Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 27

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષની નાની વયે કહે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
અરે જીવો! વિચાર તો કરો, કે આ દેહમાં રહેલો આત્મા શું ચીજ છે? એનું વાસ્તવિક ખરેખરું સ્વરૂપ શું છે?
અંતરમાં આત્મા પોતે હું કોણ છું–કે જેના ભાન વગર અત્યાર સુધી મારે પરિભ્રમણ થયું!
આત્માના ભાન વગર સંસારમાં રખડતો જીવ નરક અને સ્વર્ગના પણ અનંત અવતાર કરી ચૂકયો છે. આ
પૃથ્વીની નીચે નરકગતિનું ક્ષેત્ર છે. તે નરકગતિ યુક્તિથી પણ સાબિત થાય છે. જુઓ, અહીં રાજવ્યવસ્થાના ન્યાયમાં,
કોઈ માણસે એક ખૂન કર્યું હોય ને તેનો તે ગુન્હો સાબિત થાય તો તેને એક વાર ફાંસી અપાય છે; હવે તે જ માણસ
કદાચિત એમ કબૂલ કરે કે મેં એક નહિ પણ હજારો–લાખો ખૂન કર્યાં છે, તો અહીં તેને શું શિક્ષા થશે? તેને પણ એક જ
વાર ફાંસી મળશે. તો વિચારો કે એક ખૂન કરનારને એક વાર ફાંસી ને લાખો ખૂન કરનારને પણ એક વાર ફાંસી! એ
શું ન્યાય છે? નહિ. “મને પ્રતિકૂળતા કરનારા હજારો લાખો જીવો હોય તો તે બધાને પણ હું ઉડાડી દઊં, અને તે પણ
થોડો કાળ નહિ પરંતુ હજારો વર્ષનું જીવન હોય તો તેટલો કાળ સુધી પણ પ્રતિકૂળતા કરનારા બધા જીવોને ઊડાડી
દઊં.” એવા ક્રૂર પરિણામ જેણે કર્યા, તે ભલે કદાચિત કોઈ જીવને મારી ન શકે પણ તેના ક્રૂર પરિણામનું ફળ તો તે
અવશ્ય ભોગવે છે, અને તે ફળ ભોગવવાનું સ્થાન નીચે નરકયોનિમાં છે,–કે જ્યાં હજારો લાખો વાર તેના શરીરનાં
કટકેકટકા થઈ જાય છે. આવા નરકના અવતાર દરેક જીવે અજ્ઞાનભાવને લીધે અનંત વાર કર્યાં છે. અરે, ચૈતન્યતત્ત્વ
પોતે કોણ છે તેના ભાન વગર જીવનો અનાદિનો કાળ સંસારપરિભ્રમણમાં જ ગયો છે. એક વાર પણ જો મોક્ષ થયો
હોય તો પછી સંસારપરિભ્રમણ રહે નહિ.
આચાર્યદેવ કહે છે કેઃ અરે મોહાંધ પ્રાણીઓ! તમે રાગને, દેહને અને આત્માને એકમેકપણે માનીને
અનાદિથી મોહમાં સૂતા છો..હવે તો જાગો..ને જાગીને તમારા શુદ્ધ ચૈતન્ય તત્ત્વને રાગથી ભિન્ન દેખો.
ચૈતન્યપદના ભાન વગર પરિભ્રમણ ટળે નહિ. ચૈતન્યના ભાન વગર તીવ્ર હિંસાદિથી નરકમાં રખડે છે ને
હિંસાદિને બદલે દયાદિ કોમળ પરિણામથી જીવ સ્વર્ગમાં–દેવગતિમાં–જન્મે છે. તે દેવગતિ પણ આત્માનું ખરું પદ
નથી. અરે જીવ! તું જાગીને વિવેક કર કે આ દેહ અને વિકાર હું નહિ, હું તો ચૈતન્ય છું; મારું નિજપદ તો શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ છે. મારી શુદ્ધ ચૈતન્ય સત્તામાં રાગનો પ્રવેશ નથી. પરપદના ભરોસે અત્યાર સુધી હું નિજપદને
ભૂલ્યો, પણ હવે સંતોએ પરમ કરુણા કરીને મને મારું નિજપદ ઓળખાવ્યું. જેમ કોઈ રાજા, પોતાનું રાજાપણું
ભૂલીને ઊકરડા ઉપર રખડતો હોય, ને કોઈ સજ્જન પુરુષ તેને તેનું રાજાપણું ઓળખાવીને, તથા તેનો
રાજવૈભવ દેખાડીને તેને તેના રાજસિંહાસને બેસાડે તો તે રાજા કેવો ખુશી થાય! તેમ આ ચૈતન્યરાજા, પોતાનું
ચૈતન્યપદ ભૂલીને રાગદ્વેષાદિ વિકારીભાવના ઊકરડામાં નિજપદ માનીને રખડે છે, ત્યાં જ્ઞાની સત્પુરુષો તેને તેનું
ચૈતન્યપદ ઓળખાવીને, તથા તેનો ચૈતન્યવૈભવ દેખાડીને, તેને તેના શુદ્ધ ચૈતન્યપદમાં સ્થાપે છે; ત્યાં આત્માર્થી
જીવ પોતાના શુદ્ધ ચૈતન્યપદને દેખીને પરમ આનંદિત થાય છે.
એક પ્રાણી એમ કહે છે કે મારે નિર્દોષ થવું છે. તો તેમાંથી એમ સિદ્ધ થાય છે કે –
વર્તમાનમાં તે નિર્દોષ નથી.
વર્તમાનમાં દોષ છે પણ તે કાયમી નથી,
એટલે કે ટળી શકે છે.
દોષ ટળીને નિર્દોષતા ક્યાંથી આવશે? કે દોષ વખતે પણ સ્વભાવમાં નિર્દોષતા ભરી છે તેમાંથી નિર્દોષતા
આવે છે. આવા સ્વભાવની પ્રતીત વગર કોઈ જીવને દોષ ટળીને નિર્દોષતા થઈ શકે નહિ. દોષ તે કાયમી સ્વભાવ
નથી, કાયમી સ્વભાવ તો નિર્દોષ છે–