‘આત્મધર્મ’
માસિક સત્તરમા વર્ષનો પ્રારંભ
નૂતન વર્ષના પ્રારંભમાં, જીવનના પરમ ધ્યેયરૂપ એવા
પંચ પરમેષ્ઠી ભગવંતોને અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર
કરીને તેમને અભિવંદન કરીએ છીએ.......પરમકૃપાળુ પૂ.
ગુરુદેવને પણ અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કરીને
અભિનંદીએ છીએ. સર્વે ધર્માત્માઓને ભક્તિપૂર્વક નમસ્કાર
કરીને અભિનંદીએ છીએ.......અને સર્વે સાધર્મીઓને તથા
પાઠકોને પણ ધર્મસ્નેહપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ.
“વા.......ત્સ.....લ્ય.....નું પ્ર.....તી.......ક”
સંસારમાં જ્યારે ચારે કોર વિષય–કષાયની ઝેરી હવા ફેલાઈ રહી છે, અને ધર્મના બહાને પણ
મોટા ભાગે કુમાર્ગનું સેવન ચાલી રહ્યું છે, ત્યારે ચિદાનંદ સ્વભાવના આશ્રયે જ ધર્મ થવાનો પરમ
સત્ય પડકાર કરીને પૂ. શ્રી કહાન ગુરુદેવે અનેક જિજ્ઞાસુઓને જાગૃત કર્યા છે ને ધર્મની સન્મુખ કરીને
વિષય–કષાયોની ઝેરી ગુંગળામણથી છોડાવ્યા છે. ગુરુદેવના ચૈતન્યને સ્પર્શીને આવતી આધ્યાત્મિક
હવા જિજ્ઞાસુઓના જીવનને પ્રસન્નતાથી ભરી દે છે–પરિણામે ચારેકોરથી અનેક જિજ્ઞાસુઓ આવી
આવીને ગુરુદેવની ચૈતન્ય છાયામાં પોતાનું જીવન આત્મહિતની ભાવનાપૂર્વક વીતાવે છે.....ગુરુદેવનો
શીતળ વડલો દિનોદિન વધતો જાય છે ને એની વિશાળ છાયામાં આશ્રય લેનારા જીવો પણ દિનોદિન
વધતા જાય છે.
આવા જિજ્ઞાસુઓમાં બહેનોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. આખું જીવન બ્રહ્મચારી રહીને
સત્સમાગમે વીતાવવું–તે વાત બહેનોને માટે સામાન્યપણે મુશ્કેલ ગણાય, છતાં સોનગઢમાં એ વાત
સુગમ બની છે.....પવિત્ર આત્મા પૂ. બેનશ્રીબેન (ચંપાબેન તથા શાંતાબેન) ની વાત્સલ્યભરી છત્ર
છાયામાં અનેક બહેનો પોતાનું જીવન વીતાવી રહ્યાં છે; અને ભારતભરમાં અજોડ,
અધ્યાત્મવાતાવરણથી ગૂંજતો બ્રહ્મચર્યાશ્રમ અહીં શોભી રહ્યો છે. એના પ્રતાપે અત્યાર સુધીમાં ૨૭
કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે. નાની ઉમરથી જ
આત્મહિતની ભાવનાપૂર્વક સંતોના શરણમાં આ રીતે પોતાનું જીવન અર્પણ કરનારા જીવો પ્રત્યે બીજા
જિજ્ઞાસુ સાધર્મીઓને વાત્સલ્ય ઉભરાય એ સ્વાભાવિક છે.
–આવું પોતાનું વાત્સલ્ય પત્રદ્વારા વ્યક્ત કરતાં નૈરોબી (આફ્રિકા) થી ભાઈશ્રી ઝવેરચંદ પી.
શાહ લખે છે કે–“......ધન્ય છે એ બ્રહ્મચારી બહેનોના જીવનને કે જેમણે જીવન જીવી જાણ્યું.....દરેક
આત્માર્થી જીવે તેમનો ધડો લઈને તેવું જીવન જીવવા જેવું છે......અમને પણ સાક્ષાત્ ગુરુદેવની
વાણીનો લાભ જલદી થાય તેમ ભાવના ભાવીએ છીએ. ભાદરવા સુદ પાંચમ અગર ઉત્તમ બ્રહ્મચર્યના
દિવસે પૂ. ભગવતી બેનશ્રીબહેનોના શુભહસ્તે દરેક બ્રહ્મચારી બહેનને, ઉત્તમ બ્રહ્મચર્ય પ્રગટ થાય એ
ભાવનાની સાથે રૂા. ૧૦૦–૧૦૦ અમારા તરફથી આપશો.” આ પત્ર અનુસાર ભાઈશ્રી ઝવેરચંદ પી.
શાહ તરફથી વાત્સલ્યના પ્રતીક તરીકે દરેક બ્રહ્મચારી બહેનને રૂા. ૧૦૧) (કુલ ૨૭ બહેનોને મળીને
રૂા. ૨૭૨૭) આપવામાં આવ્યા છે. આ પ્રશંસનીય કાર્ય માટે ભાઈશ્રી ઝવેરચંદ પી. શાહને ધન્યવાદ!