Atmadharma magazine - Ank 195
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬ : આત્મધર્મ: ૧૯પ
માનીને તેનો તો તેં અનંત કાળથી અભ્યાસ કર્યો, છતાં તને ચૈતન્યવિદ્યા પ્રાપ્ત ન થઈ, તને તારો
આત્મા અનુભવમાં ન આવ્યો, ને તું અજ્ઞાની જ રહ્યો.. માટે હવે તારી એ મિથ્યાબુદ્ધિને છોડીને અમે
કહીએ છીએ તે રીતે તું અભ્યાસ કર.–એવા અભ્યાસથી છ મહિનામાં તો તને જરૂર ચૈતન્યવિદ્યા પ્રાપ્ત
થશે...છ મહિના સુધી લગનીપૂર્વક અભ્યાસ કરતાં તને જરૂર આત્માનો અનુભવ થશે. ભાઈ, છ
મહિના તો અમે વધુમાં વધુ કહીએ છીએ, જો ઉત્કૃષ્ટ આત્મલગનીપૂર્વક તું પ્રયત્ન કર તો તો બેઘડીમાં
જ તને આત્માનો અનુભવ થશે.
અહા, જુઓ તો ખરા...આ ચૈતન્યના અનુભવનો માર્ગ? કેટલો સરલ અને સહજ? ચૈતન્યનો
અનુભવ સહજ અને સરલ હોવા છતાં, દુનિયાના નકામા કોલાહલમાં જીવ રોકાઈ ગયો હોવાથી તેને
તે દુર્લભ થઈ પડ્યો છે. તેથી આચાર્યદેવ ખાસ શરત મૂકે છે કે દુનિયાનો નકામો કોલાહલ છોડીને
ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર...એક ચૈતન્યતત્ત્વ સિવાય બીજું બધું ભૂલી જા...આ રીતે, માત્ર
ચૈતન્યનો જ અભિલાષી થઈને અંતરમાં તેના અનુભવનો અભ્યાસ કર તો તેની પ્રાપ્તિ કેમ ન થાય? –
જરૂર થાય. ‘કેટલા વખતમાં?’–કે માત્ર બે ઘડીમાં! કદાચ તને કઠણ લાગે અને વાર લાગે તો પણ
વધુમાં વધુ છ મહિનામાં તો જરૂર આત્માની પ્રાપ્તિ થશે. આ રીતે આત્મપ્રાપ્તિના અભ્યાસનો વધુમાં
વધુ કોર્સ છ મહિના છે.
અહીં ‘વધુમાં વધુ છ મહિના’ કહીને કાંઈ કાળની ગણતરી ઉપર વજન નથી દેવું, પરંતુ શિષ્યને
આત્મલગનીના ભાવ કેવા ઉગ્ર છે તે બતાવવું છે. આખાય જગતની દરકાર છોડીને જે શિષ્ય
આત્માનો અનુભવ કરવા તૈયાર થયો તે શિષ્ય કાળના માપ સામે જોતો નથી....કે ‘કેટલો કાળ થયો!’
–તે તો અંતરમાં ચૈતન્યને પકડવાના અભ્યાસમાં ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે, ક્ષણે ક્ષણે
ચૈતન્યસ્વભાવ નજીક ને નજીક થતો જાય છે. આવો ને આવો ધારાવાહી અભ્યાસ ઠેઠ આત્માનો
અનુભવ થતાં સુધી તે ચાલુ જ રાખે છે. આવા અનુભવના અભ્યાસમાં તેને પોતાને જ અંતરમાં
પ્રતિભાસે છે કે મારા ચિદાનંદ સ્વભાવની શાંતિ હવે નીકટમાં જ છે, સુખના સમુદ્રને સ્પર્શીને હવા
આવી રહી છે, હવે સુખનો સમુદ્ર એકદમ પાસે જ છે. આથી આચાર્યદેવે કહ્યું કે: હે ભાઈ! છ મહિના
આવો અભ્યાસ કરવાથી તને પોતાને જ તારા હૃદયમાં ચૈતન્યનો વિલાસ દેખાશે. માટે બીજી
આડીઅવળી અત્યારસુધીની અભ્યાસેલી તારી દલીલો એક કોર મૂક, અને આ રીતે અંતરમાં ચૈતન્યના
અનુભવનો અભ્યાસ કર.
જુઓ, આ ચૈતન્યવિદ્યાનો અભ્યાસ! આ ચૈતન્યવિદ્યા તો ભારતની મૂળ વિદ્યા છે. અગાઉ તો
બાળપણથી જ ભારતના બાળકોમાં આવી ચૈતન્યવિદ્યાના સંસ્કાર રેડાતા....માતાઓ પણ ધર્માત્મા
હતી, તેઓ પોતાના બાળકોને આવા ઉત્તમ સંસ્કારો શીખવતી. અને બાળકો પણ અંતરમાં અભ્યાસ
કરી–અંતરમાં ઊતરીને–આઠ આઠ વરસની ઉંમરમાં આત્માનો અનુભવ કરતા...ભારતમાં
ચૈતન્યવિદ્યાનો આવો ધીકતો ધર્મકાળ હતો....તેને બદલે આજે તો આ ચૈતન્યવિદ્યાનું શ્રવણ મળવું પણ
કેટલું દુર્લભ થઈ પડ્યું છે!! પરંતુ જેને હિત કરવું હોય ને શાંતિ જોઈતી હોય તેણે આ ચૈતન્યવિદ્યા
શીખ્યે જ છૂટકો છે.....આ સિવાય જગતની બીજી કોઈ વિદ્યાવડે આત્માને હિત કે શાંતિનો અંશ પણ
મળે તેમ નથી, માટે હે જીવો! ‘આ વાત અમને ન સમજાય....અમને અઘરું લાગે.....અત્યારે અમને
ટાઈમ નથી’–એમ નકામું કલબલ કરવાનું છોડો.....ને આ ચૈતન્યના અભ્યાસમાં જ તમારા આત્માને
જોડો. છ મહિના એકધારો અભ્યાસ કરવાથી તમને જરૂર આત્મભાન અને આત્મશાંતિ થશે.
બહારની બીજી વિદ્યા–મેટ્રીક કે એમ. એ. વગરે ભણવા માટે કેટલા વર્ષ ગુમાવે છે? પૈસા
કમાવા માટે પરદેશમાં પણ કેટલા વર્ષ ગુમાવે છે? તો આ ચૈતન્યવિદ્યા–કે જે અપૂર્વ છે તેને માટે એક
વાર છ મહિના તો કાઢો. છ મહિના તો ચૈતન્યવિદ્યાનો અભ્યાસ અંતરમાં કરો, મન નહિ, રાગ નહિ,
પરની અપેક્ષા નહિ એમ પરના અવલંબન વગર સ્વાશ્રિત ચૈતન્યના અનુભવ માટે નિશ્ચલપણે છ
મહિના તો અંતરમાં પ્રયત્ન કરો. બીજી બધી વાતોથી નિવૃત્ત થઈને, સમસ્ત પરભાવોથી હું જુદો છું–
એમ લક્ષમાં લઈને, અંતરમાં ઊતરીને ચૈતન્યસરોવરમાં એક વાર તો ડૂબકી મારો. સ્વરૂપના
અભ્યાસથી આત્મપ્રાપ્તિ સુલભ છે,–વધુમાં વધુ છ મહિનામાં જરૂર તે પ્રાપ્ત થાય છે.