Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: ૧૪ : આત્મધર્મ : ૧૯૬
કેમ પડે?–જરૂર પડે. જેમ ગરીબને લક્ષ્મી મળતાં ખબર પડે છે કે હું લક્ષ્મીવાન થયો, જેમ ક્ષુધાતૂરને
ભોજન કરતાં ખબર પડે છે કે મારી ક્ષુધા શાંત થઈ, જેમ તૃષાતૂરને જળપાન કરતાં ખબર પડે છે કે મારી
તૃષા શાંત થઈ, તેમાં બીજાને પૂછવું નથી પડતું; તેમ સમ્યગ્જ્ઞાન થતાં અપૂર્વ આત્મશાંતિનું વેદન થાય છે
તેની પોતાને જરૂર ખબર પડે છે કે મારી આકુળતા શાંત થઈ, મને નિરાકુળ સ્વાભાવિક શાંતિનું વેદન
થયું. મારા જ્ઞાનની દિશા પલટી. સમ્યગ્જ્ઞાન અને શાંતિનું વેદન એ તો પોતાના ઘરની ચીજ છે, એટલે તે
પોતાથી છાની રહે જ નહીં.
(૧૩૧) ભેદજ્ઞાન થતાં જીવને ચૈતન્યસ્વભાવ તો પોતાનો પરમ મિત્ર ભાસે છે ને ક્રોધાદિ
આસ્રવો પોતાના દુશ્મન જેવા લાગે છે. જેમ સજ્જન અને દુશ્મન તે બન્નેની ખબર પડતાં જ સત્પુરુષોને
સજ્જન તરફ વલણ થાય છે ને દુશ્મન સાથેનો સંબંધ તે છોડી દે છે. તેમ સત્સ્વભાવી આત્મા અને
વિરુદ્ધસ્વભાવી આસ્રવો–એ બંનેની ભિન્નતાનું ભાન થતાં જ ધર્માત્મા સત્પુરુષને આત્મસ્વભાવ તરફ
વલણ થાય છે અને આસ્રવો સાથેનો સંબંધ તે છોડી દે છે.
(૧૩૨) અલ્પ રાગાદિ થતા હોય તેને જ્ઞાનમાં રાગાદિ તરીકે જાણી લેવા તે તો જ્ઞાનનું કાર્ય છે,
પરંતુ રાગાદિને હિતરૂપ જાણીને તેમાં જ વર્તવું તે અજ્ઞાનનું કાર્ય છે.–આ રીતે બંનેમાં મોટો ફેર છે. એક
તો રાગને રાગ તરીકે જાણીને છોડે છે, ને બીજો તેને પોતાનો માનીને પકડે છે. જેમ સર્પને સર્પ તરીકે
જાણીને હાથમાં લ્યે, અને સર્પને દોરડી સમજીને પકડે, તે બંનેમાં ફેર છે. સર્પને દોરડી સમજીને જે પકડે
છે તે તેનાથી બચવાનો ઉપાય રાખી શકશે નહિ. ઘોડિયામાં સુતેલા બાળક ઉપર ફેણ માંડીને સર્પ ડોલતો
હોય, અને જ્યાં ખબર પડે કે અરે, આ તો સર્પ!–ત્યાં તરત જ તેને મોઢા પાસેથી એવી રીતે પકડે છે કે
તે કરડી શકે નહીં; તેમજ હાથને ભરડો ન લઈ શકે એવી ચાલાકીથી પકડે છે. તેમ રાગને આસ્રવ તરીકે
નહિ ઓળખનાર જીવ, તેને આત્માથી ભિન્ન નહિ જાણતો થકો તેમાં જ વર્તે છે એટલે તે તો આસ્રવોના
ડંસથી પોતાના આત્માની રક્ષા કરી શકતો નથી. પરંતુ, હું તો જ્ઞાતાદ્રષ્ટા આત્મા છું ને આ ક્રોધાદિ છે તે
હું નથી–આવા ભેદજ્ઞાનવડે જ્યાં ક્રોધાદિને ક્રોધાદિરૂપે ઓળખી લીધા ત્યાં ધર્માત્મા પોતાના જ્ઞાનની
ચાલાકીવડે તે ક્રોધાદિને પોતાથી જુદા ને જુદા રાખે છે, એટલે તે ક્રોધાદિ ભાવો તેની સમ્યક્શ્રદ્ધા કે
સમ્યગ્જ્ઞાનને ભરડો લઈ શકતા નથી; ક્રોધાદિ વખતે તેનાં શ્રદ્ધા–જ્ઞાન જાગૃત ને જાગૃત રહે છે, ને તે
ક્રોધાદિને આત્માના સ્વરૂપમાં નહિ પ્રવેશવા દેતા થકા તેનાથી આત્માની રક્ષા કરે છે. અજ્ઞાનીને તો
મિથ્યાબુદ્ધિપૂર્વકના રાગ–દ્વેષ હોવાથી તે તેના શ્રદ્ધા–જ્ઞાનને કરડી ખાય છે, તે પોતાના શ્રદ્ધા–જ્ઞાનને
રાગ–દ્વેષથી જુદા રાખીને બચાવી શકતો નથી.
(૧૩૩) જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે ‘ભગવન્! સમ્યગ્દર્શનનું અને ભેદજ્ઞાનનું આટલું બધું શું
માહાત્મ્ય છે કે તેનાથી બંધન અટકી જાય છે! અહા! જ્ઞાન થતાં વેંત જ બંધન છૂટી જાય છે–એ જ્ઞાન
કેવું! આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થાય કે તરત જ બંધન અટકી જાય–એ કઈ રીતે?’ તેના ઉત્તરમાં
આચાર્યદેવે ભેદજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવ્યું કે–જો ભાઈ! તું વિચાર કર કે જે જ્ઞાન છે તે
રાગમાં જ પ્રવર્તે છે કે રાગથી છૂટું પડીને જ્ઞાનસ્વભાવમાં પ્રવર્તે છે? જો રાગમાં જ પ્રવર્તતું હોય તો તે
જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે–એમ તું જાણ; અને જો તે જ્ઞાન રાગથી છૂટું પડીને જ્ઞાનસ્વભાવમાં વર્તે
છે,–તો જ્ઞાનમાં વર્તતાં તેને બંધન કેમ થાય? ન જ થાય.–માટે જ્ઞાનથી જ બંધનનો નિરોધ સિદ્ધ થયો.–
કયા જ્ઞાનથી? કે સ્વભાવ તરફ ઝૂકેલા જ્ઞાનથી. આ રીતે ભેદજ્ઞાનનો અને સમ્યગ્દર્શનનો અચિંત્ય
મહિમા તું સમજ.