બંધ–મોક્ષનો ટૂંકો સિદ્ધાંત
(પ્રવચનસાર ગા. ૧૮૯ થી ૧૯૧ ના પ્રવચનો ઉપરથી)
(૧) પ્રશ્નઃ– બંધનનો ટૂંકો સિદ્ધાંત શું છે?
ઉતરઃ– મોહ–રાગ–દ્વેષભાવથી જીવ એકલો જ બંધાય છે–આ પ્રમાણે બંધનો ટૂંકો સિદ્ધાંત અર્હંતદેવે કહ્યો છે.
(૨) પ્રશ્નઃ– અર્હંતદેવે આમ કહ્યું છે–એ વાતની કુંદકુંદાચાર્યને ક્યાંથી ખબર પડી?
ઉત્તરઃ– મહાવિદેહમાં અત્યારે સીમંધર પરમાત્મા બિરાજે છે ત્યાં જઈને કુંદકુંદાચાર્યદેવે સર્વજ્ઞપરમાત્માની
વાણીમાં સાક્ષાત્ સાંભળ્યું; તેમજ ગુરુપરંપરાથી પણ તેમને ઘણું જ્ઞાન મળ્યું હતું; તેમને પોતાના સ્વાનુભવથી
પણ તેમના જ્ઞાનમાં ઘણી નિર્મળતા થઈ હતી.
(૩) પ્રશ્નઃ– આત્મા શેનાવડે બંધાયેલો છે?
ઉત્તરઃ– નિશ્ચયથી મોહ–રાગ–દ્વેષરૂપે પોતાના ભાવબંધવડે જ આત્મા બંધાયેલો છે. જ્યાં આવું નિશ્ચય
બંધન છે ત્યાં નિમિત્ત તરીકે કર્મનું બંધન છે તે વ્યવહાર છે.
(૪) પ્રશ્નઃ– કર્મને લીધે આત્માને ભાવબંધ છે એ વાત સાચી?
ઉત્તરઃ– ના; એ વાત વિપરીત છે. જો કર્મને લીધે ભાવબંધ થયા જ કરે તો તો આત્મા ખરેખર પરાધીન
થઈ ગયો, બંધનથી છૂટવાનો કોઈ અવસર જ તેને ન રહ્યો.
(પ) પ્રશ્નઃ– તો ખરેખર જીવને બંધન કઈ રીતે છે?
ઉત્તરઃ– ખરેખર જીવને પોતાના મોહ–રાગ–દ્વેષ ભાવથી જ બંધન છે. જે જીવ પોતે પોતાના અપરાધથી
મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમે છે તે જ બંધાય છે; જે જીવ–મોહ–રાગ–દ્વેષ નથી કરતો તે જીવ બંધાતો નથી. કર્મ તો
બીજી ચીજ છે. તેનું બંધન આત્માને કહેવું તે તો વ્યવહારથી છે.
(૬) પ્રશ્નઃ– ભાવબંધનો કર્તા દ્રવ્યકર્મ જ છે કે બીજો કોઈ?
ઉત્તરઃ– ભાવબંધનો કર્તા દ્રવ્યકર્મ નથી, પણ મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમતો જીવ પોતે જ પોતાના ભાવબંધનો
કર્તા છે. જીવ પોતે એકલો જ પોતાના બંધ કે મોક્ષનો કર્તા છે, બીજો કોઈ તેના બંધ કે મોક્ષનો કર્તા નથી.
(૭) પ્રશ્નઃ– નિશ્ચયનયે આત્મા પોતાના બંધ–મોક્ષનો કર્તાં છે એમ કહ્યું, અને વ્યવહારનયે આત્મા
કર્મના બંધમોક્ષનો કર્તા છે–એમ કહ્યું, તો આ બે નયોમાંથી અહીં ક્યો નય ગ્રહણ કરવો?
ઉત્તરઃ– અહીં નિશ્ચયનય સાધકતમ હોવાથી તે ગ્રહણ કરવામાં આવ્યો છે. વ્યવહારનય તો પર સાથે સંબંધ
બતાવતો હોવાથી તેના ગ્રહણવડે પરથી ભિન્ન આત્માનું ગ્રહણ થતું નથી; અને નિશ્ચયનય આત્માને પરના સંબંધ
વગરનો બતાવતો હોવાથી તેના ગ્રહણવડે પરથી ભિન્ન આત્માનું ગ્રહણ થાય છે, માટે નિશ્ચયનય ગ્રહણ કરવો.
(૮) પ્રશ્નઃ– અહીં નિશ્ચયનયને સાધકતમ કહ્યો, તો તેનું સાધ્ય શું છે?
ઉત્તરઃ– પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણવો તે અહીં સાધ્ય છે. આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન
જાણતાં, સ્વદ્રવ્યની સન્મુખતાથી શુદ્ધતાની પ્રાપ્તિ છે.
(૯) પ્રશ્નઃ– જે જીવ વ્યવહારને જ ગ્રહણ કરે છે તેને શું થાય છે?
ઉત્તરઃ– વ્યવહારનય આત્માને પર સાથે સંબંધવાળો બતાવે છે, તેથી વ્યવહારનયને જ ગ્રહણ કરે છે તેને
પર સાથે સંબંધવાળા અશુદ્ધ આત્માનું જ ગ્રહણ થાય છે, પણ પરથી ભિન્ન શુદ્ધ આત્માનું ગ્રહણ તેને થતું નથી.
એટલે વ્યવહારનયનું જ જે ગ્રહણ કરે છે તેને પરપ્રત્યે મોહ ઊપજે છે.
(૧૦) પ્રશ્નઃ– નિશ્ચયનય અનુસાર પરથી ભિન્ન આત્માને જે જાણતો નથી ને વ્યવહારનયને પકડીને
આત્માને પર સાથે સંબંધવાળો જ માને છે તે જીવ કેવો છે?
ઉત્તરઃ– આચાર્યદેવ કહે છે કે તે જીવ પરદ્રવ્યમાં મમત્વવાળો છે, અને તે અશુદ્ધ આત્મપરિણતિરૂપ
ઉન્માર્ગનો જ આશ્રય કરે છે. તે પરથી ભિન્ન શુદ્ધ આત્માને પ્રાપ્ત નથી કરતો, પણ પર સાથે સંબંધવાળા અશુદ્ધ
આત્માને જ પ્રાપ્ત કરે છે.
(૧૧) પ્રશ્નઃ– તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?
ઉત્તરઃ– ‘હું પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું–એમ નિર્ણય કરીને જે જીવ પરથી ભિન્ન
આત્માને ધ્યાવે છે તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ એટલે કે અનુભવ થાય છે. અને એ રીતે શુદ્ધાત્માને અનુભવતો થકો
તે જીવ અલ્પકાળે મુક્તિ પામે છે.