Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 34

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૮૦
કાર્તિકી પુનમ નજીક આવતાં, મહા સમ્યગ્દ્રષ્ટિ અર્હદત્ત શેઠ સર્વકુટુંબ સહિત સપ્તર્ષિ મુનિવરોની વંદના પૂજા
કરવા માટે અયોધ્યાથી મથુરા તરફ ચાલ્યા. મુનિવરોનો અપાર મહિમા જેણે જાણ્યો છે અને રાજા સમાન જેનો વૈભવ
છે એવા તે શેઠ વારંવાર પોતાની નિંદા કરતાં અને મુનિવરોની પ્રશંસા કરતાં, રથ–હાથી–પાયદળ તથા ઘોડેસવાર
વગેરેની મોટી સેના સહિત યોગીશ્વરોના પૂજન માટે શીઘ્રતાથી મથુરા તરફ ચાલ્યા. મહાવિભૂતિ સહિત અને
શુભધ્યાનમાં તત્પર એવા અર્હદત્ત શેઠ કારતક સુદ સાતમે મુનિવરોના ચરણોમાં આવી પહોંચ્યા. તે ધર્માત્માએ
વિધિપૂર્વક તે મુનિવરોને વંદના કરીને અતિ ભક્તિપૂર્વક પૂજન કર્યું, અને મથુરાનગરીમાં અનેક પ્રકારની મહાન શોભા
કરાવી. આખી મથુરાનગરી સ્વર્ગસમાન શોભવા લાગી.
આ બધો વૃત્તાંત સાંભળીને શત્રુઘ્નકુમાર પણ તરત જ સપ્તર્ષિ મુનિવરોની સમીપ આવ્યો, અને તેની માતા
સુપ્રભા પણ મુનિભક્તિથી પ્રેરાઈને તેની પાછળ આવી. શત્રુઘ્ને અતિશય ભક્તિપૂર્વક મુનિવરો પાસેથી ધર્મનું શ્રવણ
કર્યું. મુનિવરોએ કહ્યુંઃ “આ સંસાર અસાર છે, એક વીતરાગતા જ સાર છે. જિનદેવનો કહેલો વીતરાગમાર્ગ જ
જગતના જીવોને શરણરૂપ છે. જિનધર્મઅનુસાર તેની આરાધના કરો.”
ઉપદેશ સાંભળીને શત્રુઘ્નકુમાર વિનયથી કહેવા લાગ્યો–હે દેવ! આપના પધારવાથી આ મથુરાનગરીમાંથી
મરકીનો મોટો ઉપસર્ગ દૂર થયો, રોગ ગયા, દુર્ભિક્ષ ગયો, બધા વિઘ્નો ટળ્‌યા, પ્રજાનાં દુઃખ ટળ્‌યા, સુભિક્ષ થયો, સર્વ
જીવોને સાતા થઈ, અનેક પ્રકારની સમૃદ્ધિ થઈ અને ધર્મની વૃદ્ધિ થઈ, માટે હે પ્રભો! કૃપા કરીને થોડા દિવસ આપ
અહીં જ બિરાજો.
ત્યારે શ્રી મુનિરાજે કહ્યુંઃ હે શત્રુઘ્ન! જિન આજ્ઞાથી વધારે રહેવું ઉચિત નથી. હવે અમારા ચાતુર્માસનો કાળ
પૂરો થયો...મુનિઓ તો અપ્રતિબદ્ધ–વિહારી હોય છે. આ ચોથો કાળ ધર્મના ઉદ્યોતનો છે, તેમાં અનેક જીવો મુનિધર્મ
ધારોે છે, જિનઆજ્ઞા પાળે છે, ને મહામુનિઓ કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય છે. વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથ તો મોક્ષ
પધાર્યા, હવે આ ભરતક્ષેત્રમાં નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્દ્ધમાન એ ચાર તીર્થંકરો થશે. હે ભવ્ય!
જિનશાસનના પ્રતાપે મથુરાનો ઉપદ્રવ હવે દૂર થયો છે. હવે મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર થજો, દયા પાળજો,
સાધર્મીઓનું વાત્સલ્ય કરજો, જિનશાસનની પ્રભાવના કરજો...ઘરેઘરે જિનબિંબ સ્થાપજો, જિનપૂજન તથા અભિષેકની
પ્રવૃત્તિ કરજો, તેથી સર્વત્ર શાંતિ થશે. જે જિનધર્મનું આરાધન નહિ કરે તેને જ આપદા આવશે, પરંતુ જેઓ જૈનધર્મનું
આરાધન કરશે તેનાથી તો આપદા એવી ભાગશે કે જેવી ગરૂડને દેખીને નાગણી ભાગે. માટે જિનધર્મની આરાધનામાં
સર્વ પ્રકારે તત્પર રહેજો..
શત્રુઘ્ને કહ્યુંઃ– પ્રભો! આપની આજ્ઞા પ્રમાણે સર્વ લોકો ધર્મની આરાધનામાં પ્રવર્તશે.
ત્યારબાદ મુનિવરો તો આકાશમાર્ગે વિહાર કરી ગયા, અને અનેક નિર્વાણભૂમિઓને વંદીને અયોધ્યાનગરીમાં
પધાર્યા, ત્યાં સીતાજીને ત્યાં આહાર કર્યો. સીતાજીએ મહા હર્ષપૂર્વક શ્રદ્ધા વગેરે ગુણો સહિત પ્રાસુક ભોજનવડે
મુનિઓને પારણું કરાવ્યું.
આ તરફ શત્રુઘ્ને મથુરાનગરીમાં બહાર તેમજ અંદર અનેક જિનમંદિર કરાવ્યા, ઘરેઘરે
જિનપ્રતિમા પધરાવ્યા, અને ધર્મનો મોટો ઉત્સવ કર્યો. આખી નગરી ઉપદ્રવરહિત થઈ ગઈ. વન–
ઉપવન ફળ–ફૂલવડે શોભી ઉઠયાં, સરોવરમાં કમળો ખીલ્યાંઃ અને ભવ્યજીવોનાં હૃદયકમળ પ્રફુલ્લિત
થઈને ધર્મની આરાધનામાં તત્પર બન્યા. આ રીતે સપ્તર્ષિ મુનિ ભગવંતોના પ્રતાપે મથુરાનગરીનો
ઉપદ્રવ દૂર થઈ ગયો, અને મહાન ધર્મપ્રભાવના થઈ.
–કથાના અંતમાં શાસ્ત્રકાર કહે છે કે જે જીવો આ અધ્યાય વાંચશે–સાંભળશે ને સાધુઓની ભક્તિમાં અનુરાગી
થઈને સાધુઓનો સમાગમ ચાહશે તે જીવો મનવાંછિત ફળ પામશે, અર્થાત્ સાધુઓની સંગતિ પામી ધર્મની આરાધના
કરીને પરમપદને પામશે.
* * * *