Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 34

background image
જિનનાથના માર્ગે.. શાશ્વતપુરીમાં
હે જિનનાથ! સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને,
તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (– જે માર્ગે જિનનાથ
ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીનાં જાઉં છું; (કારણકે) આ લોકમાં ઉત્તમપુરુષોને
(તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે?
(નિયમસાર કળશઃ૨૭૪)
પાવાપુરી મુક્તિધામની યાત્રા
(સંક્ષિપ્ત સંસ્મરણો)
પૂ. ગુરુદેવ સંઘસહિત ફાગણ સુદ એકમે સાંજે પાવાપુરી પધાર્યા, અને તરત ધર્મશાળામાં બિરાજમાન ખડ્ગાસન
મહાવીર ભગવાનની અદ્ભુત મુદ્રાના દર્શનથી પ્રસન્ન થયા..બીજે દિવસે ફાગણ સુદ બીજે સવારમાં પદ્મસરોવરની વચ્ચે
પ્રભુના નિર્વાણધામની યાત્રાએ પધાર્યા...ગુરુદેવ સાથે બેનશ્રી–બેન તેમજ સંઘના હજાર જેટલા યાત્રિકો ભક્તિ ગાતાંગાતાં
જલમંદિરે પહોંચ્યા..વીરનંદન વીરપ્રભુના ચરણને ભાવથી ભેટયા...ને ભક્તિથી અર્ઘ ચડાવ્યો.
પૂ. ગુરુદેવ અને ચારે તરફ ભક્તજનોથી જલમંદિર ખીચોખીચ ભરાઈ ગયું.. નિર્વાણધામ નીરખીને ગુરુદેવે કહ્યુંઃ
મહાવીર ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા..અહીંથી ઉપર ભગવાન બિરાજે છે. એમ કહીને પછી ગુરુદેવે નીચેની ભક્તિ
ગવડાવી–
આજે વીર પ્રભુજી નિર્વાણપદને પામીયા રે..
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન..
સુ નર આવે નિર્વાણકલ્યાણકને ઊજવવા રે..
અહા, જલમંદિરમાં ભક્તિ વખતે ભક્તજનો ભગવાનને નીહાળવા ઉત્કંઠિત થઈ રહ્યા છે...ને ટગરટગર નીહાળતા
જાણે કે ગુરુદેવને પૂછી રહ્યા છે કે હે ગુરુદેવ! મહાવીર પ્રભુ અહીંથી કઈ રીતે–કયા માર્ગે– મુક્તિ પધાર્યા? તે અમને બતાવો.
વીર ભગવાનના પગલે પગલે મુક્તિમાર્ગે ચાલતાં ચાલતાં ગુરુદેવ ભક્તોને બતાવી રહ્યા છે કેઃ
ત્રીસ વર્ષે તપ આદર્યાં, લીધાં કેવળજ્ઞાન;
અગણીત ભવ્ય ઉગારીને, પામ્યા પદ નિર્વાણ.
ભગવાને તો ત્રીસ વર્ષે તપ આદર્યાં ને કેવળજ્ઞાન પામ્યા, પછી અનેક ભવ્ય જીવોને ઊગારીને અહીંથી મોક્ષધામ
સિધાવ્યા.. ચાલો, આપણે પણ શીઘ્ર એ માર્ગે જઈએ..
ભાવભીનાં ચિત્તે ગુરુદેવ કહે છેઃ હે ભગવાન! આ બાળકોને કેવળજ્ઞાનના વિરહમાં મૂકીને આપ મોક્ષ પધાર્યા.. પરંતુ
અમે આપનાં બાળક.. આપના શાસનને શોભાવતા શોભાવતા આપના પગલે પગલે અમે પણ આપની પાસે ચાલ્યા
આવીએ છીએ.
જલમંદિરમાં ગુરુદેવની ભક્તિ પૂરી થતાં પૂ. બેનશ્રી બેનને પણ નિર્વાણ મહોત્સવ સંબંધી ઉલ્લાસભરી ભક્તિ કરાવી હતી.
ભગવાનના મુક્તિધામમાં ગુરુદેવનું ચિત્ત ભક્તિથી રંગાઈ જતું હતું..તેથી તેઓ ફરી ફરીને ભક્તિ ગવડાવતા તા;–
જાણે કે ભક્તિરૂપી દોરી વડે ભગવાનના શાસનને ઝુલાવી રહ્યા હોય એમ ગુરુદેવ નીચેની સ્તુતિ ગવડાવતા હતા–
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા...ગૌતમ કેવળજ્ઞાન રે..
વીરજીનું શાસન ઝુલે રે..
મોંઘો મારગ જ્યાં મુક્તિ તણો.. ત્યાં જીવોના જુથ ઊભરાય રે..
વીરજીનું શાસન ઝુલે રે..
ભક્તિ પછી ગુરુદેવે અંદર જઈને વીરપ્રભુના પુનિત ચરણોનો અભિષેક કર્યો. બહાર આવીને અતિ પ્રસન્ન ભાવથી
ભક્તોને કહ્યુંઃ ‘આજે તો મેં ભગવાનના ચરણનો અભિષેક કર્યો.’ એ વાત સાંભળીને સૌ ભક્તોએ હર્ષથી જયજયકાર
કર્યો...ને પછી પ્રભુચરણોનું પૂજન થયું.. ગુરુદેવ પણ જલ–ચંદનાદિથી પૂજન કરતાં હતા..ફળપૂજામાં ‘
मोक्षफलप्राप्तये फलं
स्वाहा’ આવતાં ગુરુદેવે પણ શ્રીફળ સ્વાહા કર્યું.
આમ ઘણા જ ભાવપૂર્વક પાવાપુરીના જલમંદિરમાં ગુરુદેવ સહિત યાત્રાસંઘે ભક્તિ–પૂજન કર્યાં...ત્યારબાદ “હે વીર
તુમ્હારે દ્વારે પર..” ઇત્યાદિ ધૂન ગાતાં ગાતાં સૌ ધર્મશાળાએ પાછા આવ્યા..ને વીરપ્રભુના મુક્તિધામમાં ગુરુદેવે પ્રવચનદ્વારા
મુક્તિમાર્ગ દેખાડયો.. (પાવાપુરીનું એ પ્રવચન આ અંકમાં આપ્યું છે.