Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 34

background image
મહાવીર પ્રભુના મોક્ષધામમાં
ગુરુદેવનું પ્રવચન
પાવાપુરી–જલમંદિર તીર્થધામની યાત્રા બાદ પાવાપુરીમાં ગુરુદેવનું ભક્તિભર્યું પ્રવચનઃ ફાગણ સુદ ૨ રવિવાર
જુઓ, આ પાવાપુરી ધામમાં મહાવીર ભગવાન નિર્વાણ પદને પામ્યા છે. દેહથી પાર જ્ઞાનાનંદ તત્ત્વનું ભાન તો
પહેલેથી હતું, ને એવા ભાન સહિત અહીં અવતર્યા હતા. ત્યારબાદ ચારિત્રદશા પ્રગટ કરી, ને વૈશાખ સુદ દસમીએ
પ્રભુને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન પછી ત્રીસ વર્ષ સુધી સહજપણે ઇચ્છા વિના વિહાર થયો ને દિવ્ય ઉપદેશ નીકળ્‌યો..
ત્યારબાદ આ પાવાનગરીમાં પધાર્યા, ને અંતિમદેશના બાદ યોગનિરોધ કરીને અહીંથી ભગવાન મોક્ષ પામ્યા; તે
મોક્ષસ્થાનની બરાબર ઉપર સિદ્ધ ભગવાનપણે અત્યારે તેઓ બિરાજે છે.
ભગવાન સર્વજ્ઞ હતા, વીતરાગ હતા ને હિતોપદેશી હતા; ભગવાને હિતોપદેશમાં શું કહ્યું? જેનાથી આત્માનું
પરમહિત થાય–તેવો ઉપદેશ ભગવાને કર્યો. ભગવાન પોતે તો સર્વજ્ઞ–વીતરાગ થયા ને પોતાના આત્માનું પરમ હિત
સાધી લીધું. પછી જે વાણી નીકળી તેમાં પણ એવા હિતનો જ ઉપદેશ નીકળ્‌યો કે અહો આત્મા! તારો આત્મા પણ એક
ક્ષણમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદથી ભરેલો છે; અમે જે અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્ય પામ્યા તે આત્માની અનંત
શક્તિમાંથી જ પામ્યા છીએ. અમારા ને તારા આત્માના અંર્તસ્વભાવમાં ફેર નથી. આત્માની ક્ષણિક અવસ્થામાં જે
શુભ–અશુભ લાગણી છે તે વિકૃત છે, તે હિતનું કારણ નથી; તે શુભ–અશુભનો અભાવ કરીને અમે અમારું પૂર્ણ હિત
સાધ્યું છે, માટે પહેલાં એમ નક્કી કર કે હું જે હિત પ્રાપ્ત કરવા માંગું છું તે મારા આત્માની શક્તિમાંથી જ આવશે,
ક્યાંય બહારથી નહિ આવે. આમ સ્વભાવ–સન્મુખ થવાનો જે પરમહિતોપદેશ સર્વજ્ઞ ભગવાને આપ્યો, તેનાથી જ
ભગવાનની મહત્તા છે.
આદ્ય સ્તુતિકાર સ્વામી સમન્તભદ્ર કહે છે કે હે ભગવાન! આપ મોક્ષમાર્ગના નેતા છો–હિતમાર્ગના પ્રણેતા છો;
કર્મરૂપી પર્વતને ભેદી નાંખનાર છો, ને વિશ્વના સમસ્ત તત્ત્વોના પ્રત્યક્ષજ્ઞાતા છો. આવા ગુણોની પ્રાપ્તિ માટે આપને
વંદન કરું છું–આવા ગુણો વડે આપની સ્તુતિ કરું છું.
–ત્યારે જાણે કે ભગવાન તેને પૂછે છેઃ હે ભદ્ર સ્તુતિમાં આ સમવસરણ, આ દેવોનું આગમન, આકાશમાં
ગમન, આ ચામર–છત્ર વગેરે દિવ્યવૈભવ તેનું તો તેં સ્તવન ન કર્યું!!
ત્યારે સમન્તભદ્રસ્વામી, ભગવાનને જવાબ આપતાં કહે છે કે હે નાથ! શું આ દેવોનું આવવું, આકાશમાં
ચાલવું ને ચામરાદિ વૈભવ,–તેને લીધે આપ અમારા મનને પૂજ્ય છો? શું તેને લીધે આપની મહાનતા છે? ?–ના, ના;
પ્રભો! એવું તો માયાવી–ઇદ્રજાળીઆ પણ દેખાડી શકે. હે નાથ! અમે તો આપના ગુણોને ઓળખીને તેના વડે જ
આપની સ્તુતિ કરીએ છીએ.
देवागम–नभोयान–चामरादिविभूतयः।
मायाविष्वपि द्दश्यन्ते, नातस्त्वमसि नो महान्।।
હે નાથ! આ સમવસરણનો વૈભવ, આ દેવોનું આગમન, આ આકાશમાં વિહાર એના વડે! અમે આપની
મહત્તા નથી માનતા;–એવું તો માયાવી પણ બતાવી શકે છે. હે નાથ! અમે તો આપના પરમ હિતોપદેશ વડે આપની
સર્વજ્ઞતા અને વીતરાગતાનો પરીક્ષા વડે નિર્ણય કરીને તેનાથી જ આપની મહત્તા માનીએ છીએ. –
मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्।
ज्ञातारं विश्वतत्त्वानां, वन्दे तद्गुणलब्धये।।
જુઓ, આ ભગવાનની સ્તુતિ! જેમ નદીના પ્રવાહમાં તરંગ ઊઠે તેમ જ્ઞાનીના હૃદયમાં સમ્યગ્જ્ઞાનનો પ્રવાહ
વહે છે. તેમાં આ ભક્તિરૂપી તરંગો ઊઠયા છે. જ્ઞાનીની સ્તુતિ પણ જુદી જાતની હોય છે. ભગવાનને ઓળખીને અને
ભગવાનને શું કહ્યું તેની પરીક્ષા કરીને ભગવાનની સ્તુતિ કરે છે, એકલા પુણ્યનો ઠાઠ હોય તેની જ્ઞાનીને મહત્તા નથી.
અરે! જ્ઞાની ધર્માત્મા તો એમ વિચારે છે કે ઇન્દ્રપદ કે ચક્રવર્ત્તી પદ મળે તે પણ પુણ્યનું ફળ છે,–રાગનું ફળ છે, ને તે
વૈભવના ભોગવટામાં તો પાપવૃત્તિ છે; તેમાં ક્યાંય ચૈતન્યનું સુખ નથી. ઇન્દ્રનો વૈભવ કે ચક્રવર્તીનો વૈભવ પૂર્વના
પુણ્યથી મળ્‌યો ત્યાં ધર્મીને તેનો આદર નથી– તેની રુચિ નથી. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો જ આદર છે, તેની જ
મીઠાસ છે. આત્માના આવા આનંદસ્વભાવની સન્મુખ થવાનો ઉપદેશ ભગવાને કર્યો. અત્યારે તો ભગવાન