ન્યાયવૃત્તિ વગેરે શુભપરિણામો હોવા છતાં તેને બહારમાં અગવડતા પણ જોવામાં આવે છે. તેનું કારણ?
વર્તમાન જે પુણ્યભાવ છે તે કારણ, ને પ્રતિકૂળતા તેનું કાર્ય–એવો કારણકાર્યનો મેળ નથી. વર્તમાન
શુભપરિણામ હોવા છતાં તેને જે પ્રતિકૂળ સંયોગો દેખાય છે તે તો પૂર્વના કોઈ પાપનું ફળ છે. આ રીતે
બહારનો સંયોગ તો પૂર્વના પુણ્ય–પાપને આધીન છે, જીવની વર્તમાન ઈચ્છાને આધીન તે સંયોગ નથી.
પરંતુ અહીં હવે એમ બતાવવું છે કે બાહ્ય સંયોગને આધીન જીવનો ધર્મ નથી; બહારનો અનુકૂળ સંયોગ
હો કે પ્રતિકૂળ હો, પરંતુ ચૈતન્ય સ્વભાવમાં અંતર્મુખ એકાગ્રતાવડે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરવા તે ધર્મની ક્રિયા છે; તે ક્રિયા જીવની સ્વતંત્ર સ્વભાવભૂતક્રિયા છે. ધર્મી જીવ આવી સ્વભાવક્રિયાનો
કર્તા થાય છે. અજ્ઞાની જીવ આત્મવિદ્યાને ભૂલીને વિકારી ક્રિયાનો કર્તા થાય છે, તે અધર્મની ક્રિયા છે,
તેનો અહીં મોક્ષમાર્ગમાં નિષેધ છે.
વિદ્યા કહો, તેમાં અતીન્દ્રિય આનંદ છે, ને તે જ મોક્ષના કારણરૂપ ક્રિયા છે. પુણ્યની ક્રિયા તે તો વિકારી
ક્રિયા છે, તેમાં આકુળતા છે, બંધન છે, તેનું ફળ સંસાર છે. પરંતુ અજ્ઞાનીઓ બાહ્ય દ્રષ્ટિથી પુણ્યની
ક્રિયાને જ દેખે છે ને તેને જ તેઓ મોક્ષમાર્ગ માને છે, અંતરની નિર્વિકારી જ્ઞાનક્રિયાને તેઓ જાણતા
નથી. જેમ ખીલે બાંધેલી ભેંસ કૂદાકૂદ કરતી હોવા છતાં ખીલો તો ધરબાયેલો સ્થિર છે; ત્યાં સાધારણ
જનો ભેંસની કૂદાકૂદ દેખીને તેનું જોર દેખે છે, પણ ભેંસ કૂદાકૂદ કરતી હોવા છતાં ખીલો સ્થિર છે, તેનું
જોર ભેંસ કરતાં વિશેષ છે. એમ વિચક્ષણ પુરુષ દેખે છે; તેમ અજ્ઞાનીઓ બહારની કૂદાકૂદ જેવી શરીરની
ક્રિયાને કે શુભપરિણામને જ દેખીને તેને ધર્મની ક્રિયા માને છે; પણ દેહથી પાર ને રાગથી પણ પાર એવી
ચૈતન્યક્રિયાને તેઓ દેખતા નથી. ધર્મી જીવ અંતરમાં દેહથી પાર ને રાગથી પાર એવી સ્થિર
જ્ઞાનક્રિયારૂપે પરિણમે છે તે ધર્મ છે. ધર્મમાં અતીન્દ્રિય આનંદનું વેદન છે, તે આત્મરસ છે. અજ્ઞાની
અનાદિથી બાહ્ય રસમાં સુખ માનીને વિકારરસને વેદી રહ્યો છે, પણ અંતરના અતીન્દ્રિય આનંદરૂપ
આત્મરસનું તેને વેદન નથી. આત્મરસના વેદન વગર અનંતકાળના દુઃખરૂપ ભૂખ ભાંગે નહિ, ને
આત્માની શાંતિ થાય નહીં. જગતમાં અનાદિથી ચૈતન્યવિદ્યા સાધનારા સંતો થતા આવ્યા છે, તેઓ
ચૈતન્ય વિદ્યાવડે પોતાની પૂર્ણાનંદદશાને સાધીને મુક્ત થાય છે. તેઓએ ચૈતન્ય વિદ્યા જેમ છે તેમ
જગતને બતાવી, ને જે પાત્ર જીવો હતા તેઓ પોતાની પાત્રતા અનુસાર સમજ્યા. જેઓ સમજ્યા તેમણે
પોતાનું હિત સાધ્યું, પરંતુ બીજાને સમજાવી દેવાની કોઈની તાકાત નથી. જગતના જીવો સ્વાધીન છે, –
સમજીને તરે કે અજ્ઞાનથી રખડે તે બંનેમાં તે સ્વતંત્ર છે, કોઈ તેને રખડાવે કે બીજો કોઈ તેને તારે–એવી
પરાધીનતા નથી. ભાઈ, આવો મનુષ્ય અવતાર પામીને તારી આત્મવિદ્યા શીખ, કે જે વિદ્યાથી તારું
વહાણ આ ભવસાગરથી પાર ઉતરે. બહારની ક્રિયાઓ તો તારાથી ભિન્ન છે, ને રાગાદિ વિકારી ક્રિયામાં
પણ તારી શાંતિ નથી. તારી શાંતિ તારી ચૈતન્યક્રિયામાં છે. માટે તારા ચિદાનંદ સ્વભાવને તું ઓળખ.
તારા આત્માને સમજવાની તારામાં તાકાત ન હોય–એ કેમ બને? તારા આત્માને સમજવાની તારામાં
તાકાત છે, અને તારી તે તાકાત જાણીને જ સંતો તને તેનો ઉપદેશ આપે છે, માટે હે ભાઈ! આવો દુર્લભ
મનુષ્ય અવતાર પામ્યો તેમાં સત્સમાગમે તારી આત્મશક્તિનો વિશ્વાસ કરીને, આત્માને સમજવાનો
ઉદ્યમ કર....ચૈતન્ય વિદ્યાવડે આત્મસ્વરૂપની સમજણ કરવાથી ભવભ્રમણનો અંત આવશે ને અપૂર્વ
અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. અંતરની આવી આત્મવિદ્યા તે જ ધર્મની ક્રિયા છે, તે જ મોક્ષનું કારણ છે,
મોક્ષને માટે ભગવાને તે ક્રિયા ઉપદેશી છે.