ભૂલીને, ઈન્દ્રિયાધીન પોતાનું જ્ઞાન ને સુખ માને છે ત્યારે જીવ પરાધીન
થઈને અજ્ઞાન અને દુઃખરૂપે પરિણમે છે; તેથી પરાધીન એવું તે ઈન્દ્રિયજ્ઞાન
અને ઈન્દ્રિયસુખ હેય છે, નિંદનીય છે. અને જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થઈને
જ્યારે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે અતીન્દ્રિય–સ્વાધીન આનંદ
પ્રગટે છે, તેથી સ્વાધીન એવું તે અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખ
ખરેખર ઉપાદેય છે, પ્રશંસનીય છે.
વિષયભૂત બાહ્યપદાર્થોમાં તો તારું સુખ ક્યાંંથી હોય? બાહ્ય પદાર્થોમાં
જોડાતું જ્ઞાન તો આકુળ–વ્યાકુળ દુઃખનું જ સાધન છે, માટે બાહ્યવિષયોમાંથી
સુખ મેળવવાના ઝાંવા છોડી દે....ને ઉપયોગને અંતર્મુખ કરીને
નિજસ્વરૂપમાં જોડ, તો તને તારા સ્વભાવના અતીન્દ્રિયસુખનું સંવેદન થશે.
આ રીતે નિજસ્વરૂપમાં જોડેલો અતીન્દ્રિય ઉપયોગ તે જ સુખ છે.
ઈન્દ્રિયાધીન થઈને બાહ્યવિષયોમાં ભટકતો ઉપયોગ તે આકુળતામય
દુઃખનો ઉત્પાદક છે.
રસનાઈન્દ્રિયને આધીન થયેલ જ્ઞાન જડના સ્થૂળ રસને માંડ માંડ જાણી શકે
છે, પણ ચૈતન્યના આનંદરસનો સ્વાદ કેવો છે તેને જાણવાની તાકાત
તેનામાં નથી; એ જ રીતે સ્પર્શેન્દ્રિયને આધીન થયેલ જ્ઞાન બહુ તો જડ
પદાર્થોના મૂર્તસ્પર્શને જાણે છે પણ અતીન્દ્રિય આત્માને સ્પર્શવાની–
અનુભવવાની તેનામાં તાકાત નથી. આવું બાહ્ય મૂર્તવિષયોમાં જ ભટકતું
પરાધીન ઈન્દ્રિયજ્ઞાન આત્માના અતીન્દ્રિયસુખનું સાધન કેમ બની શકે? ન
જ બની શકે; આ રીતે આત્માના સુખનું સાધન નહિ થતું હોવાથી પરાધીન
એવું ઈન્દ્રિયજ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, નિંદનીય છે, હલકી
કોટીનું છે, તેથી તે હેય છે. અને આત્માના અંર્તસ્વભાવમાં વળીને
સ્વાધીનપણે વર્તતું અતીન્દ્રિયજ્ઞાન તે જ પરમ સુખના સાધનભૂત હોવાથી
ખરેખર જ્ઞાન છે, તે જ પ્રશંસનીય છે, ઉત્તમ છે, અને ઉપાદેય છે.