Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
સંતો આત્મપ્રાપ્તિના આશીર્વાદ આપે છે
હે જીવો! ભેદજ્ઞાનવડે સ્વતત્ત્વને પામીને આજે જ
તમે પરમ આનંદરૂપે પરિણમો.
[મુંબઈ નગરીમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ નિમિત્તે, તેમજ દક્ષિણના
બાહુબલિ ભગવાન વગેરે તીર્થધામોની સસંઘ યાત્રાનિમિત્તે પૂ. ગુરુદેવે સોનગઢથી પોષ
સુદ છઠ્ઠના રોજ પ્રસ્થાન કર્યું તેની પહેલાંંનું (પોષ સુદ પાંચમનું) ભાવભીનું પ્રવચન.]
આત્મા કોણ છે અને તે કઈ રીતે પમાય?–તે બતાવીને, હવે આ પ્રવચનસાર પૂરું કરતાં આચાર્યદેવ કહે
છે કે હે જીવો! આવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અંતર્મુખ થઈને આજે જ અનુભવો. હું એક સુવિશુદ્ધ
ચૈતન્યસ્વભાવ આત્મા છું–એમ આજે જ તમે અનુભવો.... ચૈતન્યના અનુભવથી આજે જ પરમ આનંદરૂપે
પરિણમો.
ચૈતન્યરૂપ સ્વતત્ત્વને ચૂકીને, બાહ્ય પદાર્થો સાથેની મૈત્રીથી જીવને અનાદિથી સંસારભ્રમણ થઈ રહ્યું છે.
તે સંસારભ્રમણથી કેમ છૂટવું–તે બતાવતાં આચાર્ય ભગવાન કહે છે કે તમારા ચૈતન્યતત્ત્વને સમસ્ત પરદ્રવ્યોથી
ભિન્ન જાણીને, એકલા સ્વદ્રવ્ય સાથે જ મૈત્રી કરો....ને પરદ્રવ્યની મૈત્રી છોડો....તેની સાથેની એકતાબુદ્ધિ છોડો....
તેનો આશ્રય છોડો....સ્વદ્રવ્યનો આશ્રય કરીને આજે જ પરમાનંદરૂપે પરિણમો....
આહ્લાદપૂર્વક આચાર્યદેવ કહે છે કે : અમે તો ચૈતન્યના પરમ આનંદને પ્રાપ્ત કર્યો છે....ને જગત પણ
આજે જ ચૈતન્યને અનુભવીને પરમાનંદરૂપે પરિણમો....
શાસ્ત્ર પૂરું કરતાં આચાર્યપ્રભુ આશીર્વાદ આપે છે: –કોને? જગતમાં જે કોઈ જીવ આ વાત ઝીલે તેને!
જગતના આત્માર્થી જીવોને આચાર્યદેવના આશીર્વાદ છે કે હે જીવો! તમે તમારા પરમાનંદને પામો. અમે જે
ઉપાય કહ્યો તે ઉપાયથી તમે જરૂર પરમાનંદને પામશો જ.
કલશદ્વારા આચાર્યદેવ કહે છે કે આનંદથી ઉલ્લસતા એવા આ સ્વતત્ત્વને જિનશાસનના વશે
પામો....ચૈતન્યતત્ત્વ કેળવજ્ઞાનરૂપી સરિતામાં ડૂબેલું છે, ને આનંદના પૂરથી તે કેવળજ્ઞાન સરિતા ભરેલી છે;
એટલે કે ચૈતન્યતત્ત્વ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલું છે....તેને અંતર્મુખ થઈને હે જીવો! તમે આજે જ
પામો....ભગવાન સર્વજ્ઞદેવના માર્ગની આરાધના કરવાથી જ્ઞાનાનંદસ્વરૂપ ઉલ્લસતા સ્વતત્ત્વની પ્રાપ્તિ થાય
છે....હે જીવો....આ શાસ્ત્રદ્વારા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને, એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને
‘આજે’ અવ્યાકુળપણે નાચો. ....આજે જ પરમ આનંદરૂપે પરિણમો. સ્વ–પરની એકતાબુદ્ધિ કરીને મોહથી ન
નાચો.... પરંતુ સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને આનંદથી નાચો.... આનંદરૂપે પરિણમો....
હવે છેલ્લા કલશમાં આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે.... અહો! ચૈતન્યતત્ત્વનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો
ઉપાય અમે અમંદપણે–જોરથી–સ્પષ્ટપણે કહ્યું છે.... પરંતુ ચૈતન્યનો કોઈ પરમ અચિંત્ય મહિમા એવો છે કે તેની
પાસે તો આ બધું કથન “સ્વાહા....” થઈ જાય છે....એ ચૈતન્યતત્ત્વ વચન અને વિકલ્પથી અગોચર,
સ્વાનુભવગમ્ય છે. આવા પરમ મહિમાવંત ચૈતન્યતત્ત્વને ચૈતન્યવડે જ (–રાગ–વડે કે વચનવડે નહિ પણ
ચૈતન્યવડે જ) આજે જ અનુભવો....‘પછી કરશુ’ એમ વિલંબ ન કરો, પણ આજે જ અનુભવો. લોકમાં આ
ચૈતન્યતત્ત્વ જ પરમ ઉત્તમ છે, આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી; માટે આવા સ્વતત્ત્વને ઉગ્રપણે આજે જ
અનુભવો....
સ્વતત્ત્વ પ્રાપ્તિ પંથદર્શક સંતોને નમસ્કાર હો!