Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
મહા : ૨૪૮૬ : ૧૭ :
અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા! આ અનાદિના વિકારના આકુળતાના સ્વાદ કરતાં તને અતીન્દ્રિય
ચૈતન્યસ્વભાવનો અનાકુળ શાંતરસ ચખાડું. આવી વાત જ્ઞાનીએ સંભળાવી ત્યારે અંતરની રુચિમાં
વિકારની પક્કડ રાખીને જીવે સાંભળ્‌યું, તેથી તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો. ત્યારે જ્ઞાની તેને
ફરીને સમજાવે છે કે અરે જીવ! તારી રુચિમાં તેં વિકારને પકડયો છે તેથી તને તારા અતીન્દ્રિય
આનંદનો સ્વાદ નથી આવતો, માટે એક વાર તે વિકારની રુચિ છોડીને અંતર્મુખ થા, ને અંતર્મુખ થઈને
ચૈતન્યસ્વરૂપનો સ્વાદ લે, તો તને તારા અતીન્દ્રિય આનંદનો પૂર્વે કદી નહિ આવેલો એવો સ્વાદ આવશે.
આ રીત પ્રમાણે અંતર્મુખ થઈને અનુભવ કરતાં તે જિજ્ઞાસુ જીવને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
આ જ ધર્મની અને અતીન્દ્રિય આનંદના અનુભવની રીત છે.
પ્રભો, ધર્મની આ રીત એકવાર લક્ષમાં તો લે. આ રીત વગર બીજા કોઈ ઉપાયથી ધર્મ થાય તેમ
નથી. ધર્મી એવો જે આત્મા, તેના જ આશ્રયે ધર્મ થાય છે, એ સિવાય રાગાદિના આધારે ધર્મ થતો
નથી. અરે ભાઈ! આ સંસારના આવા દુઃખ! તેનાથી છૂટકારા માટે અંતરમાં આ વાત સમજવાનો
પ્રયત્ન કર. એકલા ક્ષણિક વિકારનું જોર ન દેખ; વિકાર વખતે જ આખો નિત્યાનંદ અવિકારી
આનંદસ્વભાવ ભર્યો છે તે સ્વભાવને દેખ...તેનો આદર કર. બાપુ! ચિરસ્થાયી સ્વભાવના શરણ વિના
બહારમાં કોઈ તને શરણ થાય તેમ નથી, તેમજ ક્ષણિક વિકારના શરણે પણ તારા ભવભ્રમણના આરા
આવે તેમ નથી. ભાઈ, તું એમ ન માની લે કે આત્માની વાત કેમ સમજાય? તું નાનો નથી.
સિદ્ધભગવાન જેવડી મહાન પ્રભુતા તારામાં ભરેલી છે. જો તેં તારી પ્રભુતાને લક્ષમાં ન લીધી તો તેં કાંઈ
નથી કર્યું...જેનાથી ભવદુઃખના આરા અટકે એવું કાંઈક અપૂર્વ કર. આત્માનો ચિદાનંદસ્વભાવ વિકારમાં
નથી, ને વિકાર આત્માના સ્વભાવમાં નથી.–આવા આત્મસ્વભાવને લક્ષમાં લે; તેને લક્ષમાં લેતાં
અતીન્દ્રિયઆનંદના વેદન સહિત તેની પ્રતીતિ થાય–તેનું નામ સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન થતાં
આત્મામાં સિદ્ધપદના ભણકાર આવી જાય છે.
બાપુ! અનંતકાળના તારા દુઃખ મટાડવાની આ વાત છે. આ સમજ્યા વિના બીજે કયાંય
જગતમાં તને સુખનો અંશ પણ મળે તેમ નથી. દુઃખરૂપને તું કલ્પનાથી સુખરૂપ માની લે તો તારું દુઃખ
કયાંથી ટળશે? અહા, ચૈતન્યનો આત્મરસ–અતીન્દ્રિય આનંદરસ તેનો સ્વાદ જેમાં ન આવે તે સુખ
કેવું? ને તે ધર્મ કેવો? કેવળજ્ઞાન અને સિદ્ધપદરૂપી ફળ પાકે એવી તાકાત ચૈતન્યવેલડીમાં ભરી છે.
આવી તારી તાકાતને હે જીવ! તું એક વાર અંર્તમુખ થઈને પ્રતીતમાં લે. જો આવા આત્માને પ્રતીતમાં
ન લીધો તો શાસ્ત્રો ભણ્યો કે મુનિવ્રત પાળ્‌યાં તે બધું મોક્ષને માટે વ્યર્થ છે, એ બધું અનંતવાર જીવ
કરી ચૂકયો છે, માટે આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ શું ચીજ છે તેને એકવાર લક્ષમાં લે...તેની પ્રતીતિ
કર...એની પ્રતીત કરતાં ભવભ્રમણનો અંત આવી જાય છે. અહીંથી દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરો
મોક્ષ પધાર્યા, તે પહેલાં તેમણે આવા શુદ્ધ આત્માની પ્રતીત અને અનુભવ કર્યો હતો, અને પછી તેમાં
સંપૂર્ણ લીન થઈને કેવળજ્ઞાન અને મોક્ષપદ પામ્યા. આ રીતે મોક્ષનો ઉપાય અંર્ત સ્વભાવમાં છે, તે
સ્વભાવની ઓળખાણ અને પ્રતીતનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓને, આ મુનિઓનાં ધામ કેવાં છે!
આ દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરો જ્યારે અહીં સાક્ષાત્ વિચરતા હશે ત્યારે તેમના દેદાર કેવા
હશે?–જાણે કે સિદ્ધભગવાન ઉપરથી ઉતર્યાં! ચૈતન્યમાં ઝૂલતા ઝૂલતા તેઓ સિદ્ધપદને સાધતા હતા ને
અતીન્દ્રિય નિજાનંદનો અનુભવ કરતા હતા. રામચંદ્રજી જેવા પણ ભક્તિથી તેમની પાસે નાચી ઊઠયા
હતા. અસુરદેવો દેશભૂષણ–કુલભૂષણ મુનિવરોને ઉપદ્રવ કરીને ધ્યાનમાં ઉપસર્ગ કરતા હતા, રામ–
લક્ષ્મણે તે અસુર દેવોને ભગાડી મૂકયા, ને મુનિવરોની ખૂબ ભક્તિ કરી. મુનિવરો કેવળજ્ઞાન
પામ્યા...અને અહીંથી તેઓ મોક્ષ પધાર્યા...આવા મુનિવરોનું આ સિદ્ધિધામ છે. અહા! મુનિપદ શું છે–
એ લક્ષમાં