Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 34

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૦
રાજા મધુને હું મધપૂડાની જેમ તોડી પાડીશ.–આમ કહીને શત્રુઘ્ન મથુરા જવા તૈયાર થયો, ત્યારે રામે તેને કહ્યુંઃ ભાઈ,
તું મને એક વચન આપતો જા.
શત્રુઘ્ને કહ્યુંઃ બંધુ! આપ તો મારા પ્રાણના પણ નાથ છો, તો બીજી વસ્તુની શી વાત? એક રાજા મધુ સાથેનું
યુદ્ધ તો હું નહીં છોડું, બીજું આપ જે કહો તે કરું.
રામે કહ્યુંઃ હે વત્સ! તું મધુ સાથે યુદ્ધ કરે તો, જે વખતે તેના હાથમાં ત્રિશૂલ ન હોય તે વખતે કરજે.
શત્રુઘ્ને કહ્યુંઃ આપની આજ્ઞા પ્રમાણે જ હું કરીશ.
ત્યારબાદ જિનદેવની પૂજા કરીને તથા સિદ્ધોને નમસ્કાર કરીને, માતા પાસે આવીને શત્રુઘ્ને વિદાય માટે આજ્ઞા
માંગી; ત્યારે માતાએ કહ્યુંઃ હે વત્સ! તારો વિજય હો! જ્યારે તારો વિજય થશે ત્યારે હું જિનેન્દ્રદેવની મહાપૂજા
કરાવીશ; સ્વયં મંગલરૂપ અને ત્રણ લોકના મંગલકર્તા શ્રી જિનદેવ તારું મંગલ કરો; સર્વજ્ઞ ભગવાનના પ્રસાદથી તારો
વિજય હો...સિદ્ધ ભગવંતો તને સિદ્ધિના કર્તા હો; આચાર્ય–ઉપાધ્યાય તથા સાધુ પરમેષ્ઠી તારા વિઘ્ન હરો ને તારું
કલ્યાણ કરો–આ પ્રમાણે કહીને મંગલકારી માતાએ આશીર્વાદ દીધા, તે માથે ચડાવીને શત્રુઘ્ને માતાને નમસ્કાર કર્યા
અને ત્યાંથી મથુરા તરફ પ્રસ્થાન કર્યું. લક્ષ્મણે તેને સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું તથા કૃતાન્તવક્ર સેનાપતિને તેની
સાથે મોકલ્યો.
શત્રુઘ્ન સેનાસહિત મથુરા નજીક આવી પહોંચ્યો ને યમુના નદીને કિનારે પડાવ નાંખ્યો. ત્યાં મંત્રીઓ ચિંતા
કરવા લાગ્યા કે રાજા મધુ તો મોટો માન્ધાતા છે ને આ શત્રુઘ્ન તો બાળક છે, તે શત્રુને કઈ રીતે જીતી શકશે? ત્યારે
કૃતાન્તવક્ર સેનાપતિએ કહ્યુંઃ અરે મંત્રી! તમે સાહસ છોડીને આવા કાયરતાના વચન કેમ કહો છો? જેમ હાથી
મહાબળવાન છે અને સૂંઢવડે મોટા વૃક્ષોને ઊખેડી નાંખે છે, તો પણ સિંહ તેને જીતી લે છે, તેમ મધુરાજા મહાબળવાન
હોવા છતાં શત્રુઘ્ન તેને જરૂર જીતી લેશે. સેનાપતિની આ વાત સાંભળીને સૌ પ્રસન્ન થયા. એવામાં નગરમાં ગયેલા
ગુપ્તચરોએ આવીને સમાચાર આપ્યા કેઃ હાલમાં મધુ રાજા વનક્રીડા માટે નગરની બહાર ઉપવનમાં રહે છે, અને તમે
મથુરા જીતવા માટે આવ્યા છો તેનું પણ તેને ભાન નથી, તેથી અત્યારે મથુરા સહેલાઈથી હાથ આવે તેમ છે.–એ
સાંભળીને શત્રુઘ્ને પોતાના યોદ્ધાઓ સહિત મથુરાનગરીમાં પ્રવેશ કર્યો.–જેમ યોગીઓ કર્મનાશ કરીને સિદ્ધપુરીમાં
પ્રવેશ કરે તેમ શત્રુઘ્ને દરવાજા તોડીને મથુરાનગરીમાં પ્રવેશ કર્યો, અને આયુધશાળા પોતાના કબજે કરી લીધી.
પરચક્રના આગમનથી નગરજનો ભયભીત થઈ ગયા, પરંતુ શત્રુઘ્ને એમ કહીને તેમને ધૈર્ય બંધાવ્યું કે અહીં શ્રીરામનું
રાજ્ય છે, તેમાં કોઈને દુઃખ કે ભય નથી.
શત્રુઘ્ને મથુરામાં પ્રવેશ કર્યો તે સાંભળીને રાજા મધુ ક્રોધપૂર્વક ઉપવનમાંથી નગર તરફ આવ્યો. પરંતુ દ્વાર પર
શત્રુઘ્નના સુભટોની ચોકી હોવાથી તે મથુરામાં પ્રવેશ ન કરી શક્યો;– જેમ મુનિરાજના હૃદયમાં મોહ પ્રવેશી ન શકે તેમ
અનેક ઉપાય કરવા છતાં તે રાજા નગરીમાં પ્રવેશી ન શક્યો. જો કે તે ત્રિશૂલથી રહિત થઈ ગયો હતો તોપણ
મહાઅભિમાનથી તેણે શત્રુઘ્ન સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં રાજા મધુનો પુત્ર લવણસાગર કૃતાન્તવક્રના પ્રહારથી મરણ
પામ્યો. પુત્રનું મૃત્યુ દેખીને મધુ રાજા અત્યંત શોક અને ક્રોધપૂર્વક શત્રુઘ્નના સૈન્ય સામે લડવા લાગ્યો. પરંતુ જેમ
જિનશાસનના સ્યાદ્વાદી પંડિત સામે કોઈ એકાંતવાદી ટકી ન શકે તેમ શત્રુઘ્નની વીરતા સામે મધુ રાજાના કોઈ યોદ્ધા
ટકી ન શક્યા.
આથી શત્રુઘ્નને દુર્જય જાણીને તથા પોતાને ત્રિશૂલ આયુધથી રહિત જાણીને, તેમજ પુત્રનું મૃત્યુ દેખીને અને
પોતાનું આયુષ્ય પણ અલ્પ જાણીને, મધુ રાજા અત્યંત વિવેકપૂર્વક વિચારવા લાગ્યોઃ “અહો! સંસારનો સમસ્ત આરંભ
મહાહિંસારૂપ અને દુઃખ દેનાર છે તેથી તે સર્વથા ત્યાજ્ય છે; આ ક્ષણભંગુર સંસારમાં મૂઢ જીવો રાચે છે. આ જગતમાં
ધર્મ જ પ્રશંસાયોગ્ય છે. આ દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જે જીવ ધર્મને વિષે બુદ્ધિ નથી કરતો તે મોહવડે ઠગાયો થકો
અનંત ભવભ્રમણ કરે છે. અરે! મેં પાપીએ અસારરૂપ સંસારને સાર જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણ્યું ને અત્યાર
સુધી આત્મહિત ન કર્યું..જ્યારે હું સ્વાધીન હતો ત્યારે મને સુબુદ્ધિ ન ઉપજી, હવે તો મારો અંતકાળ આવ્યો..સર્પ ડશે તે
વખતે દૂરદેશથી મણિમંત્ર કે ઔષધ મંગાવવા શા કામના? માટે હવે હું સર્વ ચિંતા છોડીને નિરાકુળપણે મારા મનનું
સમાધાન કરું.” યુદ્ધમાં હાથીના હોદ ઉપર બેઠા બેઠા મધુરાજા