Atmadharma magazine - Ank 191
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૯૧
તો પછી તે મોહના ફળરૂપ ચાર ગતિનું કર્તૃત્વ તો તેને ક્યાંથી હોય?–આ રીતે ચાર ગતિના કર્તૃત્વરહિત
જ્ઞાનાનંદસ્વરૂપ નિજઆત્માને અંતરમાં શોધવો–દેખવો–શ્રદ્ધવો તે શાંતિનો ઉપાય છે. શાંતિનું સ્વધામ સ્વતત્ત્વ
જ છે. તે સ્વતત્ત્વના શોધન વિના જગતમાં બહારમાં ક્યાંય શાંતિ મળે તેમ નથી.
અંતરમાં પ્રવેશ કરીને, ચિદાનંદ સ્વભાવનો સત્કાર કરવો તે સમ્યગ્દર્શન છે. જેને રાગાદિ ભાવોનો
સત્કાર છે તેને ચિદાનંદ તત્ત્વનો અનાદર છે. ચિદાનંદતત્ત્વમાં રાગનો અભાવ છે, તો રાગ તેનું સાધન કેમ
હોય? રાગ તે સાધન નથી, તેના વડે ચૈતન્યની શાંતિ પમાતી નથી. ઉપયોગને અંતરમાં વાળવો તે જ ચૈતન્યની
શાંતિનું સાધન છે. શાંતિનું ધામ શરીર નથી, શાંતિનું ધામ રાગ નથી, શાંતિનું ધામ તો શુદ્ધચૈતન્યરસથી ભરેલું
સ્વતત્ત્વ છે. શ્રદ્ધા–જ્ઞાન–દ્વારા તે સ્વતત્ત્વમાં પ્રવેશ કરવો તે જ શાંતિનો ઉપાય છે.
વનજંગલમાં વસનારા......ને ચૈતન્યની શાંતિને સાધનારા સંતોએ આ રચના કરીને જગતને શાંતિનો
ઉપાય પ્રસિદ્ધ કર્યો છે.
નિયમસારની આ પાંચ ગાથા (૭૭ થી ૮૧ને ‘પંચરત્ન’ કહ્યા છે; આ પંચરત્નદ્વારા પંચમ ભાવસ્વરૂપ
શુદ્ધ ચૈતન્યરત્ન આચાર્યદેવે ઓળખાવ્યું છે. શાંતિનું ધામ એવું આ શુદ્ધચૈતન્યરત્ન, તેને ઓળખીને તેમાં જે
વળ્‌યો તે જીવ સંસારથી પાછો ફર્યો, એટલે તેણે સંસારનું પ્રતિક્રમણ કર્યું ને મોક્ષ તરફ પ્રયાણ કર્યું. જેના આશ્રયે
શાંતિ અને મુક્તિ થાય છે એવું આ શુદ્ધચૈતન્યતત્ત્વ તે જ નિશ્ચયથી સ્વદ્રવ્ય છે, અને તે જ અંર્તતત્ત્વ હોવાથી
પરમ ઉપાદેય છે; એનાથી બાહ્યભાવો તે બધાય પરદ્રવ્યો અને પરભાવો હોવાથી હેય છે.
ધર્મી જીવ પોતાના શુદ્ધચૈતન્યતત્ત્વથી બાહ્ય એવા કોઈ પણ પરદ્રવ્યનો કે પરભાવનો કર્તા, કરાવનાર કે
અનુમોદનાર થતો નથી. અંતરના શુદ્ધચૈતન્યનો જ તે આદર કરે છે, તેનું જ તેને અનુમોદન છે. મારા
ચૈતન્યતત્ત્વમાં પરદ્રવ્યો કે પરભાવો છે જ નહીં–તો હું તેનો કર્તા કેમ હોઉં?–આમ જાણતો ધર્મી જીવ પરભાવોથી
પાછો વળીને નિજસ્વભાવ તરફ ઝૂકતો જાય છે, એ જ તેનું નિશ્ચય પ્રતિક્રમણ છે. આ વીતરાગભાવ છે;
સામાયિક, સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ વગેરે બધા આવશ્યક (મોક્ષ માટે અવશ્ય કરવા યોગ્ય) કાર્યો તેમાં સમાઈ
જાય છે.
વ્યવહારનયના આશ્રયે જે કોઈ ભાવ વર્ણવવામાં આવ્યા છે તે ખરેખર મારો સ્વભાવ નથી, હું તો એક
જ્ઞાયકભાવ છું, જ્ઞાયકભાવ સિવાય જે કોઈ સંયોગી ભાવો છે તે બધાય મારા સ્વભાવથી બાહ્ય છે.
જ્ઞાયકસ્વભાવ તરફ વળીને અભેદ થયેલી પર્યાય તો જ્ઞાયકભાવમાં ભળી ગઈ, અને રાગાદિ વિકલ્પો
જ્ઞાયકભાવથી બહાર રહી ગયા. આ રીતે ધર્મીના અનુભવમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ થઈ ગયો છે.
આવો વિભાગ કરીને જેણે શુદ્ધ સ્વદ્રવ્યને જ ઉપાદેય કર્યું છે એવો ધર્મી જીવ જેમ જેમ સ્વભાવ તરફ એકાગ્ર
થતો જાય છે તેમ તેમ તેને પરદ્રવ્યનું અવલંબન છૂટતું જાય છે ને પરભાવો છૂટતા જાય છે, તેમાં જ પ્રતિક્રમણ
અને મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
આ પાંચ રત્નોદ્વારા આચાર્યદેવે સમસ્ત વિભાવપર્યાયનો ત્યાગ કરાવીને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનું ગ્રહણ
કરાવ્યું છે. આ રીતે આ પંચરત્નોનું તાત્પર્ય સમજીને જે જીવ અંતર્મુખ થઈને સ્વતત્ત્વમાં ચિત્તને એકાગ્ર કરે છે
અને એ સિવાયના સમસ્ત બાહ્ય વિષયોના ગ્રહણની ચિંતા છોડે છે તે જીવ મુક્તિ પામે છે. આ રીતે સ્વભાવ
અને વિભાવના ભેદનો અભ્યાસ તે મુક્તિનું કારણ છે. આવા સ્વતત્ત્વનો આશ્રય કરવો તે જ આત્માની રક્ષા
કરનાર બંધુ છે. ચૈતન્યસ્વભાવનો આશ્રય કરીને વિભાવોના ઉપદ્રવથી આત્માની રક્ષા કરવી તે જ સાચું
રક્ષાપર્વ છે. વિષ્ણુકુમારમુનિને અકંપનાચાર્ય આદિ ૭૦૦ મુનિવરોની રક્ષાનો ભાવ આવ્યો તે ધર્મના
વાત્સલ્યનો શુભભાવ હતો, તે શુભભાવથી પાર એવા ચિદાનંદ સ્વભાવનું વાત્સલ્ય પણ તે વખતે સાથે વર્તતું
હતું. રાગથી પણ આત્માની રક્ષા કરવી (ભેદજ્ઞાન કરવું) તે આત્મરક્ષા છે. જેટલે અંશે રાગાદિ છે તેટલે અંશે
આત્માના ગુણો હણાય છે, અને તે રાગાદિ વિભાવો આત્માની શાંતિમાં ઉપદ્રવ કરનારા છે, તે ઉપદ્રવકારી
ભાવોથી આત્માને બચાવવો, કઈ રીત બચાવવો? કે તે સમસ્ત વિભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વતત્ત્વમાં
પ્રવેશીને તે ઉપદ્રવકારી ભાવોથી આત્માને બચાવવો તે આત્મરક્ષા છે.
(શ્રાવણ સુદ ૧૩–૧૪–૧પના પ્રવચનમાંથી)