Atmadharma magazine - Ank 181
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 27

background image
કારતકઃ ૨૪૮પઃ ૯ઃ
જ શરણભૂત સમજીને તેની ભાવના કરવા જેવું છે. આ સંસારના દુઃખથી જેને થાક લાગ્યો હોય તે અંતરમાં
ચૈતન્યના શરણને શોધે.
જેમ જંગલમાં સિંહના મુખમાં પડેલા સારંગને કોઈ રક્ષક નથી, તેમ મૃત્યુના મુખમાં પડેલા જીવને પણ
સંસારમાં કોઈ રક્ષક નથી. જેમ સિંહના મુખમાં પડેલું હરણીયું અશરણપણે મરે છે, તેમ શરણભૂત એવા
ચૈતન્યસ્વભાવની જેણે દરકાર કરી નથી, તેનું લક્ષ પણ કર્યું નથી, એવા જીવો મૃત્યુરૂપી સિંહના મુખમાં પડતાં
અશરણપણે મરે છે. જ્યાં કાળ પૂરો થયો ત્યાં કોણ શરણ થાય તેમ છે? અંદરમાં જે શરણ છે તેને તો જાણ્યું
નથી, ને બહારમાં શરણ માન્યું છે, પરંતુ બહારમાં કોઈ એક ક્ષણ પણ શરણભૂત થાય તેમ નથી. અરે, મોટા
મોટા રાજાઓ પણ જંગલમાં અશરણપણે મરે છે,–મરતાં મરતાં પાણી પણ નથી મળતું; અને કદાચિત મરણ
ટાણે આસપાસ સગાંવહાલાં ઊભા હોય ને બધી જાતની અનુકૂળતા હોય તોપણ મરનાર જીવને તે કોઈનું શરણ
નથી. જીવને શરણરૂપ તો શુદ્ધ રત્નત્રય જ છે. અહીં મરણ વખતનો તો દાખલો આપ્યો છે, પરંતુ મરણની જેમ
જીવતાં પણ જીવને કોઈ બીજું શરણભૂત નથી.–આમ જાણીને, વીજળીના ઝબકારા જેવા આ મનુષ્યજીવનમાં
ભેદજ્ઞાન કરીને શુદ્ધઆત્મસ્વભાવનું શરણ પ્રાપ્ત કરી લ્યો, એવો સંતોનો ઉપદેશ છે.
મરતા મનુષ્યને બચાવવા માટે તીવ્ર મોહને લીધે કેટલાક જીવો કુદેવાદિની માનતા પણ કરે છે; પરંતુ અરે
ભાઈ! મરતા મનુષ્યને જો કોઈ મૃત્યુથી બચાવી શકતું હોત તો તો જગતમાં કોઈ મરત જ નહીં. કોઈ દેવ, મંત્ર–
મંત્ર કે ક્ષેત્રપાલ વગેરે જો મૃત્યુ પામતા મનુષ્યની રક્ષા કરી શકતા હોત તો મનુષ્યો અક્ષય થઈ જાત! પરંતુ એ
કોઈ જીવને મૃત્યુથી બચાવી શકે તેમ નથી. મૃત્યુથી બચવાનો ઉપાય તો એક જ છે કે દેહરહિત એવા સિદ્ધપદની
આરાધના કરવી. આ ઉપાય સિવાય મૃત્યુથી બચવા માટે દોરા–ધાગા કરાવવા કે કુદેવાદિની માનતા કરવી તે તો
તીવ્ર મૂઢતા છે, સર્વજ્ઞનો ખરો ભક્ત કુદેવાદિને માને નહિ, તેમજ દોરાધાગા કરે નહિ. ભાઈ! દેહની ચિંતા છોડને
ચૈતન્યનું ચિંતન કર, એ જ તને શરણ છે. દેહ તો તારાથી જુદો જ છે, તે તો તેના કાળે ચાલ્યો જશે, તેમાં કાંઈ
તારું, શરણ નથી. રત્નત્રય ધર્મ જ અમરપદને દેનાર અમરફળ છે, એના સિવાય જીવને મરણથી બચાવનાર
બીજું કોઈ અમરફળ જગતમાં નથી.
ભલે અતિ બળવાન હોય, ભયંકર હોય ને અનેક પ્રકારના ઉપાયોથી રક્ષા કરવામાં આવતો હોય, છતાં
પણ આ સંસારમાં મરણ વગરનું કોઈ દેખાતું નથી. મજબૂત કિલ્લો, અંગરક્ષકો કે શસ્ત્ર વગેરે દ્વારા મરણથી રક્ષા
થઈ શકતી નથી, પણ જો જ્ઞાનસ્વભાવનું રક્ષણ લ્યે તો તે જ્ઞાનસ્વભાવ સ્વતઃ રક્ષિત જ છે, તેની રક્ષા માટે
બીજા કોઈની જરૂર પડતી નથી, તેમજ તેમાં મૃત્યુનો પ્રવેશ નથી. આ સિવાય બીજા કુદેવાદિ પોતે જ જ્યાં
અશરણ છે ત્યાં તેઓ બીજાની શું રક્ષા કરશે? ભાઈ, તારા આત્માની ખરી રક્ષા કરવા માટે ઉપયોગને અંતરમાં
વાળીને, શુદ્ધોપયોગરૂપી એવો ગઢ રચ, કે દેહમાં લાખો વીંછી કરડે તોય ચૈતન્યમાં વેદના પ્રવેશી ન શકે,
ચૈતન્યનું શરણ છૂટે નહિ, ને આત્માનું ભાવમરણ થાય નહિ. ‘અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ એ વ્યવહારથી
છે, અને નિશ્ચયથી તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ જ શરણ છે.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
(શ્રીમદ્ રાજચંદ્રઃ અશરણ ભાવના)
અંતમુર્ખ થઈને જેણે રત્નત્રય ધર્મ પ્રગટ કર્યો તેણે જ અરિહંત–સિદ્ધ વગેરેનું ખરું શરણ લીધું.
જુઓ, આ અશરણ ભાવના! અશરણભાવના પણ ચૈતન્યસ્વભાવના શરણે જ ભવાય છે.
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ વગર એકેય ભાવના સાચી હોતી નથી. ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક ભાવવામાં આવતી આ
વૈરાગ્ય ભાવનાઓ ભવિક જીવોના હૃદયમાં આનંદ ઉપજાવનારી છે. જેણે આ વૈરાગ્યભાવનારૂપી બખ્તર પહેર્યું તેને
જગતની કોઈ પ્રતિકૂળતા નડે નહિ; વૈરાગ્ય ભાવનાવડે ઉપયોગને અંતરમાં વાળીને પોતાના આત્માની રક્ષાનો
એવો ગઢ કર્યો–કે જેમાં અણુબોંબ વગેરે તો શું, પણ કોઈ પરભાવો પણ પ્રવેશી શકે નહિ. આ સિવાય બહારમાં જે
શરણને શોધે છે તે જીવ અજ્ઞાની છે.