આસોઃ ૨૪૮૪ઃ ૯ઃ
જીવોમાં ક્યાંય તારું હિત–અહિત નથી; તું જ પોતે તારા હિત–અહિતરૂપ કાર્યનો કર્તા છે, કોઈ બીજો તારા હિત–
અહિતનો કર્તા નથી–તો હવે તારે પોતે પોતાનું અહિત ક્યાં સુધી કરવું છે!! અત્યાર સુધી તો અજ્ઞાનથી પરને હિત–
અહિતના કર્તા માનીને તેં તારું અહિત જ કર્યું. પણ હવે તો, ‘મારા હિત–અહિતનો કર્તા હું પોતે જ છું, મારું અહિત
ટાળીને હિત કરવાની તાકાત મારામાં જ છે’ એમ સમજીને તારું હિત કરવા માટે તું જાગૃત થા. પરના અસ્તિત્વથી
તારા અસ્તિત્વની અત્યંત પૃથકતા જાણીને, પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ તરફ વળ.–આ જ જિનપ્રવચનનો અને સંતોનો
ઉપદેશ છે, ને આ જ મોક્ષનો ઉપાય છે.
હે જીવ! તારું અસ્તિત્વ તારામાં, ને બીજાનું અસ્તિત્વ બીજામાં; તારા હિતને માટે તારે બીજાની સામે જોવું પડે
કે બીજાની ખાતર તારે રોકાવું પડે એમ નથી.
પ્રશ્નઃ– બીજાનું તો ઠીક, પણ આ દેહની સંભાળ ખાતર તો રોકાવું પડે ને?
ઉત્તરઃ– ભાઈ, દેહનું અસ્તિત્વ પુદ્ગલમાં, ને તારું અસ્તિત્વ તારામાં; તું સંભાળ રાખ તો દેહનું અસ્તિત્વ ટકે
એમ નથી. જીવનું અસ્તિત્વ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં છે, દેહમાં નહિ; અને દેહનું અસ્તિત્વ અજીવ–પરમાણુઓમાં છે,
જીવમાં નહિ. કોઈને લીધે કોઈનું અસ્તિત્વ નથી, તો પછી બીજાને ખાતર રોકાવું પડે એ વાત ક્યાં રહી?
અરે, કર્મને લીધે રોકાવું પડે એમ પણ નથી....કર્મનું અસ્તિત્વ પુદ્ગલમાં છે, ને જીવનું અસ્તિત્વ જીવમાં છે;
રાગનું અસ્તિત્વ પણ જીવમાં છે. જીવ અને કર્મ બંનેનું અસ્તિત્વ જ ભિન્ન છે, કોઈને કારણે કોઈનું અસ્તિત્વ નથી.
આ રીતે પંચાસ્તિકાયને ભિન્ન ભિન્ન જાણીને, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવા નિજ આત્માને જુદો તારવવો; તેની
મુખ્યતા–પ્રધાનતા કરીને, તેનો મહિમા ચિંતવીને, તેના તરફ ઝૂકવું. આ જગતના અનંત દ્રવ્યોમાં શુદ્ધજ્ઞાનરૂપ નિજ
આત્મા તે જ હું છું, એના સિવાય બીજું કાંઈ મારું નથી–એમ નિશ્ચય કરીને તેવો અનુભવ કરવો. જગતના બધા સત્
પદાર્થોની સત્તા સ્વીકારીને સ્વકીય ચૈતન્યસત્તાનું શરણું લેવાની આ વાત છે. જગતના પદાર્થોને જાણી–જાણીને શું
કરવું?–કે પોતાના ચૈતન્યસ્વભાવનું શરણ કરવું, તેનો આશ્રય કરવો.
જગતમાં છ પ્રકારનાં દ્રવ્યો;
તેમાં એક જીવ, પાંચ અજીવ;
જીવો અનંત, તે દરેક જ્ઞાનસ્વરૂપ;
તેમાં પોતાનો આત્મા ભિન્ન, જ્ઞાનસ્વરૂપ.
–આ પ્રમાણે પોતાના આત્માને જગતથી જુદો નક્કી કરવો; કેવા સ્વરૂપે નક્કી કરવો?–કે વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવ સ્વરૂપે નક્કી કરવો.
જીવના અસ્તિત્વના બે પડખાં; દ્રવ્ય અને પર્યાય; તેમાં દ્રવ્ય તો શુદ્ધ એકરૂપ છે, પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા બંને
હોય છે. પ્રથમ શુદ્ધ દ્રવ્યસ્વભાવનો નિર્ણય કરાવ્યો કે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપે પોતાના આત્માને નક્કી કરવો, શુદ્ધ
દ્રવ્યસ્વરૂપનો નિર્ણય કરાવ્યા પછી, પર્યાયમાં જે વિકાર છે તેનું પણ જ્ઞાન કરાવે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તે તો
અનારોપિત–અસલી સ્વભાવ છે, ને વિકાર તો આરોપિત વિભાવ છે. શુદ્ધ દ્રવ્યના નિર્ણય વગર આરોપિત એવા
વિકારનું જ્ઞાન થતું નથી.
જો શુદ્ધ સ્વરૂપના જ્ઞાન વગર એકલા વિકારને જાણવા જાય તો તે વિકારને જ નિજ અસલી સ્વરૂપ માની લ્યે,
એટલે સાચું જ્ઞાન થાય નહી. જેમ નિજ જીવને જાણ્યા વગર છ દ્રવ્યો જણાતા નથી, જેમ ઉપાદાનને જાણ્યા વગર
નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, જેમ નિશ્ચય વગર ખરો વ્યવહાર હોતો નથી, તેમ શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર એકલા
વિકારનું યથાર્થ જ્ઞાન થતું નથી, આ મોટો સિદ્ધાંત છે.
જેમ ઉષ્ણતા વખતે પણ પાણીમાં ઠંડો સ્વભાવ છે, તેમ પર્યાયમાં વિકાર વખતે પણ આત્મામાં શુદ્ધ નિર્વિકારી
ચૈતન્યસ્વભાવ છે, એમ સર્વજ્ઞદેવે કહ્યું છે.
પ્રશ્નઃ– તે સ્વભાવનો નિર્ણય કઈ રીતે થાય?
ઉત્તરઃ– તે સ્વભાવ તરફના જ્ઞાનથી જ તેનો નિર્ણય થાય છે. જેમ ઉષ્ણતા વખતે પાણીમાં ઠંડો સ્વભાવ છે તે
સ્વભાવ હાથ–પગ કે આંખ–કાન–નાક–જીભ વગેરે ઇન્દ્રિયોથી જણાતો નથી, તેમજ આકુળતા–રાગ–દ્વેષ–સંકલ્પ–
વિકલ્પવડે પણ તેનો નિર્ણય થતો નથી, પણ પાણીના સ્વભાવ સંબંધી જ્ઞાનવડે જ તેનો નિર્ણય