Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
મહા : ૨૪૮૬ : ૭ :
જગતમાં જીવો અનેક પ્રકારના છે; બધાય જીવો એક જ વિચારના
થઈ જાય અથવા તો પોતાના વિચારને અનુકૂળ થઈ જાય–એમ કદી બનતું
નથી. કોઈ જીવો તીવ્ર અજ્ઞાનને લીધે સત્નો વિરોધ પણ કરે કે નિંદા પણ
કરે...પણ મુમુક્ષુએ તેની સાથે વાદ કર્તવ્ય નથી, મુમુક્ષુએ તો સ્વાત્માના
અવલંબનરૂપ નિજકાર્ય જ કર્તવ્ય છે. સત્ની નિંદા કે વિરોધ કરનારા સાથે
વાદવિવાદ કરીને તેમને હરાવી દઊં, કે બીજા જીવોને સમજાવી દઊં,–આવી
બાહ્યવૃત્તિના વેગને શમાવીને, અંતર્મુખ થઈને નિજાત્માના આશ્રયે હિતકાર્ય
સાધવામાં જ મુમુક્ષુએ નિરંતર પરાયણ રહેવું, એવી આચાર્યદેવની શિખામણ
છે.
મુમુક્ષુ જીવે સહજતત્ત્વની આરાધના કઈ રીતે કરવી? તેની વિધિ
બતાવતાં આચાર્યદેવ કહે છે કે–
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
જેમ કોઈ દરિદ્ર મનુષ્ય નિધિ પામે તો તે જગતમાં બીજા પાસે ઢંઢેરો
નથી પીટતો, પણ પોતાની જન્મભૂમિમાં જઈને ગુપ્તપણે તે નિધિને ભોગવે
છે. તેમ અનંતકાળથી નહીં પામેલ એવી અપૂર્વ સહજજ્ઞાનનિધિને શ્રી ગુરુના
ઉપદેશવડે કોઈ આસન્નભવ્યજીવ પામ્યો, તે જીવ જગતમાં ઢંઢેરો નથી પીટતો
કે અમને આમ થયું છે; તે તો અંતરમાં ઊતરીને પોતાના જ્ઞાનનિધાનને
ભોગવે છે. આ રીતે પરજનોની અપેક્ષા છોડીને, મુમુક્ષુ જીવ પોતાના
સહજતત્ત્વની આરાધના કરે છે. નિજસ્વરૂપનો સંગ છોડીને, પરજનોનો સંગ
કરવા જતાં સ્વાત્મધ્યાનમાં વિઘ્ન ઊભું થાય છે, માટે જ્ઞાની ધર્માત્મા તે
પરજનોનો સંગ છોડીને સ્વાત્મધ્યાનમાં તત્પર થાય છે, ને નિજકાર્યને
નિરંતર સાધે છે.
“અહો! અમારો પરમાનંદ અમને અમારા અંતરમાં પ્રાપ્ત થયો,
શ્રીગુરુના ચરણકમળની ઉપાસનાથી અમારા આનંદનિધાન અમને પ્રાપ્ત
થયા,...હવે અમે અંતરમાં ઊતરીને અમારા આનંદનિધાનને ભોગવશું, જગત
પાસેથી અમારે કાંઈ લેવું નથી તેમજ જગતમાં કોઈનો બોજો અમારા ઉપર
નથી. “–આ રીતે ધર્મી જીવ અવ્યગ્ર અને નિર્ભ્રાંતપણે પોતાના
આનંદનિધાનને ભોગવતો થકો તેની રક્ષા કરે છે, એટલે પોતાના
સહજતત્ત્વની આરાધનાને ટકાવી રાખે છે. જગત પ્રત્યેનો સહજ વૈરાગ્ય અને
નિજસ્વરૂપમાં પરાયણપણું ધર્મીને નિરંતર વર્તે છે, તે ઓળખાવીને
આચાર્યદેવે શિખામણ આપી છે કે
હે જીવ! તું સ્વકાર્યમાં પરાયણ થા.
(નિયમસાર ગા. ૧પપ–પ૬–પ૭ ઉપરના પ્રવચનમાંથી)