Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 34

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
(મથુરાનગરીમાં સપ્તર્ષિ મુનિવરોના આગમનનો આ આનંદમય પ્રસંગ જિનમંદિરના ચિત્રમાં આલેખવામાં
આવ્યો છે. જેમનાં દર્શન કરતાં જ ભક્તોના હૃદયમાં આનંદની ઊર્મિ જાગે એવા સપ્તર્ષિ મુનિ ભગવંતોની હારમાળા
મથુરાના જિનમંદિરમાં બિરાજી રહી છે. મથુરામાં “સપ્તર્ષિ–ટીલા” નામનું એક સ્થાન પણ છે.)
– એ સપ્તર્ષિ મુનિ ભગવંતોને અમારા નમસ્કાર હો.
આ સપ્તર્ષિ મુનિભગવંતો અનેકવિધ તપ કરતા થકા ચોમાસું તો મથુરાના વન વિષે જ રહ્યા છે, અને
પારણું ચારણઋદ્ધિના પ્રભાવથી બીજી ગમે તે નગરીમાં કરી આવે છે. આકાશમાર્ગે ક્ષણમાત્રમાં કોઈ વાર
પોદનાપુર જઈને પારણું કરી આવે, તો કોઈ વાર વિજયપુર જાય, કોઈ વાર ઉજ્જૈન જાય તો કોઈ વાર
સૌરાષ્ટ્રમાં પધારે. (ચારણઋદ્ધિધારી મુનિવરો આકાશમાં વિચરે છે ને ચોમાસામાં પણ વિહાર કરે છે.)–આ
પ્રમાણે ગમે તે નગરીમાં જઈને ઉત્તમ શ્રાવકને ત્યાં આહાર કરી આવે ને પાછા મથુરાનગરીમાં આવીને રહે. એ
ધીર–વીર મહાશાંત મુનિવરો એક વાર આહારના સમયે અયોધ્યા નગરીમાં પધાર્યા અને અર્હદત્ત શેઠના ઘરની
સમીપ આવ્યા.
એકાએક આ મુનિવરોને જોઈને અર્હદત્ત શેઠે વિચાર્યુંઃ “અરે! ચોમાસામાં તો મુનિઓ વિહાર કરે નહીં,
ને આ મુનિઓ અયોધ્યામાં ક્યાંથી આવ્યા? ચોમાસા પહેલાં તો આ મુનિઓ અહીં આવ્યા નથી, કેમકે આ
અયોધ્યાની આસપાસ વનમાં, ગૂફામાં, નદીકિનારે, વૃક્ષ નીચે કે વનના ચૈત્યાલયોમાં જ્યાં જ્યાં સાધુઓ
ચાતુર્માસ રહ્યા છે તે સર્વેને મેં વંદ્યા છે, પરંતુ આ સાધુઓને મેં ક્યાંય દેખ્યા નથી, માટે આ સાધુઓ
આચારંગસૂત્રની આજ્ઞાથી પરાંગમુખ સ્વેચ્છાવિહારી લાગે છે તેથી વર્ષાકાળમાં પણ જ્યાં ત્યાં ભમતા ફરે છે.
જો જિનઆજ્ઞાના પાલક હોય તો વર્ષાકાળમાં વિહાર કેમ કરે? માટે તે જિનાજ્ઞાથી બહાર છે.”–આમ વિચારી
અર્હદત્ત શેઠે તો મુનિવરોનો આદર ન કર્યો ને ત્યાંથી ચાલ્યા ગયા; પણ તેમની પુત્રવધુએ અતિભક્તિથી
વિધિપૂર્વક મુનિવરોને પ્રાસુક આહારદાન કર્યું.
આહાર કરીને સાત મુનિવરો ભગવાનના ચૈત્યાલયમાં આવ્યા; તે ચૈત્યાલયમાં દ્યુતિભટ્ટારક આચાર્ય
બિરાજતા હતા. સાત ઋષિ મુનિવરો ઋદ્ધિના પ્રભાવથી ચાર અંગુલ અલિપ્તપણે એટલે કે જમીનથી ચાર
આંગળ ઊંચે ચાલ્યા આવતા હતા, ચૈત્યાલયમાં આવતાં તેમણે પૃથ્વી પર પગ મૂકયો. આ સપ્તર્ષિ ભગવંતોને
જોતાં જ દ્યુતિભટ્ટારક–આચાર્ય ઊભા થયા અને ઘણા આદરથી તેઓને નમસ્કાર કર્યા, બીજા બધા શિષ્યોએ
પણ નમસ્કાર કર્યાં; સપ્તર્ષિ ભગવંતોએ તેમની સાથે ધર્મચર્ચા કરી, અને પછી ચૈત્યાલયમાં જિનવંદના કરીને
તેઓ તો પાછા મથુરાનગરીમાં પધાર્યાં.
સપ્તર્ષિ મુનિવરોના ગયા પછી થોડીવારે અર્હદત્ત શેઠ ચૈત્યાલયમાં આવ્યા, ત્યારે દ્યુતિભટ્ટારક આચાર્યે
તેમને કહ્યું– “સાત મહર્ષિ મહાયોગીશ્વર ચારણ મુનિવરો અહીં આવ્યા હતા, તમેય તેમનાં દર્શન કર્યા હશે; તે
મહામુનિવરો મહાતપના ધારક છે, અને ચાતુર્માસ મથુરાનગરીમાં રહ્યા છે; ચારણઋદ્ધિથી ગગન–વિહાર કરીને
તેઓ આહાર માટે ગમે ત્યાં જાય છે, આજે તેઓએ આ અયોધ્યાપુરીમાં આહાર કર્યો, અને પછી ચૈત્યાલયના
દર્શન કરવા આવ્યા, અમારી સાથે ધર્મચર્ચા પણ કરી, અને પછી મથુરાનગરી તરફ સીધાવ્યા. એ
મહાવીતરાગી, ગગનગામી, પરમ ઉદાર ચેષ્ટાના ધારક મુનિવરો વંદનીય છે.”–ઇત્યાદિ પ્રકારે આચાર્યના
મુખથી ચારણ મુનિઓનો મહિમા સાંભળીને, શ્રાવક શિરોમણિ અર્હદત્ત શેઠ ખેદખિન્ન થઈને ખૂબજ પશ્ચાત્તાપ
કરવા લાગ્યા–‘અરે! મને ધિક્કાર છે...મેં મુનિવરોને ન ઓળખ્યા! મારા આંગણે પધારેલા મુનિભગવંતોનો મેં
આદર ન કર્યો...હા! મારા જેવો અધમ કોણ? એ મુનિવરો આહાર અર્થે મારા આંગણે પધાર્યા, પણ મેં નવધા
ભક્તિપૂર્વક તેમને આહાર ન આપ્યો...મારા જેવો પામર–અજ્ઞાની બીજો કોણ કે આંગણે આવેલા સંતોને પણ
હું ન ઓળખી શક્યો!! ચારણ મુનિવરોની તો એ જ રીત છે કે ચોમાસામાં નિવાસ તો એકસ્થાને કરે, પણ
આહાર અનેક નગરીમાં કરી આવે. ચારણઋદ્ધિના પ્રભાવથી તેમના શરીરવડે જીવોને બાધા થતી નથી. અહા!
જ્યાંસુધી એ ચારણઋદ્ધિધારક મુનિ ભગવંતોના હું દર્શન નહીં કરું ત્યાં સુધી મારા મનનો સંતાપ મટશે
નહીં.”–આમ પશ્ચાત્તાપથી અતિ ભક્તિભીના ચિત્તે અર્હદત્ત શેઠ સાત મુનિવરોના દર્શનને ઝંખવા લાગ્યા.