Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૯ :
દ્રવ્ય–ક્ષેત્ર ને કાળ–ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો....
જુઓ, આ મોક્ષના કારણરૂપ મુનિદશા! આવી મુનિદશા થયા પહેલાંં ભગવાન આદિનાથ રાજપાટમાં
હતા, તેમને બે રાણીઓ પણ હતી અને ભરત–બાહુબલી વગેરે એક સો પુત્રો પણ હતા, છતાં તે વખતે આત્માનું
ભાન પણ વર્તતું હતું. ભગવાન જાણતા હતા કે અમારા આ રાગને લીધે અમે સંસારમાં રહ્યા છીએ, કોઈ પરને
કારણે કે પરમાં સ્વપ્નેય સુખ માનીને અમે સંસારમાં નથી રહ્યા. અમે જ્યારે આ રાગ છેદીને ચાલી નીકળશું
ત્યારે અમને કોઈ રોકનાર નથી. આ રાગને લીધે અટક્યા છીએ, જ્યારે આ રાગ છેદીને ચારિત્રદશા અંગીકાર
કરશું ત્યારે જ કેવળજ્ઞાન પામશું.–ભગવાને આજે રાગ છેદીને ચારિત્રદશા અંગીકાર કરી.
અહા, જ્યાં મોહને છેદીને આત્મા ચાલી નીકળ્‌યો ને મુનિ થઈને અંતરના અનુભવમાં લીન થયો, ત્યાં
પાછળ સંસારમાં શું થાય છે એની એને દરકાર હોતી નથી. ઈન્દ્ર કરતાંય અધિક સિદ્ધિરિદ્ધિ ચરણમાં આળોટતી
હોય તોય તેની આકાંક્ષા થતી નથી. કેમકે–
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો....
‘કેવળજ્ઞાન પામશું.... પામશું.... પામશું!’
ભગવાનને પૂર્ણ નિઃશંકતા હતી કે મોહને છેદીને અમે મુનિ થયા....હવે ચૈતન્યમાં એકાગ્ર થઈને આ જ
ભવે કેવળજ્ઞાન પામશું....પામશું....ને પામશું....(હજારો શ્રોતાજનોએ અત્યંત ઉત્સાહથી હર્ષપૂર્વક આ વાત ઝીલી
હતી)
અહીં ભાવભીની ભાવનાથી ગુરુદેવ કહે છે કે–
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો;
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો;
લીંબડી શહેરમાં પંચકલ્યાણક વખતે, ભગવાનની દીક્ષા બાદ દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું આ પ્રવચન ચાલી
રહ્યું છે; ગુરુદેવ અદ્ભુત વૈરાગ્યપૂર્વક ચારિત્રદશાના મહિમાનું ઝરણું વહેવડાવી રહ્યા છે:
ભગવાનનો ખરો ભક્ત
ભગવાનની ખરી ભક્તિ કરનાર જીવ, ભગવાને જેમ કર્યું
તેમ પોતે કરવા માંગે છે. હે ભગવાન સર્વજ્ઞદેવ! આપે આપના
આત્માને જ્ઞાયક સ્વભાવી જ જાણીને પરનું મમત્વ છોડી દીધું
ને આપ પરમાત્મા થયા.... મારો આત્મા પણ આપના જેવો
જ્ઞાયક સ્વભાવી જ છે–આમ જે જીવ ભગવાન જેવા પોતાના
આત્માને ઓળખે તે જ ભગવાનનો ખરો ભક્ત છે, તેણે જ
ભગવાનને ઓળખીને ભગવાનની ખરી ભક્તિ કરી છે.