આત્મધર્મ વર્ષ ૧પ–૧૬ દીપાવલી–અભિનંદન અંક વીર સં. ૨૪૮૪–૮પ
જેમ બડવાનીજી તીર્થમાં આદિનાથ ભગવાનની મોટી મૂર્તિ મૂળ ચૂલગિરિ પર્વતમાંથી જ કોતરી કાઢી
છે, બહારથી નથી આવી; તેમ ચૈતન્યસ્વરૂપ આત્મ ચૂલગિરિ જેવો કારણપરમાત્મા છે, તેના સ્વભાવમાંથી
કોતરીને સિદ્ધપદ પ્રગટે છે, સિદ્ધપદ બહારથી નથી આવતું. સનતકુમાર અને મઘવા એ બે ચક્રવર્તીઓ છ–છ
ખંડના રાજને ક્ષણમાત્રમાં છોડીને મુનિ થયા ને આત્માને ધ્યાવીને અહીંથી સિદ્ધપદ પામ્યા; એ જ રીતે દસ
કામદેવ અને કરોડો મુનિવરો પણ અહીંથી સિદ્ધપદ પામ્યા; તે બધાય અંદરમાં કારણ હતું તેને ધ્યાવીને જ
કાર્યપરમાત્મા (સિદ્ધ) થયા છે. પોતાના સ્વભાવનું સેવન કરીને આ જીવ પણ એવું સિદ્ધપદ પામી શકે છે.
સ્વભાવમાં અંતર્મુખ થવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે, તે સિદ્ધિનો માર્ગ છે. આવા માર્ગથી અનંતા
જીવો સિદ્ધપુરીમાં પહોંચ્યા છે.
(યાત્રામહોત્સવ દરમિયાન, સિદ્ધવરકૂટ ધામમાં ઘણા સુંદર વાતાવરણ વચ્ચે ચાલતા પ્રવચનમાં ગુરુદેવ સિદ્ધપદ
પ્રત્યેની ભાવભીની ધૂન વ્યક્ત કરી રહ્યા છે, ને શ્રોતાઓ એકતાન થઈને આનંદપૂર્વક ઝીલી રહ્યા છેઃ અહા! જાણે
સિદ્ધભક્તિનો શાંતરસ વહી રહ્યો છે..)
સિદ્ધપદના સાધક સંતો કહે છે કે, સર્વે સિદ્ધભગવંતોને મારા આત્મામાં સ્થાપીને, તેમની પંક્તિમાં બેસીને, હું
તેમને વંદન કરું છું, તેમનો આદર કરું છું. આ રીતે જેણે સિદ્ધપદનો આદર કર્યો તેણે સંયોગની અને વિકારની બુદ્ધિ
છોડીને ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વભાવમાં આરોહણ કર્યું. પરિપૂર્ણ–જ્ઞાન–દર્શન–આનંદ ને વીર્યસ્વરૂપ પરમસિદ્ધપદ જ મારે
સત્કારવા જેવું છે એમ નિર્ણય કરીને પોતાના આત્મામાં અનંત સિદ્ધભગવંતોને જેણે પધરાવ્યા તે સાધક જીવ અલ્પ
કાળમાં સિદ્ધોની વસ્તીમાં ભળી જશે.
અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સાધકભાવ પ્રગટ કરીને સિદ્ધપદનો યાત્રિક કહે છે કે અહો
સિદ્ધભગવંતો! હું મારા અંતરના આંગણે આપને પધરાવું છું. ‘તારું આંગણું કેવડું?’ તો કહે છે કે કે સિદ્ધભગવાન
સમાય તેવડું. પૂર્ણાનંદને પામેલા સિદ્ધપરમાત્માને પોતાના આંગણે પધરાવતાં ધર્મી જીવ પોતાની જવાબદારી સહિત કહે
છે કે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો..
આવો આવો શ્રી સિદ્ધભગવાન અમ ઘેર આવો રે..
રૂડા ભક્તિવત્સલ ભગવંત નાથ! પધારો ને..
હું કઈ વિધ પૂજું નાથ! કઈ વિધ વંદું રે..
મારે આંગણે સિદ્ધભગવાન જોઈ જોઈ હરખું રે..
મારા આત્મામાંથી હું વિકારને કાઢી નાંખીને આપને જ સ્થાપું છું,–હે નાથ! પધારો મારા અંતરે! નિર્મળ શ્રદ્ધા–
જ્ઞાનરૂપ મારા અંતરના આંગણે હું આપને બિરાજમાન કરું છું. આ રીતે સાધક ધર્માત્મા પોતાના આંગણે
સિદ્ધભગવાનને પધરાવીને પોતે પણ સિદ્ધપદને સાધે છે.
સિદ્ધભગવંતોને અને સિદ્ધપદ સાધક સંતોને નમસ્કાર હો.