: ૧૬: આત્મધર્મ: ૧૯૭
સંતોની વાણી આત્માને જગાડે છે
૧. સમ્યગ્દર્શનમાં આત્મશાંતિનું વેદન છે. જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં શાંતિ હોય જ; જ્યાં શાંતિ
હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ. સમ્યગ્દર્શન થાય ને શાંતિનું વેદન ન થાય–એમ બને નહીં અને
સમ્યગ્દર્શન વગર કોઈને શાંતિનું વેદન થાય એમ બને નહિ.
૨. હે જીવ! જેમાંથી સમ્યગ્દર્શન પ્રગટે, જેમાંથી પરમ આનંદ પ્રગટે, જેમાંથી સિદ્ધપદ પ્રગટે
એવા અચિંત્ય ચૈતન્યવિધાન તારા આત્મસ્વભાવમાં જ ભરેલા છે, તેમાં અંતર્મુખ થઈને
શોધ....બહારમાં શોધ્યે મળે તેમ નથી.
૩. સિદ્ધપદ વગેરે જેમાંથી પ્રગટે છે એવો પરમપારિણામિક સ્વભાવી આત્મા ક્્યાં રહ્યો છે?–
પોતાના સહજજ્ઞાનરૂપી કિલ્લામાં તે રહ્યો છે; તે સહજજ્ઞાનરૂપી કિલ્લામાં મોહનું કોઈ ધાંધલ નથી,
તેમાં કોઈ વિધ્ન નથી. અંર્તદ્રષ્ટિરૂપી દરવાજાથી તે સહજજ્ઞાન કિલ્લાની અંદર પ્રવેશતાં સર્વ
આત્મપ્રદેશે ચિદાનંદથી ભરેલા આત્માનું દર્શન થાય છે....ચેતન્યભગવાનનો ભેટો થાય છે...અને પછી
તે જીવ પોતે પરમાત્મા થઈ જાય છે.
૪. ચૈતન્યસ્વભાવી પરમતત્ત્વમાં પ્રવેશ કરનારને ચાર ગતિમાં પુનરાગમન રહેતું નથી, કેમકે
ચૈતન્યસ્વભાવી પરમતત્ત્વ પોતે ચાર ગતિથી રહિત છે.
પ. શ્રી આચાર્યદેવ કરુણાપૂર્વક કહે છે કે અરે જીવ! રાગાદિ ભાવો તો તારે માટે અપદ છે...અપદ છે
તેને તું તારું પદ ન માન...તારું પદ તો શુદ્ધચૈતન્યમય છે, તેને તું દેખ. તારું શુદ્ધ ચૈતન્યપદ તારામાં જ છે,
છતાં અંધ થઈને તેને તું દેખતો નથી.. ને રાગમાં તારું પદ માની રહ્યો છે...તે અંધમાન્યતા હવે છોડ...ને
તારા જ્ઞાનચક્ષુ ખોલીને તારા શુદ્ધચૈતન્ય પદને દેખ...તેને દેખતાં જ તું આનંદિત થઈશ.
૬. અંધ પ્રાણીઓને દેખતા કરવા માટે સન્તો કરુણાથી કહે છે કે અરે પ્રાણીઓ! તમે તમારા
શુદ્ધ ચૈતન્યપદને દેખો...આ તરફ આવો રે...આ તરફ આવો. અનાદિથી રાગ તરફ જઈ રહેલા ને
રાગમાં જ અંધપણે સૂતેલા જીવોને જગાડીને આચાર્યદેવ પાછા વાળે છે; અરે જીવો! રાગ તરફના
વેગથી હવે પાછા વળો....ને આ શુદ્ધચૈતન્ય તરફ આવો. તમારું આ ચૈતન્યપદ પરમ આનંદરસથી
ભરેલું છે.
૭. જેમ રાજાનું સ્થાન સુર્વણના સિંહાસન ઉપર હોય, ધૂળમાં ન હોય; તેમ હે ભાઈ! તું ચૈતન્ય–
રાજા! તારું સ્થાન તો શુદ્ધચૈતન્ય–સિંહાસને છે, વિકારમાં તારું સ્થાન નથી, માટે તું જાગ... જાગીને
તારા નિજપદને જો.....
૮. ધર્મમાં બુદ્ધિમાન તેને કહેવાય કે જે પોતાના સ્વભાવનો જ આશ્રય લઈને મુક્તિને સાધે છે.
જે જીવ એમ નથી કરતો ને પરાશ્રયથી લાભ માનીને સંસારમાં રખડે છે તે જીવ ભલે ગમે તેટલું ભણ્યો
હોય તો પણ બુદ્ધિમાનો તેને બુદ્ધિમાન કહેતા નથી કેમકે તેનામાં ધર્મની બુદ્ધિ પ્રગટી નથી, ધર્મની રીત
કઈ છે તે તેને આવડતું નથી.
૯. ધર્મની રીતે એટલે કે મોક્ષને સાધવાની રીત આ છે કે, સદાય મુક્ત એવા સહજ સ્વભાવનો
આશ્રય કરવો. મુક્ત સ્વભાવના આશ્રયે જ મુક્તિ થાય....રાગાદિ બંધભાવ છે તે બંધભાવના આશ્રયે
તો બંધન થાય પણ મુક્તિ ન થાય.
૧૦. માટે જે જીવ બુદ્ધિમાન છે....જેણે પોતાની બુદ્ધિ ધર્મમાં જોડી છે એવો મુમુક્ષુ જીવ અંતર્મુખ
થઈને પોતાને સહજ સ્વભાવના આશ્રયે રત્નત્રયધર્મને આરાધીને એકલો જ મોક્ષમાર્ગમાં શોભે છે.
સંતોની વાણી આવ મોક્ષમાર્ગની પ્રેરણા આપીને આત્માને જગાડે છે.....એ સંતોનો મહા
ઉપકાર છે.
(નિયમસાર ગા. ૧૭૮ ના પ્રવચનમાંથી વીર સં. ૨૪૮૬, પોષ સુદ બીજ)