અશાડઃ ૨૪૮પઃ ૭ઃ
ગઈ છે. આ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન આત્માથી કાંઈ જુદું નથી, પણ તે આત્માનો જ સ્વભાવ છે, એટલે
આત્મસ્વભાવની પ્રતીતમાં તે પણ આવી જ જાય છે.
જેમ લીંડીપીપરનો તીખો સ્વભાવ છે, ને ચોસઠપહોરી તીખાસ પ્રગટે તે તેનું પુરું કાર્ય છે; તે કાર્ય
પ્રગટયા પહેલાં પણ ચોસઠ પહોરી તીખાસ પ્રગટવાના કારણરૂપ એક સ્વભાવ તેનામાં વર્તમાન વર્તે છે. તેમ
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને કેવળજ્ઞાન પ્રગટે તે તેનું પૂરું કાર્ય છે; તે કાર્ય પ્રગટયા પહેલાં પણ કેવળજ્ઞાન
પ્રગટવાના કારણરૂપ સ્વભાવજ્ઞાન વર્તમાન વર્તે છે, તે સહજ છે, સ્વરૂપપ્રત્યક્ષ છે.
મુનિ–શ્રુતજ્ઞાનને સ્વસંવેદન–પ્રત્યક્ષ કહેવાય છે, તે આ વાત નથી; આ તો સ્વરૂપપ્રત્યક્ષની વાત છે.
મતિશ્રુતજ્ઞાન જ્યારે અંતર્મુખ થઈને આત્માનું વેદન કરે છે ત્યારે તેને ઈંદ્રિય વગેરેનું અવલંબન છૂટી ગયું છે
તેથી સ્વસંવેદનમાં તે મતિ–શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યા છે, તે ક્ષાયોપક્ષમિકભાવે છે; કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ છે,
તે ક્ષાયિકભાવે છે; અને સહજજ્ઞાન ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ છે, તે પારિણામિકભાવે છે. જ્ઞાનમાં એકલો ઉપશમભાવ કે
એકલો ઉદયભાવ હોતો નથી.
સહજ સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન સદાય પારિણામિક ભાવે રહેલું છે, એટલે તે જાણવાનું કાર્ય નથી કરતું,–તે
કાર્યરૂપ નથી પણ કારણરૂપ છે, કારણરૂપે તેનામાં પૂરું સામર્થ્ય છે અને તેના આશ્રયે પૂરું કાર્ય (કેવળજ્ઞાન)
પ્રગટી જાય છે તે સ્વ–પરને જાણવાનું કાર્ય કરે છે.
જેનામાં કારણરૂપે પૂરું સામર્થ્ય છે એવું સ્વરૂપ પ્રત્યક્ષજ્ઞાન તો બધા જીવોમાં છે, પણ તેનો જે
સ્વીકાર કરે તેને સમ્યગ્જ્ઞાન થઈને, અનુક્રમે તેના જ આશ્રયે સકલપ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન થાય છે. અને
જેને પોતાના આવા જ્ઞાનસામર્થ્યનું ભાન નથી ને ઇંદ્રિયોને જ પોતાના જ્ઞાનના સાધન તરીકે સ્વીકારે છે
તે મૂઢપ્રાણી એકલા ઈંદ્રિયજ્ઞાનરૂપ મિથ્યાજ્ઞાનવડે સંસારમાં જ રખડે છે. આ સ્વરૂપપ્રત્યક્ષ જ્ઞાનના
સ્વીકારવડે મોક્ષ થાય છે, તેથી તે જ્ઞાન મોક્ષનુ્ર મૂળ છે. દસમી ગાથામાં જેને કારણસ્વભાવજ્ઞાનઉપયોગ
કહ્યો તેને જ અહીં સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન કહ્યું છે; તે આત્માનો પરમ સ્વભાવ છે ને મોક્ષનું મૂળ છે,
તેથી તે ઉપાદેય છે.
કેવળજ્ઞાન તો નવું થાય છે, અત્યારે સાધકદશામાં તો તેનો વિરહ છે તેથી તે સ્વરૂપ–પ્રત્યક્ષ નથી.
સહજજ્ઞાન તો આત્મામાં ત્રિકાળ અવિચ્છિન્નપણે રહેલું છે, તેનો કદી વિરહ નથી, તેથી તે સ્વરૂપપ્રત્યક્ષ છે–આવો
આત્માનો સ્વભાવ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેના અવલંબને જે નિર્મળપર્યાય નવી પ્રગટી તે પણ
અભેદરૂપે સમ્યગ્દર્શનના વિષયમાં આવી જાય છે. નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ છે, એટલે તે સમ્યગ્દર્શનના
વિષયથી જુદી નથી રહેતી.
અહીં આત્માના જ્ઞાનસ્વભાવનો પરમ પારિણામિકભાવ બતાવવો છે. જેમ ધર્માસ્તિકાય, આકાશ
વગેરે ત્રિકાળ પારિણામિકભાવે વર્તે છે તેમ આત્માના જ્ઞાનાદિ સ્વભાવો પણ ત્રિકાળ પારિણામિકભાવે
વર્તે છે, કર્મની અપેક્ષાવાળા જે ચાર ભાવો છે તે વ્યવહારનયના વિષયો છે, ને પારિણામિકસ્વભાવ તે
નિશ્ચયનયનો વિષય છે. જ્ઞાનનો જે પરમ પારિણામિકસ્વભાવ છે તે જ કેવળજ્ઞાનનો આધાર છે. અહીં
જ્ઞાનગુણની વાત કરી તે પ્રમાણે શ્રદ્ધા–આનંદ વગેરે બધા ગુણોમાં પણ સમજી લેવું. આગળ ૧પમી
ગાથામાં આખા દ્રવ્યના પારિણામિકભાવરૂપ કારણશુદ્ધપર્યાયની વાત આવશે, તે શુદ્ધ કાર્ય પ્રગટવાનું મૂળ
કારણ હોવાથી ટીકાકાર મુનિરાજ તેને ‘પૂજ્ય પરિણતિ–કહેશે. જો કે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન વગેરે
પરિણતિ પ્રગટે તે પણ પૂજ્ય છે, પરંતુ અહીં તો આત્માની સાથે સદાય વર્તતી પૂજ્યપરિણતિની વાત છે,
એટલે કે પારિણામિકભાવે વર્તતી પરિણતિની વાત છે.
જ્ઞાનની પારિણામિકભાવે વર્તતી સહજ પરિણતિ તો સ્વરૂપપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન તે સંપૂર્ણપ્રત્યક્ષ
છે. આ પ્રમાણે બે જ્ઞાનોની વાત કરી; હવે બાકીના જ્ઞાનોમાં પ્રત્યક્ષ–પરોક્ષપણું કયા પ્રકારે છે તે કહે છે.
‘रुपिष्ववधेः’ એવું સૂત્રનું વચન હોવાથી અવધિજ્ઞાન વિકલ્પપ્રત્યક્ષ છે અર્થાત્ તે રૂપી પદાર્થોને જ
પ્રત્યક્ષ જાણે છે; અને મનઃપર્યયજ્ઞાન પણ તેના અનંતમા ભાગે વસ્તુને જાણનારું હોવાથી વિકલ પ્રત્યક્ષ છે.
સાધકનો ઉપયોગ જ્યારે આત્મા તરફ હોય છે ત્યારે તેને મતિ–શ્રુતજ્ઞાન હોય છે, અવધિ કે મનઃપર્યયજ્ઞાનનો
વેપાર તે વખતે હોતો નથી. અવધિ અને મનઃપર્યયજ્ઞાન તો પરવિષયોને જ જાણે છે અને તેમાં પણ રૂપી
પદાર્થોને જ જાણે છે.