Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 27

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૯
કારણરૂપ એવી રાગ–દ્વેષ પરિણતિમાં જ વર્તતો હતો, તે વખતે પરસમયરૂપ કાળ હતો. હવે જ્યારે પોતાના વિશુદ્ધ
ચૈતન્યસ્વરૂપનો નિર્ણય કર્યો ત્યારે, વિકાર હોવા છતાં વિવેકજ્યોતિવડે તેનાથી ભિન્ન વિશુદ્ધ ચૈતન્યને જાણતો થકો,
તેમાં જ વર્તે છે તે સ્વસમયરૂપ કાળ છે, તે જ દિવાળી છે, તે કાળે રાગાદિથી પરાડ્મુખ વર્તતો થકો ને સ્વરૂપમાં ઠરતો
થકો તે જીવ દુઃખથી પરિમુક્ત થાય છે.
(પંચાસ્તિકાય ગાથા ૧૦૪)
આ શાસ્ત્રમાં તો પાંચ અસ્તિકાય તેમજ છઠ્ઠું કાળ–એમ છએ દ્રવ્યોનું વર્ણન કર્યું છે, છતાં આચાર્યભગવાન કહે
છે કે આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ આત્મા છે; દુઃખથી મુક્ત થવાનો અર્થી પ્રથમ તો, આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ ચૈતન્ય
સ્વભાવવાળા પોતાના આત્માને જાણે છે. જુઓ, આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળો આત્મા તે જ શાસ્ત્રના અર્થભૂત એટલે
કે પ્રયોજનભૂત છે. પ્રથમ એવા પ્રયોજનભૂત આત્માને જાણીને, પછી મોક્ષાર્થી જીવ તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે.
–આવા ઉદ્યમ વડે તેને દર્શનમોહનો ક્ષય થાય છે. જુઓ, ઉદ્યમવડે કર્મનો નાશ થવાનું કહ્યું, એટલે કે ઉપાદાનની
સ્વતંત્રતાથી કહ્યું; પણ “કર્મ ખસે તો ઉદ્યમ થાય” એમ નિમિત્ત તરફથી ન લીધું. ઉદ્યમ કરવામાં આત્માની સ્વતંત્રતા
છે, ઉદ્યમ કરે ત્યાં પ્રતિબંધકરૂપ કર્મનો અભાવ થયા વિના રહે જ નહિ,–એવો જ નિમિત્ત–નૈમિત્તિકનો મેળ છે. અહીં તો
આચાર્ય ભગવાન સ્પષ્ટ કહે છે કે છએ દ્રવ્યોના વર્ણનમાં અર્થભૂત–સારભૂત–પ્રયોજનભૂત તો વિશુદ્ધ ચૈતન્યસ્વભાવી
આત્મા જ છે, માટે મોક્ષાર્થીએ પ્રથમ પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વભાવને જાણવો; તેને જાણીને પછી તેનું જ અનુસરણ
કરવાનો ઉદ્યમ કરવો.
સમયસારમાં પણ આચાર્યદેવે એમ જ કહ્યું છે કે–
જીવરાજ એમ જ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ,
પછી યત્નથી મોક્ષાર્થીએ. (૧૮)
જુઓ, આ મોક્ષનો ઉપાય! હે મોક્ષના અર્થી! આ શાસ્ત્રના અર્થભૂત એવા શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને
પ્રથમ તો તું જાણ...ને તેને જ અનુસરવાનો ઉદ્યમ કર.–આવા ઉદ્યમવડે તને શુદ્ધ સમ્યગ્દર્શન થશે, ને દર્શનમોહનો નાશ
થશે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયવડે તારી જ્ઞાનજ્યોતિ પ્રગટી જશે, અને રાગદ્વેષ છૂટી જશે. એમ થતાં કર્મબંધની
પરંપરાનો વિનાશ થઈ જશે; ને બંધના અભાવથી મુક્તપણે તારો આત્મા સદા સ્વરૂપસ્થપણે પ્રતાપવંત રહેશે. આ જ
દુઃખથી છૂટીને પરમઆનંદની પ્રાપ્તિનો ઉપાય છે. સ્વદ્રવ્યના પરિચયથી જ મોહનો ક્ષય થાય છે, તેમાં પરદ્રવ્યના
પરિચયની જરૂર નથી. સ્વરૂપથી ખસીને જેટલો જેટલો પરદ્રવ્યનો પરિચય તે બંધનું કારણ છે, ને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
સ્વદ્રવ્યનો પરિચય તે જ મોક્ષનું કારણ છે. આવો દ્રઢ નિર્ણય કર્યા વગર વીર્યનો વેગ સ્વ તરફ વળે નહિ, માટે શાસ્ત્રના
અર્થભૂત એવા શુદ્ધ આત્માને જાણીને મોક્ષાર્થીએ ઉદ્યમપૂર્વક તેને જ અનુસરવું. નિમિત્તને કે રાગાદિને ન અનુસરવું પણ
શુદ્ધ આત્માને જ અનુસરવું. એમ કરવાથી દ્રષ્ટિમોહનો ક્ષય થાય છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયવડે જ્ઞાનજ્યોતિ પ્રગટે
છે ને અજ્ઞાન અંધકાર નાશ પામે છે; તથા તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયથી–તેમાં લીનતાથી રાગ–દ્વેષ પ્રશમી જાય
છે; તેથી બંધનો અભાવ થઈને પોતાના સ્વરૂપમાં સ્થિરપણે મુક્તિમાં આત્મા સદા પ્રતાપવંત વર્તે છે, ને પરમઆનંદથી
શોભે છે.
આ રીતે શાસ્ત્રનો સાર તથા તેના અભ્યાસનું ફળ કહ્યું.