આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક જેઠ
અંક ૮ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
આત્માને રાજી
કરવાની ધગશ
જગતના જીવોએ દુનિયા રાજી કેમ થાય અને
દુનિયાને ગમતું કેમ થાય–એવું તો અનંતવાર કર્યું છે
પણ હું આત્મા વાસ્તવિક રીતે રાજી થાઉં ને મારા
આત્માને ખરેખર ગમતું શું છે–એનો કોઈ વાર વિચાર
પણ નથી કર્યો, એની કોઈ વાર દરકાર પણ નથી કરી.
જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે
આત્માને રાજી કર્યે જ છૂટકો કરશે અને તેને ‘રાજી’
એટલે આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે. અહીં
જગતના જીવોને રાજી કરવાની વાત નથી, પણ જે
પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું તેની વાત છે.
પોતે સ્વભાવ જ્ઞાન–આનંદથી ભરેલો છે તેની શ્રદ્ધા કરે
તો તેમાંથી કલ્યાણ થાય, તે સિવાય બીજેથી કલ્યાણ
ત્રણ કાળ ત્રણ લોકમાં થાય જ નહીં.
જીવોને આ વાત મોંઘી પડે એટલે બીજો રસ્તો
લેવાથી ધર્મ થઈ જશે!–એમ તેને ઊંધું શલ્ય પેઠું છે. પણ
ભાઈ! અનંત વરસ સુધી તું બહારમાં જોયા કર તો પણ
આત્મધર્મ ન પ્રગટે. માટે પરનો આશ્રય છોડીને
સ્વતત્ત્વની રુચિ કરવી...પ્રેમ કરવો...મનન કરવું તે જ
સત્ સ્વભાવને પ્રગટાવવાનો ઉપાય છે. માટે જે પોતાનું
હિત ચાહે તે આવું કરો–એમ આચાર્યદેવ કહે છે. જેને
પોતાનું હિત કરવુ્રં હોય તેને આવી ગરજ થશે.
અજ્ઞાની જીવોની બાહ્યદ્રષ્ટિ હોવાથી તે એમ માને
છે કે હું પરનો આશ્રય લઉં ધર્મ થાય; પણ જ્ઞાની કહે છે
કે હે ભાઈ! તે બધાનો આશ્રય છોડીને તું અંતરમાં તારા
આત્માની શ્રદ્ધા કર, આત્માને પ્રગટાવવાનો આધાર
અંતરમાં છે. આત્માની પવિત્રતા અને આત્માનો આનંદ
તે આત્મામાંથી જ પ્રગટે છે, બહારથી કોઈ કાળે પણ
પ્રગટતો નથી.
(–પૂ. બેનશ્રીબેન લિખિત
સમયસાર–પ્રવચનોમાંથી)