Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 27

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
મોક્ષમાર્ગના
પુરુષાર્થની સાથે
સર્વજ્ઞના
સ્વીકારની સંધિ
મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક સર્વજ્ઞદેવ છે; એટલે સર્વજ્ઞના સ્વીકાર
વગર કદી મોક્ષમાર્ગનો પુરુષાર્થ ઉપડતો નથી. જેણે સર્વજ્ઞતાના અનંત–
અચિંત્ય સામર્થ્યનો સ્વીકાર કર્યો છે તેણે તે સ્વીકાર કઈ રીતે કર્યો?
રાગથી પાર થઈને, અંતરની ચિદાનંદ શક્તિ તરફના ઝુકાવ વગર
સર્વજ્ઞતાના અચિંત્ય સામર્થ્યનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી; અને
આ રીતે, રાગથી પાર થઈને અંતરની ચિદાનંદ શક્તિ તરફ ઝૂકીને જેણે
સર્વજ્ઞતાના અનંત અચિંત્ય સામર્થ્યનો સ્વીકાર કર્યો–તેને પોતાના
આત્મામાં અચિંત્ય મોક્ષમાર્ગનો પુરુષાર્થ ઊછળી ગયો છે. અને જેણે એ
રીતે સર્વજ્ઞતાના સામર્થ્યનો સ્વીકાર નથી કર્યો તેને સર્વજ્ઞના માર્ગ પ્રત્યે
(એટલે કે મોક્ષમાર્ગ પ્રત્યે) પુરુષાર્થ ઊછળતો નથી.
આ રીતે મોક્ષમાર્ગના પુરુષાર્થની સાથે સર્વજ્ઞના સ્વીકારની સંધિ
છે.
(પંચાસ્તિકાયના પ્રકાશન–પ્રસંગે પ્રવચનમાંથી)
હેતુની વિપરીતતા
સાધકને ચૈતન્યસ્વભાવનું સાધન કરતાં કરતાં, વચ્ચે કંઈક રાગ
બાકી રહી જાય છે, પણ તેનો હેતુ રાગમાં વર્તવાનો નથી, તેનો હેતુ
(તેનો અભિપ્રાય) તો વીતરાગપણે ચૈતન્યસ્વભાવમાં જ વર્તવાનો છે.
એટલે રાગ હોવા છતાં તેનો હેતુ વિપરીત નથી, તેનો હેતુ–તેનું ધ્યેય–તો
સમ્યક્ છે.
અજ્ઞાનીને ચૈતન્યસ્વભાવનું ભાન નથી, ને બાહ્ય વિકલ્પો આવે
તેમાં જ તે અટકી રહે છે, એટલે તેના હેતુમાં જ રાગ છે. રાગના હેતુથી તે
રાગમાં વર્તે છે, રાગ જ તેનું ધ્યેય છે, રાગથી જ તે લાભ માને છે,
રાગથી જરાય ખસીને ચિદાનંદ સ્વભાવમાં આવતો નથી, એટલે તેનો તો
હેતુ જ ખોટો છે, તેના હેતુમાં જ વિપરીતતા છે.
રાગ અજ્ઞાનીને હોય ને જ્ઞાનીને પણ હોય, પરંતુ અજ્ઞાનીને તે
રાગ રાખવાનો હેતુ છે, જ્ઞાનીને તે રાગ ટાળીને સ્વભાવમાં ઠરવાનો હેતુ
છે. આમ બંનેના હેતુમાં મોટો ફેર છે.