ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
વૈરાગ્ય સમાચાર
શ્રી હુકમીચંદજી શેઠનો સ્વર્ગવાસ
જૈનસમાજના સુપ્રસિદ્ધ મહાન નેતા, પૂ. ગુરુદેવના ખાસ ભક્ત
અને સોનગઢ–સંસ્થા પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવનાર સર શેઠ હુકમીચંદજી
સાહેબ (ઈન્દોર) ગત મહા વદ ત્રીજના રોજ ૮પ વર્ષની વયે ઈંદોરમાં
સ્વર્ગવાસ પામ્યા છે. જૈનધર્મની ઉન્નતિ માટે તેમને ઘણો પ્રેમ હતો; ને
પૂ. શ્રી કાનજીસ્વામી દ્વારા થઈ રહેલી જૈનધર્મની મહાન પ્રભાવના
દેખીને તેઓ ખૂબ જ ઉત્સાહિત અને પ્રભાવિત થયા હતા, એટલું જ
નહિ ત્રણ વખત સોનગઢ આવીને તેમણે પોતાનો ઉત્સાહ અને ગુરુદેવ
પ્રત્યેની ભક્તિ વ્યક્ત કર્યા હતા, તથા સોનગઢ સંસ્થાને ૭પ૦૦૦ રૂા.
ઉપરાંતની સહાય કરી હતી. તેમના સ્વર્ગવાસથી સારાય જૈનસમાજમાં
તેમજ આખી ઈંદોરનગરીમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી,
તેમના માનમાં ઈંદોરમાં સંપૂર્ણ હડતાલ પડી હતી. તેમના સ્વર્ગવાસના
સમાચાર યાત્રાસંઘને મૂળબિદ્રી મુકામે મળ્યા હતા. તે સમાચારથી
સંઘના યાત્રિકોમાં આઘાત અને વૈરાગ્યની લાગણી છવાઈ ગઈ હતી.
વિદ્વાનો સાથે તત્ત્વચર્ચાનો તેમજ શાસ્ત્રસ્વાધ્યાયનો તેમને ઘણો પ્રેમ
હતો. જૈનસમાજની પ્રીતિના સંસ્કાર તેમને આત્મહિતના પંથમાં આગળ
વધારીને, તેમને આત્માનું શાશ્વતસુખ પમાડો.......એવી જિનેન્દ્રદેવ પાસે
પ્રાર્થના કરીએ છીએ.
સ્વ. શેઠ શ્રી હુકમીચંદજી સાહેબના સુપુત્ર ભૈયાસાહબ શ્રી
રાજકુમારસિંહજી પણ તત્ત્વ સમજવાના રસિક છે અને પૂ ગુરુદેવ પ્રત્યે
ખાસ ભક્તિભાવ ધરાવે છે.....તેમના પિતાજીની માફક તેઓ પણ
સદ્ધર્મની રુચિમાં આગળ વધીને જૈન શાસનને શોભાવો–એવી
ભાવના ભાવીએ છીએ.
સંસારની સ્થિતિ જ સંયોગ–વિયોગરૂપ છે, સંયોગોનો વિયોગ
થયા વગર રહે જ નહિ. આવા સંયોગ–વિયોગરૂપ અસ્થિર સંસારમાં
એક જિનશાસન જ શરણ છે; એ જિનશાસનની પ્રીતિના વશે
ચિદાનંદસ્વરૂપની આરાધના કરવી તે જ આ અસ્થિર સંસારભ્રમણથી
છૂટીને ધ્રુવસિદ્ધપદ પામવાનો ઉપાય છે....ને એ જ મનુષ્ય અવતારમાં
કર્તવ્ય છે. બાકી તો–
“રાજા રાણા છત્રપતિ હાથિન કે અવસાર,
સબ કો જાના એક દિન, અપની અપની વાર”
–આમ સમજીને, અને ઉપરાઉપરી બનતા આવા પ્રસંગો દેખીને
આત્માર્થી જીવોએ પોતાના આત્માનું હિત શીઘ્ર સાધી લેવા માટે કટિબદ્ધ
થઈને નિરંતર તેના પ્રયત્નમાં ઉદ્યમવંત રહેવું જોઈએ.
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર