માને દેખતો નથી અને જ્ઞાની મારા
આત્માને દેખે છે પણ તેમને કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની કલ્પના થતી નથી, માટે મારે કોઈ શત્રુ–મિત્ર નથી ને હું
કોઈનો શત્રુ–મિત્ર નથી–એમ ધર્મી જાણે છે.
પ્રશ્નઃ– ભરત અને બાહુબલિ બંને જ્ઞાની હતા છતાં બંને સામસામા લડયા હતા. છતાં કોઈ કોઈના શત્રુ નથી?
ઉત્તરઃ– બંનેને અસ્થિરતાનો દ્વેષ હતો, પણ સામા આત્માને પોતાનો શત્રુ માનીને તે દ્વેષ થયો ન હતો. તે
વખતે ભાન હતું કે હું જ્ઞાનસ્વરૂપ છું ને સામો આત્મા પણ જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મારો શત્રુ કે મિત્ર નથી, ને હું
તેનો શત્રુ કે મિત્ર નથી. બંનેને અંતરમાં બોધસ્વરૂપ આત્માનું ભાન હતું એટલે અભિપ્રાય અપેક્ષાએ કોઈને શત્રુ–મિત્ર
માનતા ન હતા. અને આવા આત્માને જાણીને પછી તેની ભાવનામાં સ્થિર થતાં એવી સમાધિ થાય છે કે કોઈ પ્રત્યે
દ્વેષની કે રાગની વૃત્તિ જ નથી ઊઠતી; માટે તેને કોઈ શત્રુ કે મિત્ર નથી.