Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 31

background image
(ફાગણ સુદ ૧૨ ના રોજ સોલાપુરમાં ગુરુદેવના પ્રવચનમાંથી)
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે; તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ભરત ક્ષેત્રમાં લગભગ સં. ૪૯
માં વિચરતા હતા, નિર્વિકલ્પ શાંતિનું વેદન કરતા હતા. તેઓ પોન્નુર પહાડી ઉપર ધ્યાન કરતા હતા–હમણાં
તેની યાત્રા કરી આવ્યા. તે કુંદકુંદાચાર્યદેવ મહાસમર્થ અને ઋદ્ધિધારક સંત હતા. તે વખતે તીર્થંકરનો અહીં વિરહ
હતો.....વિદેહ ક્ષેત્રે સીમંધર પરમાત્મા સાક્ષાત્ બિરાજતા હતા–ને અત્યારે પણ તે ભગવાન બિરાજે છે.
કુંદકુંદાચાર્યદેવ અહીંથી વિદેહ ક્ષેત્રે સીમંધર ભગવાન પાસે ગયા હતા. મદ્રાસમાં પં. મલ્લિનાથજી કહેતા હતા કે
આ પોન્નુર ક્ષેત્રથી તેઓ વિદેહ ગયા હતા અને ત્યાંથી આવીને પછી આ સમયસાર વગેરે મહાન શાસ્ત્રો રચ્યા
હતા. આ રીતે સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા પાસેથી સાંભળેલું ને કુંદકુંદાચાર્યદેવે પોતે અનુભવીને કહેલું એવું આ
સમયસાર શાસ્ત્ર છે, તેની ૧૭–૧૮ મી ગાથા વંચાય છે.
આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પ્રયત્ન વડે તારા આત્માની શ્રદ્ધા કર, તેનું જ્ઞાન કર ને
તેમાં જ એકાગ્રતાવડે તેનું અનુસરણ કર. પૂર્વે અનંતકાળમાં એક ક્ષણ પણ તેં તારા શુદ્ધ આત્માનું સેવન
કર્યું નથી; શુદ્ધ આત્માના ભાન વગર પુણ્ય–પાપ વિકારનું સેવન કરીને તું ચાર ગતિના અવતારમાં
પરિભ્રમણ કરી રહ્યો છે.
આત્મા ત્રિકાળી સત્ પદાથ છે; તેનો કોઈ કર્તા નથી. જે વસ્તુ સત્ છે તેનો કર્તા કોણ હોય? અને
જે વસ્તુ સર્વથા હોય જ નહિ તેને પણ કોણ કરે? આત્મા સત્ વસ્તુ છે તેનો કોઈ કર્તા નથી; તે સદાય
છે, છે ને છે. અત્યાર સુધી જીવ ક્યાં રહ્યો? જો પોતાના સ્વભાવને જાણીને સિદ્ધપદ પામી ગયો હોય તો
તેને સંસારમાં અવતાર ન હોય. પણ જીવ પોતાના સ્વભાવને ભૂલીને અત્યાર સુધી સંસારની ચાર
ગતિમાં રખડયો છે, ચારે ગતિમાં અનંત અવતાર તે કરી ચૂક્યો છે. તે ચાર ગતિના દુઃખથી જે છૂટવા
માંગતો હોય ને આત્માની શાંતિનો અનુભવ કરવા માંગતો હોય એવા મોક્ષાર્થી જીવને માટે આચાર્યદેવ
કહે છે કે–
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી પ્રયત્નથી ધન–અર્થીએ અનુસરણ નૃપતિનું કરે
જીવરાજ એમજ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુસરણ પછી યત્નથી મોક્ષાર્થીએ
જેમ ધનનો અર્થી પુરુષ રાજાને ઓળખીને પછી શ્રદ્ધાપૂર્વક તેનું સેવન કરે છે, તેમ જે મોક્ષનો અર્થી છે,
બીજી કોઈ ચીજનો અર્થી નથી, પુણ્યનો પણ અર્થી નથી, માત્ર મોક્ષનો જ અર્થી છે, તે જીવે શું કરવું? કે બધા
તત્ત્વોમાં ઉત્કૃષ્ટ એવા જીવ–રાજાને એટલે કે પોતાના શુદ્ધ આત્મસ્વભાવને બરાબર જાણીને પછી શ્રદ્ધાપૂર્વક તેનું
જ સેવન કરવું....તેના સેવનથી અવશ્ય શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે શુદ્ધાત્માની પ્રાપ્તિ
થતી નથી–એ નિયમ છે.
અંતરમાં મારે શાંતિ જોઈએ, જગતમાં બીજું કાંઈ મારે જોઈતું નથી–એમ જે જીવ આત્માર્થી છે–
મોક્ષાર્થી છે, એવા જીવની આ વાત છે. ધર્માત્મા ધનનો કે વૈભવનો અર્થી નથી. તે તો પોતાના આત્માના
મોક્ષનો જ અર્થી છે. તેને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તારા આત્મામાં જ તારી શાંતિ ભરી છે, તેમાં
અંતર્મુખ થઈને તેનું જ તું સેવન કર, બહારના પદાર્થોના સેવનથી તને શાંતિ નહિ મળે. જેમ કસ્તુરી
મૃગની ડૂંટીમાં જ સુંગધી ભરી છે પણ તે પોતાની સુંગધને ભૂલીને બહારમાં દોડી રહ્યું છે....તેમ
આત્માની પ્રભુતા આત્મામાં જ ભરી છે, પણ પોતાની પ્રભુતાને ભૂલીને બાહ્યવિષયોમાં કે રાગમાં
શાંતિને શોધે છે ને તેને પ્રભુતા આપીને તેનું સેવન કરે છે તેથી ચાર ગતિમાં રખડે છેે...... અહીં
આચાર્યદેવ કહે છેઃ હે જીવ! જો તું ખરેખર મોક્ષાર્થી હો તો તારા આત્માની પ્રભુતાને જાણીને તેનું જ
સેવન કર; તેના સેવનથી તને જરૂર તારા આત્માની શાંતિનું વેદન થશે.