Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 34

background image
આત્મધર્મ વર્ષ ૧પ–૧૬ દીપાવલી–અભિનંદન અંક વીર સં. ૨૪૮૪–૮પ
સિદ્ધવરકૂટ ધામમાં
ઉલ્લસેલી સિદ્ધભક્તિ
સિદ્ધવરકૂટ સિદ્ધધામની અતિ ઉલ્લાસભરી યાત્રા
બાદ પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. એ સિદ્ધધામના
ઉપશાંત વાતાવરણમાં સિદ્ધભગવંતો પ્રત્યે હૃદયની
ઉદાર ઉર્મિઓ ગુરુદેવે વ્યક્ત કરી હતી. મહાવીર
ભગવાનના સિદ્ધગમન પ્રસંગે એ સિદ્ધધામનું
પ્રવચન વાંચતાં જિજ્ઞાસુઓને આનંદ થશે.
જુઓ, આ ‘સિદ્ધવરકૂટ’ તીર્થ છે. ‘સિદ્ધ–વર–કૂટ!’ અહા! સિદ્ધભગવંતો જગતના ઉત્કૃષ્ટ શિખર સમાન છે.
એવા ઉત્કૃષ્ટ શિખર સમાન સિદ્ધપદને કરોડો જીવો અહીંથી પામ્યા તેથી આ ક્ષેત્ર ‘સિદ્ધવરકૂટ’ છે. અહીંનો દેખાવ પણ
એવો છે કે જાણે ચારે કોર મુનિઓ ધ્યાનમાં બેઠા હોય! બે ચક્રવર્તી, દસ કામદેવ અને સાડાત્રણ કરોડ મુનિવરો અહીંથી
મોક્ષ પધાર્યા છે, તેઓ અહીંથી ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. (–આમ કહીને ગુરુદેવે ઉપર નજર કરીને, હાથ
વડે સિદ્ધાલય બતાવ્યું; પછી ઉપરના સિદ્ધભગવંતોને જાણે કે પોતાના તેમજ શ્રોતાઓના હૃદયમાં ઉતારતા હોય તેમ
કહ્યુંઃ–)
અહો, સિદ્ધભગવંતો! આપને નમસ્કાર હો. ‘वंदित्तु सव्वसिद्धे’ એમ કહીને સમયસારના માંગળિકમાં જ
આચાર્યદેવ સર્વ સિદ્ધભગવંતોને પોતાના તેમ જ શ્રોતાઓના આંગણે બોલાવીને તેમને નમસ્કાર કરે છે. અહા,
સિદ્ધભગવંતો અક્રિય–ચૈતન્યબિંબ છે, તેમને શાંતપરિણતિ થઈ ગઈ છે, આપણા મસ્તક ઉપર સમશ્રેણીએ લોકના
ઉત્કૃષ્ટસ્થાને તેઓ બિરાજે છે. સિદ્ધભગવંતો લોકના અગ્રેસર છે તેથી લોકના શિરે બિરાજે છે. જો તેઓ અગ્રેસર ન
હોય તો લોકની ઉપર કેમ બિરાજે? જેમ પાઘડી કે મુગટને લોકો પોતાના ઉપર શિર ઉપર ધારણ કરે છે તેમ
સિદ્ધભગવાનનું સ્થાન પણ લોકના શિર ઉપર છે, તેઓ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. સાધકોએ અનંત સિદ્ધભગવંતોને
પોતાના શિર ઉપર રાખ્યા છે...ધ્યેયરૂપે હૃદયમાં સ્થાપ્યા છે. આ રીતે ‘સિદ્ધ’ ભગવંતો ‘વર’ એટલે કે ઉત્કૃષ્ટ ‘કૂટ’
એટલે કે શિખર છે.–આમ સિદ્ધભગવાનમાં ‘સિદ્ધવરકૂટ’ નો ભાવાર્થ ઊતાર્યો. અવા સિદ્ધભગવંતોને ઓળખીને
ધ્યેયરૂપે પોતાના આત્મામાં સ્થાપવા–એટલે કે પોતાના આત્માને તે સિદ્ધિના પંથે પરિણમાવવો તે સિદ્ધિધામની
પરમાર્થ જાત્રા છે.
જુઓને, અહીંનો આસપાસનો દેખાવ પણ કેવો છે! મોક્ષના સાધક મુનિઓ આવા ધામમાં રહે, ને ચૈતન્યના
ધ્યાનમાં મશગુલ હોય. વાહ, એ મુનિદશા!! પહેલાંના કાળમાં આવા વનજંગલમાં રહીને અનેક મુનિઓ
કારણપરમાત્માને ધ્યાવતા હતા..ને કેવળજ્ઞાન પામીને મોક્ષ પામતા હતા. દરેક આત્મા પોતે આવો કારણપરમાત્મા છે.
જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાનું ધ્યાન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં કારણપરમાત્માને ધ્યાવી–ધ્યાવીને જ
અનંતા જીવો સિદ્ધ થયા છે ને થશે.