Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 34

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૦
માંગે તેમ સંસારથી થાકેલો આત્મશાંતિને ઝંખતો જીવ સંતો પાસે જઈને દીનપણે (અતિ વિનયથી) માંગે છે કે હે
નાથ! જીવને શાંતિનો ઉપાય બતાવો.
આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! હે જિજ્ઞાસુ! પ્રથમ તો આત્માનો અર્થી થઈને સર્વજ્ઞ ભગવાને કહેલાં છ દ્રવ્યોને
તું જાણ; છ દ્રવ્યોને જાણીને એમ નિર્ણય કર કે મારો આત્મા અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. આત્માનો પ્રેમી થઈને
એમ નિર્ણય કર કે–જગતના પદાર્થોમાં શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તે જ હું છું. એકલા શ્રવણથી કે વિકલ્પથી નહિ પણ
અંતર્લક્ષે–આત્માને સ્પર્શીને અપૂર્વ નિર્ણય કર. આત્મસ્વરૂપનો આવો નિર્ણય તે ધર્મની નક્કર ભૂમિકા છે.
હું અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવી છું–એમ નિજતત્ત્વનો નિશ્ચય કરીને પછી તે મોક્ષાર્થી જીવ શું કરે છે?–કે જે
સ્વભાવનો નિશ્ચય કર્યો તેને જ અનુસરે છે, ને રાગાદિ ભાવો તે કાળે વર્તતા હોવા છતાં તેને અનુસરતો નથી પણ તેને
છોડે છે. જેણે પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કર્યો છે એવો ધર્મી જાણે છે કે મારામાં જે રાગદ્વેષાદિ વિકાર દેખાય છે તે
મારા સ્વભાવભૂત નથી પણ મારામાં આરોપાયેલા છે. જે ક્ષણે રાગ–દ્વેષ વર્તે તે ક્ષણે જ વિવેકજ્યોતિને લીધે ધર્મી જાણે
છે કે મારો સ્વભાવ તો શુદ્ધચૈતન્યમાત્ર છે, આ રાગદ્વેષ તો ઉપાધિરૂપ છે; આ રાગદ્વેષની પરંપરા મારા સ્વભાવના
આશ્રયે નથી થઈ, પણ કર્મબંધના આશ્રયે થયેલી છે, પણ હવે હું મારા સ્વભાવના આશ્રયે નિર્મળપર્યાયની પરંપરા
પ્રગટ કરીને આ રાગદ્વેષની પરંપરાને છેદી નાખું છું. આ પ્રમાણે પોતાના સ્વભાવનો નિશ્ચય કરીને તેને જ અનુસરનાર
જીવ સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય છે.
પોતાના સ્વભાવને ભૂલીને, કર્મ તરફના ઝુકાવથી જીવને અનાદિથી રાગદ્વેષની પરંપરા ચાલી રહી છે, ને તે
રાગદ્વેષથી કર્મબંધ થાય છે, આ રીતે રાગદ્વેષ અને કર્મબંધની પરંપરા અનાદિથી ચાલતી હોવા છતાં તે સ્વભાવભૂત
નથી પણ વિભાવરૂપ ઉપાધિ છે. ધર્મી જીવ પોતામાં તે ઉપાધિને અવલોકીને, એટલે કે પોતાની પર્યાયમાં તે
વિકારીભાવો છે એમ જાણીને, તે જ કાળે પોતાના નિરુપાધિક શુદ્ધ સ્વભાવનો નિશ્ચય પણ પ્રગટ વર્તતી હોવાથી તે
સ્વભાવ તરફ ઝૂકતો જાય છે ને રાગદ્વેષની પરંપરાને તોડતો જાય છે. રાગદ્વેષની પરંપરા તૂટતાં કર્મબંધ પણ છૂટતા
જાય છે; ને આ ક્રમથી તે જીવ મુક્તિ પામે છે. પરમાણુનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ સમજાવે છે કે, સ્કંધમાં રહેલો
પરમાણુ જ્યારે જઘન્ય ચીકાસરૂપે પરિણમવાની સન્મુખ થાય છે ત્યારે સ્કંધ સાથેના બંધનથી તે છૂટો પડી જાય છે, તેમ
શુદ્ધ સ્વભાવ તરફ ઝુકેલા જીવને રાગાદિ ચીકાસભાવ અત્યંત ક્ષીણ થતા જતા હોવાથી તે પૂર્વ બંધનથી છૂટતો જાય છે,
તેને નવું બંધન થતું નથી, એટલે ફદફદતા પાણી જેવા અશાંત દુઃખોથી તે પરિમુક્ત થાય છે.
જુઓ, આત્માના અર્થીપણે પંચાસ્તિકાયને જાણવાનું આ ફળ! જે જીવ ખરેખરો આત્માનો અર્થી થયો તેને
આત્માની પ્રાપ્તિ થયા વગર રહે જ નહીં. પંચાસ્તિકાયને જાણીને, તેમાંથી પોતાના શુદ્ધ આત્માને જુદો તારવીને (એટલે
કે નિર્ણયમાં લઈને, શ્રદ્ધા–જ્ઞાન કરીને) તેમાં લીન થવું તે મોક્ષનો ઉપાય છે.
આચાર્ય ભગવાન કહે છે કે, કાળ સહિત પાંચ અસ્તિકાયનું પ્રતિપાદન કરનારું આ ‘પંચાસ્તિકાય’ તે જિન
પ્રવચનનો સાર છે, કેમકે જિન પ્રવચનમાં છ દ્રવ્યનો જ બધો વિસ્તાર છે. છ દ્રવ્યો અને તેના ગુણપર્યાયોમાં બધું
સમાઈ જાય છે; બંધમાર્ગ, મોક્ષમાર્ગ, હિત–અહિત, સુખ–દુઃખ, જીવ–અજીવ, સંસાર–મોક્ષ, ધર્મ–અધર્મ, એ બધું છ
દ્રવ્યોના વિસ્તારમાં આવી જાય છે.
છ દ્રવ્યોમાં, જીવાસ્તિકાય અનંતા છે, પુદ્ગલાસ્તિકાય પણ અનંતા છે, ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે એક
એક છે અને કાળ દ્રવ્ય અસંખ્ય છે. આ દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ પોતપોતામાં જ પરિપૂર્ણતા પામે છે, એકેક
જીવ કે એકેક પરમાણુ તે દરેક પોતપોતાના સ્વતંત્ર અસ્તિત્વથી પરિપૂર્ણ છે; કોઈના અસ્તિત્વનો અંશ બીજામાં નથી.
પોતપોતાના ગુણપર્યાયોસ્વરૂપ જેટલું અસ્તિત્વ છે તેટલી જ દરેક દ્રવ્યની સીમા છે, તેટલું જ તેનું કાર્યક્ષેત્ર છે, કોઈ પણ
દ્રવ્ય પોતાના અસ્તિત્વની સીમાથી બહાર કાંઈ કાર્ય કરી શકે નહીં, અને બીજાના કાર્યને પોતાના અસ્તિત્વની સીમામાં
આવવા દે નહીં, આવો જ વસ્તુનો સ્વભાવ છે, ને સર્વજ્ઞ ભગવાન અર્હંતદેવે તે પ્રસિદ્ધ કર્યો છે.
હે જીવ! તારા હિત–અહિતનું કર્તવ્ય તારામાં જ છે; તારાથી ભિન્ન એવા પાંચ અજીવ દ્રવ્યોમાં કે અન્ય