ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૯
સાર છે. ભગવાનના પ્રવચન ખરેખર કોણે જાણ્યા કહેવાય? કે પોતાના આત્માને શુદ્ધ જ્ઞાનસ્વભાવપણે જે નક્કી કરે
તેણે જ ખરેખર ભગવાનના પ્રવચનને જાણ્યા છે. નિજતત્ત્વના નિર્ણય વગર પરતત્ત્વનું યથાર્થ જ્ઞાન કદી થાય જ નહીં,
માટે નિજતત્ત્વનો નિર્ણય કરીને તેમાં એકાગ્ર થવું તે ભગવાનના સર્વ પ્રવચનનું તાત્પર્ય છે,–જેના સેવનથી દુઃખ ટળે છે
ને સુખ મળે છે.
જગતના તત્ત્વોને જાણીને, અંતરમાં વળીને પોતાના આત્માને જગતથી જુદો, શુદ્ધ ચૈતન્યસ્વરૂપે નક્કી કરવો;
માત્ર વિકાર જેટલો નક્કી ન કરવો પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે નક્કી કરવો; નિર્ણયના કાળે વિકાર પણ વર્તતો હોવા છતાં,
તે વિકાર તરફ ન ઝૂકતાં શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકવું. જેના સેવનથી દુઃખ ટળે ને આનંદ મળે એવો વિશુદ્ધ
ચૈતન્યસ્વરૂપ હું છું, એમ નક્કી કરવું.
આત્માર્થી જીવનાં લક્ષણ શ્રવણ કરતાં જ જણાઈ આવે; આત્માના આનંદની વાત કાને પડતાં જ આત્માર્થીનો
ઉત્સાહ છાનો ન રહે. જેમ ‘પુત્રનાં લક્ષણ પારણેથી જણાય’ તેમ આત્માર્થીનાં લક્ષણ આત્માનું શ્રવણ કરતાં જ જણાઈ
આવે.
સાંભળીને નિર્ણય કરવા ઉપર જોર છે. શું નિર્ણય કરવા? મારો આત્મા વિશુદ્ધ જ્ઞાન–આનંદસ્વરૂપ છે–એમ
નિર્ણય કરવો. એવો દ્રઢ નિર્ણય કરવો કે વીર્યનો વેગ તે તરફ વળ્યા વગર રહે નહીં. આવો નિર્ણય કર્યા પછી વારંવાર
તે તરફના પ્રયત્નથી અનુભવ થાય છે. નિર્ણય વગર પુરુષાર્થની દિશા ખુલે નહિ.
જુઓ, ભાઈ! આ વાત પોતે પોતાના હિત માટે સમજવાની છે; પોતે સમજીને પોતાનું હિત કરી લેવું, બીજા
જીવો શું કરે છે તે જોવા અટકવાનું નથી. આ વસ્તુ જ એવી છે કે જગતના બધા જીવો ન પામી શકે, કોઈક વિરલા જ
તે પામી શકે; તેથી સમયસારમાં આચાર્યદેવ કહે છે કે–
બહુલોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષેચ્છા તને. ૨૦પ.
જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત
થવા ઇચ્છતો હો તો નિયત–એકરૂપ એવા આ જ્ઞાનસ્વભાવને ગ્રહણ કર, જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કર.
પહેલાં અફર નિર્ણય કરવો જોઈએ કે હું જ્ઞાનસ્વભાવ છું, ને તેનું જ મારે અવલંબન કરવા જેવું છે. બીજું
ઓછું અદકું આવડે તેનું કાંઈ નહિ, કદાચ ઓછું આવડે તો તેનો ખેદ નહિ ને અધિક આવડે તો તેનું અભિમાન
નહિ, જેને આત્માનો સ્વભાવ આવડયો તેને બધું આવડયું, ને તેણે ભગવાનના સકલ પ્રવચનનો સાર જાણી
લીધો.
આત્માના અનુભવ માટે પહેલાં નક્કર ભૂમિકા જોઈએ; તે નક્કર ભૂમિકા કઈ?–કે ‘હું
શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું એવો નિર્ણય. જેમ બેઠેલા પંખીને ગગનમાં ઊડવા માટે નીચે કઠણ ભૂમિકા જોઈએ, તેમ
ચૈતન્યના ચારિત્રમાં ગગનવિહાર કરવા માટે પહેલાં નિર્ણયરૂપ નક્કર ભૂમિકા જોઈએ. આત્માર્થી થઈને, અનંત
કાળમાં નહિ કરેલ એવી અપૂર્વ રીતે, અપૂર્વ પુરુષાર્થથી, આત્માનો અપૂર્વ નિર્ણય કરવો તે પ્રથમ ભૂમિકા છે, તે
જ ધર્મનગરીમાં પ્રવેશવાનો દરવાજો છે; તે નિર્ણયમાં રાગની હોંશ નથી પણ ચૈતન્યનો ઉત્સાહ છે; તે જીવ
રાગના ભરોસે રોકાતો નથી પણ ચૈતન્યસ્વભાવના ભરોસે અંતરમાં આગળ વધતો જાય છે, ને રાગદ્વેષને
તોડતો જાય છે; આ મુક્તિનો ઉપાય છે.
(આ લેખનો બાકીનો ભાગ આવતા અંકે પૂરો થશે.)