(૧) પૂજ્ય પિતાજી ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.
(૨) અંતઃપુરમાં રાણીને પુત્રનો જન્મ થયો છે.
(૩) આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું છે.
ઉપરોક્ત ત્રણે કાર્યની વધામણી એક સાથે જ આવતાં રાજા ભરત ક્ષણભર તો વિચારમાં પડી ગયા
રાજેન્દ્ર ભરતે સૌથી પહેલાં જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવાનો નિશ્ચય કર્યો... અયોધ્યાનગરમાં આનંદભેરી
વાગી....અનેક પ્રજાજનો અને પરિવાર સહિત રાજા ભરત ભગવાનના સમવસરણમાં જઈ
પહોચ્યાં.....મહાન ભક્તિપૂર્વક ભગવાન આદિનાથપ્રભુની પૂજા તથા સ્તુતિ કરી.....અને ભગવાનના
દિવ્યધ્વનિનું શ્રવણ કરીને અયોધ્યાપુરીમાં પાછા ફર્યા. ત્યારબાદ ચક્રરત્નની ઉત્પત્તિનો તથા પુત્રજન્મનો
ઉત્સવ કર્યો. અને પછી છખંડનો દિગ્વિજય કરવા માટે નીકળ્યા. આપણે અહીં જે પ્રસંગ વર્ણવવાનો છે તે
દિગ્વિજયથી પાછા ફરતી વખતનો છે.
દેશો, નદીઓ અને પર્વતોનું ઉલ્લંઘન કરતા કરતા તેઓ કૈલાસપર્વતની નજીક આવી પહોંચ્યા. એ વખતે
ભગવાન ઋષભદેવ કૈલાસપર્વત ઉપર બિરાજતા હતા. કૈલાસપર્વતને નજીકમાં જ દેખીને ચક્રવર્તીએ સેનાને
ત્યાં રોકી, અને પોતે જિનેન્દ્રભગવાનની પૂજા કરવા માટે કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું. તેની પાછળ પાછળ
૧૨૦૦ કુમારો તથા અનેક મુકુટબંધી રાજાઓ જઈ રહ્યા હતા. ઉજ્જવળ કાન્તિને લીધે જે
જિનેન્દ્રભગવાનના યશના પિંડ જેવો દેખાય છે એવા એ કૈલાસપર્વત પાસે શીઘ્ર પહોંચતાં ભરતમહારાજ
ઘણા જ પ્રસન્ન થયા. અહા, મહારાજા ભરત કેવા ભાગ્યશાળી છે કે દિગ્વિજય માટે જતાં પહેલાં તો
ભગવાનના કેવળજ્ઞાનની વધામણી મળી હતી...ને દિગ્વિજય કરીને પાછા ફરતાં પણ ભગવાન
ત્રિલોકનાથના સાક્ષાત્ દર્શન થયા.....અંતરમાં સદાય જેઓ પરમાત્મ–ભાવના ભાવી રહ્યા છે એવા
મહાત્માને પરમાત્માના સાક્ષાત્ દર્શન થયા એમાં શું આશ્ચર્ય છે! ભગવાન ઋષભદેવના દર્શન કરવા માટે
ભરત મહારાજા હર્ષપૂર્વક કૈલાસયાત્રા કરી રહ્યા છે.
કિનારા પરના ઝરણાંઓ દ્વારા એ કૈલાસપર્વત એવો લાગે છે–જાણે કે ચારે બાજુથી જિનેન્દ્ર ભગવાનના દર્શન
કરવા માટે આવી રહેલા ભવ્ય જીવોને પગ ધોવા માટે પાણી દેતો હોય! ચારે બાજુ ફળ–ફૂલથી ખીલેલાં વૃક્ષોવડે
એ પર્વત પ્રસન્ન દેખાય છે, સ્ફટિક મણિ જેવા ઉજ્જવળ ગગનચૂંબી શિખરોની પ્રભાથી તે શોભી રહ્યો
છે.....અનેકવિધ દેવો ત્યાં ક્રીડા કરી રહ્યા છે. કૈલાસ પર્વતની આવી અદ્ભુત શોભા દેખીને ચક્રવર્તી ભરત
આનંદિત થયા. જેમ ભરતચક્રવર્તી રાજાઓના અધિપતિ હોવાથી ‘ભૂભૃત’ છે તેમ કૈલાસપર્વત પણ પર્વતોનો
અધિપતિ હોવાથી ‘ભૂભૃત’ છે. ધર્મબુદ્ધિને ધારણ કરનાર મહારાજા ભરત પર્વતની નીચે દૂરથી જ સવારી વગેરે
પરિકરને છોડીને પૈદળ ચાલવા લાગ્યા. ભગવાનનાદર્શન માટે પૈદળ જ પર્વત ઉપર ચઢતા ભરતને થોડો પણ
ખેદ થયો ન હતો;–એ ઠીક જ છે, કેમકે કલ્યાણ ચાહનારા પુરુષોને આત્માનું હિત કરનારી ક્રિયાઓ ખેદનું કારણ
થતી નથી. મહારાજા ભરત તે કૈલાસપર્વત ઉપર જઈ રહ્યા હતા...કે જ્યાં કેવળજ્ઞાનસામ્રાજ્યના સ્વામી ભગવાન
ઋષભદેવ બિરાજતા હતા. ધર્મચક્રી પિતા પાસે તેમનો ચક્રવર્તીપુત્ર વિનયપૂર્વક દર્શન માટે જઈ રહ્યો છે,–અહા!
કેવું એ અદ્ભુત ભક્તિનું દ્રશ્ય! જેમણે પોતાના દાદાને (ઋષભદેવને) કદી જોયા નથી એવા ૧૨૦૦ ભરતપુત્રો
પણ “ચાલો, દાદાના દરબારમાં જઈએ ને ભગવાન ઋષભદેવનાં દર્શન કરીએ” એવી હોંશપૂર્વક ભરતની
પાછળ પાછળ જઈ રહ્યા છે.