: ૧૪: આત્મધર્મ: ૧૯૭
(૧૩૬) સમ્યગ્દ્રષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્યસંપન્ન હોય છે. ‘सम्यग्दृष्टेर्भवति नियतं
ज्ञानवैराग्य शक्तिः’ જ્ઞાન અને વૈરાગ્ય એ બે સમ્યગ્દ્રષ્ટિની ખાસ શક્તિઓ છે કે જેને લીધે તેને બંધન
થતું નથી પણ નિર્જરા જ થાય છે. આત્મસ્વભાવ તરફ જ્ઞાન વળે અને રાગાદિથી વિરક્ત ન થાય–
એમ બને જ કેમ? જ્ઞાનીનું હૃદય વિષયોથી ને રાગની અત્યંત વિરકત હોય છે, તેને (રાગાદિને કે
વિષયોને) પોતાના આત્મા સાથે જાણે સ્વપ્નેય લાગતુંંવળગતું ન હોય–એમ તેનાથી આત્માની અત્યંત
ભિન્નતા પ્રતિભાસે છે. જ્ઞાનીને જરાક રાગાદિ થતા દેખાય ત્યાં સ્થૂળ અજ્ઞાનીને એમ થઈ જાય છે કે
આ જ્ઞાનીને પણ આપણી જેમ જ રાગાદિ થાય છે.–પણ રાગ વખતે સમ્યગ્દ્રષ્ટિનું હૃદય બીજું કાર્ય કરે
છે–કે જે રાગથી તદ્ન જુદું છે, તેને તે અજ્ઞાની ઓળખી શકતો નથી. સમ્યગ્દ્રષ્ટિનું હૃદય ઊંડુ છે; ઘણી
પાત્રતા વગર તે પકડાતું નથી. અહા! જ્ઞાની તો મહાવૈરાગ્યનું પૂતળું છે...એના રોમે રોમે ચૈતન્યના
પ્રદેશે પ્રદેશે રાગથી ઉદાસીનતા પરિણમી ગઈ છે...રાગથી તેનું હૃદય અત્યંત વિરક્ત છે...સમ્યગ્દ્રષ્ટિનું
હૃદય આખા જગતથી ઉદાસ છે, તેથી જ કહ્યું કે:
‘દાસ ભગવંતકો....ઉદાસ રહે જગતસોં,
સુખિયાં સદૈવ એસે...જીવ સમકિતી હૈ.’
(૧૩૭) પોતાના ચૈતન્યસ્વરૂપને પવિત્ર જાણતો થકો, રાગથી પૃથક્ થઈને સમકિતી–હંસ
પોતાના આત્મ–આરામમાં....ચૈતન્યબાગમાં નિજાનંદ કેલિ કરે છે. વચ્ચે રાગ આવે તે દુર્ગંધ જેવો
અપવિત્ર ભાસે છે, તેના વેદનની તેને હોંશ નથી. તેને ચૈતન્યસ્વભાવ તરફનો જ ઉત્સાહ છે, રાગ
તરફનો ઉત્સાહ તેને તૂટી ગયો છે. તેથી ઉત્સાહ વગરનો જે થોડોક રાગ રહ્યો છે તેની કાંઈ ગણતરી
નથી; સ્વભાવ તરફના ઉત્સાહના વેગને લીધે તેને બંધન તૂટતાં જ જાય છે. માટે કહ્યું કે ભેદજ્ઞાન થયા
પછી જ્ઞાનીને બંધન થતું નથી.
(૧૩૮) જ્ઞાનીની પરીક્ષા કરવાની ને ઓળખાણ કરવાની રીતે પણ જગતના જીવોને આવડતી
નથી, એટલે પોતાની કલ્પના અનુસાર માપ કાઢે છે. પહેલા નંબરના અજ્ઞાની એવા છે કે માત્ર
બહારના વેષથી પરીક્ષા કરે છે. બીજા નંબરના અજ્ઞાની એવા છે કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે
છે. ત્રીજા નંબરના અજ્ઞાની એવા છે કે કષાયની મંદતા ઉપરથી માપ કાઢે છે. પણ તે કોઈ જ્ઞાનીને
ઓળખવાની ખરી રીત નથી. જે સાચો જિજ્ઞાસુ છે તે તો અંતરની તત્ત્વદ્રષ્ટિથી પરીક્ષા કરે છે કે સામા
જીવને શ્રદ્ધા–જ્ઞાન કેવાં છે? તેને સ્વાશ્રય ચૈતન્યભગવાનની શ્રદ્ધા છે કે નહીં? રાગથી ભિન્નચૈતન્ય
સ્વભાવની પ્રતીત છે કે નહીં? રાગ થાય તેનાથી લાભ માને છે કે તેનાથી જુદો રહે છે?–એની રુચિનું
જોર કઈ તરફ કામ કરે છે? એના વેદનમાં શેની મુખ્યતા છે? આ રીતે અંતરના શ્રદ્ધા–જ્ઞાન ઉપરથી
જ્ઞાની ધર્માત્માને જે જીવ ઓળખે છે તે સુપાત્ર છે.
(૧૩૯) કોઈ જ્ઞાની હોય છતાં પુણ્યયોગે બહારમાં સંયોગ ઘણો હોય, કોઈ અજ્ઞાની હોય છતાં
બહારમાં સંયોગ થોડો હોય;–તેથી સંયોગ ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીનું માપ થતું નથી.
કોઈ જીવે વસ્ત્રાદિ છોડીને મુનિનું દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય છતાં અભિપ્રાયમાં મિથ્યાત્વ
સેવાતું હોય એમ પણ બને, અને કોઈ જીવ વસ્ત્રાદિ સહિત ગૃહસ્થપણામાં હોય છતાં અંતરમાં
સમ્યગ્દ્રષ્ટિ હોય;–માટે બાહ્યવેષ ઉપરથી પણ જ્ઞાની–અજ્ઞાનીની પરીક્ષા થઈ શકતી નથી.
કોઈ અજ્ઞાની જીવ મંદકષાયને લીધે એવો શાંત દેખાતો હોય કે કોઈ બાળી મૂકે તોય ક્રોધ ન
કરે, છતાં અંતરમાં કષાયથી ભિન્ન ચિદાનંદ આત્માનું ભાન તેને ન હોય; તે બંધમાર્ગમાં જ પડ્યો છે,
મોક્ષમાર્ગની તેને ખબર પણ નથી. અને કોઈ જ્ઞાનીને અસ્થિરતાજનિત ક્રોધ થતો હોય પણ ‘મારો
ક્ષમાવંત વીતરાગી ચૈતન્ય સ્વભાવ આ ક્રોધથી જુદો છે’ એવું ભાન તેના અંતરમાં વર્તે છે એટલે
ખરેખર તે બંધમાર્ગમાં નથી પણ મોક્ષમાર્ગમાં વર્તે છે.–આ રીતે માત્ર કષાયની મંદતા ઉપરથી પણ
જ્ઞાની–અજ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.