ATMADHARMA Reg. N. B. 4787
_______________________________________________________________
અસંખ્યપ્રદેશી ચૈતન્યબાગમાં આનંદના ફૂવારા વચ્ચે ઝૂલતા
મોક્ષસાધક મુનિરાજની અદ્ભુત દશા
(નિયમસાર ગા. ૬૩ ઉપરના પ્રવચનમાંથી)
પહેલાં આત્માના આનંદનું ભાન કર્યું છે કે મારો આનંદ મારામાં જ છે, તે આનંદનું અંશે વેદન
પણ કર્યું છે, પછી અંતર્મુખ થઈને તે આનંદને પરિપૂર્ણ ખોલવા માટે જેઓ પ્રયત્ન કરી રહ્યા છે–એવા
સાધક મુનિવરોની આ વાત છે.
ચૈતન્યસ્વરૂપમાં પ્રવર્તતાં તેમની પરિણતિ એવી શાંત થઈ ગઈ છે કે બહારની કોઈ પ્રવૃત્તિનો
બોજો માથે નથી, બહારના બોજા વગરના હળવાફૂલ જેવા છે, ને ચૈતન્યના આનંદમાં વારંવાર મશગૂલ
છે. આવા મુનિવરોને સમિતિ–ગુપ્તિરૂપ પ્રવર્તન સહજ હોય છે. અંતરમાં વિકલ્પનું ઉત્થાન તે પણ જ્યાં
બોજો છે ત્યાં બાહ્યપ્રવૃત્તિની તો વાત જ શી! વારંવાર અંતર્મુખ થઈને ચૈતન્યને અવલોકનારા
મુનિવરોની દશા અંદર અને બહાર એકદમ શાંત થઈ ગઈ છે; તેમને રોમે રોમે, ચૈતન્યના પ્રદેશે પ્રદેશે
સમાધિ પરિણમી ગઈ છે, આનંદનો સમુદ્ર અંદરથી ઉલ્લસીને પર્યાયમાં આનંદની ભરતી આવી છે.–
આવી આનંદદશાવાળા સાધક મુનિવરોને વસ્ત્રની કે સદોષ આહાર વગેરેની વૃત્તિ હોતી નથી.
અહા! મુનિ એ તો જાણે અધ્યાત્મની મૂર્તિ! અધ્યાત્મનો સાર જે આત્મઅનુભવ તે મુનિવરોએ
પ્રાપ્ત કર્યો છે. ‘અધ્યાત્મનો સાર’ એટલે શાસ્ત્રના જાણપણાની વાત નથી પણ ભાવશ્રુતને અંતરમાં
વાળીને શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તે જ અધ્યાત્મનો સાર છે, તે જ રત્નત્રયની આરાધના છે.
આવો અધ્યાત્મનો સાર મુનિવરોએ પ્રાપ્ત કર્યો છે; તેથી અંતરમાં અતીન્દ્રિય આનંદના વેદનથી તેઓ
શાંત થઈ ગયા છે, ને બાહ્યચેષ્ટાઓ પણ શાંત થઈ ગઈ છે. અહા! સાધુઓની શાંત દશાની શી વાત!
અંદરની શાંતિની તો શી વાત–દેહમાંથી પણ જાણે ઉપશાંત રસ ટપકતો હોય! એવા શાંત છે. ચૈતન્યના
પ્રદેશે પ્રદેશે નિર્વિકલ્પ સમાધિ તેમને પરિણમી ગઈ છે.....કષાયોના ઝણઝણાટ જેમને દૂર થઈ ગયા છે
ને ચૈતન્યમાં શાંતરસના ફૂવારા છૂટ્યા છે, જેમ મ્હૈસુરના વૃંદાવનબાગમાં પ્રકાશના ઝગમગાટ વચ્ચે
પાણીના રંગબેરંગી ફૂવારા છે, ત્યાંનો દેખાવ કેવો છે! ગોમટગીરીમાં બાહુબલી ભગવાનના દર્શન
કરીને પાછા ફરતાં ત્યાં ગયા હતા. તેમ અહીં અસંખ્ય પ્રદેશી ચૈતન્યબાગમાં જ્ઞાનપ્રકાશના ઝગમગાટ
વચ્ચે અતીન્દ્રિય આનંદના ફૂવારા છૂટયા છે,–એ ચૈતન્યબાગના આનંદની શી વાત!–અજ્ઞાનીઓને તેની
કલ્પના પણ હોતી નથી. મુનિવરોનો આત્મા આવા ચૈતન્યબાગમાં વિશ્રાંત થઈને શાંત રસમાં ઠરી
ગયો છે.
–આવા મુનિવરો મોક્ષના પથિક છે. સમસ્ત સંસારકલેશને નષ્ટ કરીને આનંદ રસમાં ઝૂલતા
ઝૂલતા તેઓ શીઘ્ર મોક્ષપદને પામે છે.
–તેમને નમસ્કાર હો.
શુભ સમાચાર!
જામનગરમાં દિ. જિનમંદિરના શિલાન્યાસનું મુહૂર્ત
કારતક સુદ ૮ ને રવિવાર તા. ૮ ના રોજ સવારે જામનગરમાં શ્રી દિગંબર
જિનમંદિરના શિલાન્યાસનું મુહુર્ત છે. વિશેષ સમાચાર આગામી અંકમાં પ્રસિદ્ધ થશે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર