Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦ : આત્મધર્મ : ૧૯૬
અમર થવાનો ઉપાય
(અમરેલી શહેરમાં પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી)
* દેહમાં રહેલો આત્મા સંસારભ્રમણથી થાકીને મોક્ષનો ઉપાય કરવા માટે જ્યારે તૈયાર થાય છે
ત્યારે તે કેવું ભેદજ્ઞાન કરે છે, તેની આ વાત છે. સુખદાયક એવો પવિત્ર આત્મસ્વભાવ, અને દુઃખદાયક
એવા મલિન રાગાદિ ભાવો, એ બંનેને ભિન્ન નહિ જાણવાથી, રાગાદિના જ અનુભવમાં વર્તતો જીવ
અજ્ઞાનભાવથી દુઃખી છે ને સંસારભ્રમણ કરે છે. હવે જેને એમ થયું છે કે અરે! આ રાગના વેદનમાં
મને શાંતિ નથી, મારી શાંતિનો ઉપાય આ રાગમાં ન હોય; માટે રાગથી જુદો થઈને હું મારી શાંતિનો
ઉપાય શોધું.
* આવા શોધક જીવને શાંતિનો ઉપાય આચાર્યદેવ બતાવે છે : હે ભાઈ! તારો જ્ઞાનસ્વભાવી
આત્મા પવિત્ર છે, સુખરૂપ છે, શરણરૂપ છે, ને રાગાદિ તો મલિન છે, દુઃખરૂપ છે, અશરણ છે.–આમ તે
બંનેના ભિન્નભિન્ન સ્વભાવને તું ઓળખ. એ રીતે બંનેને ભિન્નભિન્ન ઓળખતાં જ તારું જ્ઞાન રાગથી
જુદું પડીને સ્વભાવમાં પરિણમશે ને તને તારા સ્વભાવની શાંતિનું વેદન થશે.
* દેહથી ને રાગથી અત્યંત ભિન્નપરિણામે જેનો આત્મા પરિણમી રહ્યો છે, મુક્તિ અને
કેવળજ્ઞાન જેણે સાધી લીધાં છે એવા ભગવાન સર્વજ્ઞપરમાત્મા, તેમણે તે પરમાત્મદશા કયાંથી પ્રગટ
કરી? આત્માના સ્વભાવમાં તે તાકાત હતી, તેમાંથી જ તે પ્રગટી છે, કોઈ સંયોગમાંથી તે પ્રગટી નથી.
(લીંડીપીપરમાંથી ચોસઠપોરી તીખાસ પ્રગટે છે તે દ્રષ્ટાંતની જેમ.)
* પોતાના પરમાત્મસ્વભાવમાંથી બહાર નીકળ્‌યો–ખસ્યો–સંસર્યો તે સંસાર છે; તે સંસાર કયાંય
બહારમાં નથી પણ જીવની પર્યાયમાં જ સંસાર છે. જીવની બહિર્મુખ પર્યાય તે સંસાર છે, ને જીવની
અંતર્મુખ પર્યાય તે મોક્ષમાર્ગ છે. આ રીતે સંસારમાર્ગ કે મોક્ષમાર્ગ જીવની પર્યાયમાં જ છે.
* અહીં મુખ્ય વાત એ છે કે સ્વભાવ શું અને વિભાવ શું, તેનું ભેદજ્ઞાન કરવું. વિકારી
લાગણીઓમાં એકત્વબુદ્ધિ તે જ સંસારનું મૂળ છે; કેમકે વિકાર સાથે એકત્વ માને તે તેનાથી છૂટો કયારે
પડે? વિકારથી ભિન્ન શુદ્ધ જ્ઞાનસ્વભાવને ન જાણે ત્યાં સુધી સમ્યગ્દર્શન પણ ન થાય; તો સમ્યગ્દર્શન
વગર મોક્ષમાર્ગ તો કયાંથી હોય?
* સંસાર એટલે દોષ; દોષ તે કોઈ કાયમી વસ્તુ નથી પરંતુ ગુણ કાયમી વસ્તુ છે; તે ગુણની
* ગુણને અને દોષને વિરુદ્ધ સ્વભાવપણું છે...જેણે દોષમાં (વિકારમાં, રાગમાં) પોતાની
એકતા માની તેણે પોતાના ગુણસ્વભાવનો વિશ્વાસ ન કર્યો, એટલે સ્વભાવનો અનાદર કરીને દોષનો
આદર કર્યો, તે જીવ દોષનો નાશ કયાંથી કરી શકશે?
* જેણે સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન કર્યું, ગુણને અને દોષને જુદા જાણ્યા, તે જીવ સ્વભાવ
તરફ ઝૂકશે ને વિભાવથી વિમુખ થશે...એટલે બંધનથી પાછો વળીને મોક્ષમાર્ગ તરફ તે વળશે.
* ભેદજ્ઞાનની અપૂર્વ કળા કેવી હોય? ને તે પ્રગટતાં આત્મામાં શું થાય, તેની આ વાત છે.
આત્મા અને રાગાદિને જુદા જાણનારું ભેદજ્ઞાન રાગાદિથી છૂટું પડેલું છે, ને આત્માના આનંદ તરફ
ઝૂકીને તેનું વેદન કરવામાં તન્મય થયેલું છે. ભેદજ્ઞાનીની અંર્તપરિણતિ એવી અલૌકિક થઈ જાય છે–
જાણે કે આખો આત્મા જ પલટી ગયો! ભેદજ્ઞાન થતાં આત્માની આખી દશા જ પલટી જાય છે.
* આવા ભેદજ્ઞાન વગર અનંતકાળથી જીવ સંસારમાં ભાવમરણે મરી રહ્યો છે, તે ભાવમરણ
કેમ અટકે અને આત્માનું અમરપદ કેમ પમાય તેની આ વાત છે. ભેદજ્ઞાનવડે જ ભાવમરણથી છૂટીને
ચૈતન્યનું અમરપદ પમાય છે...અમૃતમય એવું જે મોક્ષપદ તે જ આત્માનું અમરપદ છે, ને તેની પ્રાપ્તિ
આવા ભેદજ્ઞાનથી જ થાય છે.